
દુનિયામાં અમુક ઘટનાઓ એવી હોય છે જેમાં વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. એવી રીતે અમુક દુર્ઘટનાઓ પણ બનતી હોય છે જેના પરિણામમાં અંતે એવો ઈતિહાસ અથવા પ્રથા બહાર આવે છે કે જેને આખી દુનિયા અનુસરણ કરતી થઇ જાય છે.
આવી જ એક કહાની છે ગુજરાતના શહેર વડોદરાની. આ શહેરને આમ તો પહેલેથી જ ગુજરાતનું ખુબ જ સુંદર શહેર માનવામાં આવે છે અને અહીં અમુક એવા સ્થળો પણ આવેલા છે જે વડોદરા શહેર તરફનું આકર્ષણ વધારે છે.ચાલો, તમને વધુ રાહ ન જોવડાવતા વડોદરા શહેરમાં આવેલું શ્રદ્ધાળુઓનું આકર્ષણનું સ્થળ જણાવી દઈએ. વડોદરાના એક્સપ્રેસ હાઈ-વે પર એક એવી જગ્યા આવેલી છે જ્યાં બાબાને માનતાના રૂપે ઘડિયાળ ચડાવવામાં આવે છે.

નેશનલ હાઈ-વે ૮ પર આ સ્થળ આવેલું છે. અને આ સ્થળનો ઈતિહાસ અંદાજીત ૨૦૦ વર્ષ જૂનો છે એવું પણ કહેવામાં આવે છે. વડોદરા-અમદાવાદ નેશનલ હાઈ-વે ૮ પર હજરત બાલાપીર બાબાની દરગાહ આવેલી છે. આ દરગાહ લોકો માટે એક શ્રદ્ધાનું સ્થળ છે. અહીં હિંદુ-મુસ્લિમ બંને લોકો બાબાના દર્શન માટે આવે છે. અહીં માનતામાં ઘડિયાળની માનતા કરવામાં આવે છે. બાલાપીરની દરગાહમાં ઉર્સના દિવસે તો ધામઘૂમથી ઉજવણી કરવામાં આવે છે.
અહીંનો ઈતિહાસ પણ છે કૈંક ખાસ :

આજથી અંદાજીત ૨૦૦ વર્ષ પહેલા અહીં એક બાબા વસવાટ કરતા હતા. પછીથી આ જગ્યા હજરત બાલાપીરની જગ્યા તરીકે બહાર આવી. બાબાના નિધન બાદ તેના જ એક ભક્તે અહીં દરગાહ બનાવી હતી. અહીં એક હિંદુ પરિવાર વર્ષોથી અવિરત સેવા આપે છે.

અહીં અનેક લોકો તેના મનની મન્નત લઈને આવે છે અને ઘડિયાળની માનતા કરતા ઈચ્છેલ ફળની પ્રાપ્તિ પણ કરે છે. વડોદરા શહેરનું આ સ્થળ શ્રદ્ધાળુઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. અહીં અનેક લોકો આવે છે અને ફૂલ, ચાદર તેમજ અતર ચડાવે છે.
તમે પણ વડોદરા શહેરની મુલાકાત લો ત્યારે આ સ્થળ પર ચોક્કસથી જજો. અને ખાસ વિનંતી કે કોઇપણ ધાર્મિક સ્થળ પર જતા પહેલા મનને ચોખ્ખું રાખજો નહીંતર ઈશ્વર-અલ્લાહને તમારા પર વિશ્વાસ આવશે નહીં.
અવનવી માહિતીથી ભરેલા આવા જ અન્ય લેખ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel