ચાર ધામોમાં એક ધામ, ભગવાન શ્રી કૃષ્ણ, કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા. જ્યાંનાં કણ કણમાં શ્યામ નિવાસ કરે છે. જ્યાં ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે. દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે. આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મના ચાર ધામોમાં દ્વારકાનો સમાવેશ થાય છે.
તથા સાતપુરીઓમાં પણ દ્વારકાપુરી સમાવિષ્ટ છે. હિન્દુ ધર્મના ધર્મગ્રંથો અનુસાર આ નગરી ભગવાન શ્રી કૃષ્ણએ વસાવી હતી. તથા આ નગરી સાથે અનેક ધાર્મિક કથાઓ અને રહસ્યો જોડાયેલા.
દ્વારકા એક મોટું શહેર છે. અહીં હિન્દુ ધર્મના નાના મોટા અનેક મંદિરો છે. ગોમતી નદીના કિનારે વસેલું આ શહેર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે. દ્વારકા સાથે એક મોટું રહસ્ય જોડાયેલું છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના મ્રૃત્યુ બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે.
આ રહસ્યનો ઉકેલ મેળવવા અનેક સંશોધકો પ્રયત્ન કરી ચૂક્યા છે પણ હજુ કોઈ ચોક્કસ પૂરાવા મળી શક્યા નથી. વર્ષ ૨૦૦૫માં દ્વારકાના રહસ્યોની શોધખોળ માટે અભિયાન શરૂ થયું હતું, જેમાં નૌકાદળની મદદ લેવામાં આવી હતી. ત્યારે સમુદ્રના ઉંડાણમાંથી ૨૦૦ જેટલા અવશેષો મળ્યા હતા. પરંતુ તે અવશેષો પૌરાણિક નગરીના છે કે કેમ તેનો તાગ મળી શક્યો નહીં. હજી ઘણા વૈજ્ઞાનિકો સમુદ્રના ગર્ભમાં છુપાયેલા આ રહસ્યને ઉકેલવા મથી રહ્યા છે.
પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં દ્વારકા નગરી અનેક વખત જિર્ણોદ્ધાર પામી છે. વર્ષ ૨૦૧૩માં દ્વારકા શહેરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે જાહેર કરાયું છે. દ્વારકામાં અનેક જોવાલાયક સ્થળો અને ધાર્મિક સ્થળો આવેલા છે. તો ચાલો હવે જાણીએ દ્વારકા શહેરના કેટલાક વિશેષ ધાર્મિક સ્થળો વિશે….
1 જગતમંદિર:
દ્વારકામાં દ્વારકાધીશનું મુખ્ય મંદિર આવેલું છે. જે જગતમંદિર તરીકે ઓળખાય છે. આ ભવ્ય મંદિર ૫ માળનું છે. તથા સુંદર કોતરણીથી સુશોભિત છે. આ મંદિરમાં કુલ ૬૦ સ્તંભ છે. જેમાં પ્રવેશ કરવા માટે સ્વર્ગ દ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષ દ્વારની વિશેષ સંરચના છે.
2. ગોમતી તળાવ:
દ્વારકાધીશ મંદિરની દક્ષિણે એક લાંબું તળાવ આવેલું છે જે ‘ગોમતી તળાવ’ તરીકે ઓળખાય છે. તે વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. ગોમતી તળાવની ઉપર નિષ્પાપ કુંડ છે, જેમાં ઉતરવા માટે સીડીઓની વ્યવસ્થા છે. નિષ્પાપ કુંડમાં પિતૃતર્પણ અને પિંડદાન નું વિશેષ મહત્વ છે.
3. કૈલાશ કુંડ:
ત્યાંથી થોડે દૂર કૈલાશ કુંડ આવેલો છે. કૈલાશ કુંડનું પાણી ગુલાબી રંગનું છે. ત્યાં સૂર્યનારાયણ નું સુંદર મંદિર આવેલું છે.
4. ગોપી તળાવ:
કૈલાશ કુંડથી આગળ ગોપી તળાવ આવેલું છે. ગોપી તળાવની આસપાસની માટી પીળી છે. આ માટીને ગોપી ચંદન કહેવાય છે. ગોપી ચંદનનો ઉપયોગ સૌંદર્ય વધારવા માટે થાય છે. ગોપી તળાવની આસપાસ મોર જોવા મળે છે
5. બેટ દ્વારકા:
બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે. બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. બેટ દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે. પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે. તેની ઉત્તરે રુક્મિણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જામ્બવતીના મહેલ આવેલા છે. આ પાંચેય મહેલ અત્યંત સુંદર છે.
6. શંખ તળાવ:
શંખ તળાવ બેટ દ્વારકામાં આવેલું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધુ કર્યો હોવાની માન્યતા છે. શંખ તળાવના કિનારે શંખ નારાયણનું મંદિર આવેલું છે.
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.