ભારતમાં વર્ષોથી લોકો એમડીએચ મસાલા વાપરતા આવ્યા છે. ખુબજ ઓછા લોકોને ખ્યાલ છે કે એમ઼ડીએચનું ફુલ ફોર્મ મહાશિયામ દી હટ્ટી છે. આ કંપનીની સ્થાપના 1919માં ભારત સ્વતંત્ર થયું તે પહેલાજ થઈ ગઈ હતી. સિયાલકોટ ક્ષેત્રમાં ચુન્નીલાલ ગુલાટી દ્વારા આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.
તેમણે કંપનીની પ્રગતી કરવા પાછળ ઘણી મહેનત કરી હતી. તેમનો એકજ દાવો હતો કે એમ઼ડીએચના મસાલા સુગંધિત ભારતીય મસાલાઓનું મિશ્રણ છે.
આજે એમ઼ડીએચ કંપનીના 64 પ્રકારના મસાલાઓ બજારમાં ઉપલબ્ધ છે. જેમા મીટ મસાલા, કસૂરી મેથી. ગરમ મસાલા, રાજમા મસાલા, શાહી પનીર મસાલા જેવા ઘણા મસાલાનું તેઓ વેચાણ કરે છે. 2017માં કંપનીનું ટર્ન ઓવર 924 કરોડ જેટલું રહ્યું હતું. આ કંપની માત્ર ભારતમાંજ નહી પરંતુ વિશ્વના 100 કરતા વધારે દેશોમાં તેમના મસાલાઓનું વેચાણ કરે છે.
એમડીએચ વાળા દાદાનુ નામ ધર્મપાલ હતું તેમનો જન્મ 1923માં સિયાલકોટ એટલેકે પાકિસ્તાનમાં થયો હતો. તેઓ કંપનીના માલિક ચુન્નીલાલા ગુલાટીના પુત્ર હતા. નાનપણમાં તેમણે ઘણા કામ કર્યા જેમા તેઓ પહેલા તો અખાડામાં કુસ્તી પણ લડતા હતા. સાથેજ તેમના પિતા દૂધ વેચતા હતા તો પિતાની પણ મદદ કરતા હતા.
ભણવામાં તેમને પહેલાથી વધારે રસ ન હતો. જેથી તેમણે પાંચમું ધોરણ પાસ કરીને શાળા છોડી દીધી હતી. બાદમાં તેઓ તેમના વેપારમાં તેમના પિતાની મદદ કરતા હતા. તેમના પિતા કાચ વેચવાનો ધંધો પણ કરતા હતા સાથેજ તેઓ સાબુ પણ વેચતા હતા. થોડાક સમયમાં તેમણે જે મસાલા વેચવાની શરૂઆત કરી હતી તેને લઈને તેમણે મહાશિયાન દી હટ્ટી કરીને એક મસાલાની દુકાન ખોલી.
તે દુકાનને લોકો દેગી મિર્ચ વાલેના નામથી ઓળખવા લાગ્યા. જોકે ભારત આઝાદ થયા બાદ જ્યારે વિભાજન થયું ત્યારે તેમને રાતોરાત પાકિસ્તાન છોડીને દિલ્હી રહેવા માટે આવવું પડ્યું.
7સપ્ટેમ્બર 1947માં તેઓ તેમના પરિવાર સાથે અમૃતસરમાં શરણાર્થીઓ સાથે પહોચ્યા. તે સમયે તેઓ માત્ર 23 વર્ષના હતા. તેમને લાગ્યું કે અમૃતસરમાં તેમને રોજીરોટી મળી રહેશે. જોકે પંજાબની તુલનામાં તે સમયે અમૃતસરમાં બધું સસ્તુ મળતું હતું.
તેઓ જ્યારે દિલ્હી પહોચ્યા ત્યારે તેમના ખિસામાં માત્ર 1500 રૂપિયા હતા. તે સમયે તેમણે 650 રૂપિયામાં એક ઘોડાગાડી ખરીદી. જે ઘોડાગાડીને તેઓ દિલ્હી રેલ્વે સ્ટેશનની બહાર ચલાવતા હતા. પરંતુ તેમને પહેલાથી તેમના મસાલાના ઘંઘામાં વધારે રસ હતો. જેથી તેમણે થોડાક સમયમાં ઘોડાગાડી વેચી કાઢી અને બાદમાં તેઓ અજમલ ખાન રોડ પર તેમના મસાલા વેચવા લાગ્યા.
થોડાક વર્ષોમાં તેમણે અને તેમના નાના ભાઈ સતપાલે તેમની દુકાનો બીજા બધા વિસ્તારોમાં ખોલી હતી. 1953માં તેમણે દિલ્હીમાં પહેલો મસાલાનો સ્ટોર ખોલ્યો હતો.
વર્ષોથી એવી માન્યતા છે કે ઘરે બનાવામાં આવેલ મસાલા શુદ્ધ હોય છે. જે માન્યતા તેમના માટે પડકાર રૂપ હતી. પરંતુ જેમ જેમ ધંધો વધતો ગયો તેમ તેમ તેમણે જાહેરાતો પર જોર આપ્યું હતું. મોટાભાગે તેઓ તેમની જાહેરાતો દ્વારા લોકોને આકર્ષીત કરતા હતા.
તેમણે કાર્ડબોર્ડ પેકેજિંગ કરવાનું શરૂ કર્યું . જે પેકેજિંગમાં તેમણે હાઈજેનિક, ફુલ ઓફ ફ્લેવર અને ટેસ્ટી જેવા શબ્દો લખેલા હતા. સાથેજ તે સમયે તેમણે પેકેટ પર પણ પોતાનો ફોટો લગાવ્યો હતો. આજે તે પેકેટમાં થોડા ઘણા બદલાવ થયા છે. પરંતુ પેકેટ આજે પણ એવુંજ છે જેવું પહેલા હતું.
તેમણે ક્યારેય નહોતું વિચાર્યું તે તેમનું અભિયાન આટલું મોટું ચાલશે. સાથેજ પેકેટ પર તેમનો મુછ વાળો ફોટો હોવાને કારણે એમડીએચ વાળા દાદા ખરેખરમાં બ્રાન્ડ બની ગયા હતા.
પેકેટ પર ફોટો રાખવાનો ઉદ્દેશ તેમનો એવો હતો ગ્રાહકોને ખ્યાલ રહે કે તેઓ કોનો મસાલો ખરીદી રહ્યા છે. સાથેજ તેના દ્વારા ગ્રાહકો સાથે સબંધ પણ જોડાતા હતા. ઘણી જગ્યાએ લોકો તેમના મસાલાને દાદાજી વાળો મસાલો આપો તેવું કહેતા હતા. એટલે કે તેમના મસાલા તેમના ફોટાને કારણે પણ ઘણા પ્રખ્યાત થયા હતા.
મોટા ભાગના લોકો કોઈ સેલેબ્રીટીને તેમના પ્રોડક્ટની એડમાં રાખતા હોય છે. પરંતુ એમડીએચ વાળા દાદાએ પહેલાથીજ તેમના પેકેટ પર તેમનોજ ફોટો રાખ્યો સાથેજ તેમણે કોઈ પણ સેલેબ્રીટીની પણ મદદ નહોતી લીધી. તેમની ટેગ લાઈન પણ તેમણે અસલી મસાલે સચ સચ રાખી હતી. જેથી ગ્રાહકો તેમના મસાલા પ્રત્યે વધારે આકર્ષિત થતા હતા.
આજે પણ એમડીએચના મસાલાનો સ્વાદ એવોજ છે જેવો પહેલા હતો. તેની ગુણવત્તામાં જરા પણ ફેરફાર નથી થયો. મોટા ભાગે તેઓ અફગાનિસ્તાન અને ઈરાન જેવા દેશોમાં તેમનો મસાલો મોકલતા હોય છે. રોજ તેમના ત્યા 30 ટન મરચું અને ધાણાજીરાનું પ્રોડકશન કરવામાં આવે છે. દિલ્હી નાગપુર અને અમૃતસર જેવા શહેરોમાં એમડીએચના પ્લાન્ટ આવેલા છે.
તેમના મસાલાની ગુણવત્તા ચેક કરવા માટે તેમણે એક લેબોરેટરી પણ બનાવેલી છે. જ્યા તેમના મસાલાઓ ચેક કરવામાં આવતા હોય છે. ભારતમાં ઘણા એવા પણ લોકો છે કે જેઓ વર્ષોથી એમ઼ડીએચના મસાલા વાપરે છે. લોકોનું કહેવું છે કે મસાલાની ક્વોલીટી બીજા બધાજ મસાલાઓ કરતા તદ્દન અલગ છે. જેથી તેમને બીજા મસાલા નથી ફાવતા
એમડીએચ કંપની ભારતની એક એવી કંપની છે કે જે 100 વર્ષ કરતા પણ જૂની છે. ભારતના ભાગલા પડ્યા પછી પણ કંપનીનું નીર્માણ એમડીએચ વાળા દાદાએ ફરી કર્યું. સાથેજ બજારમાં પણ તેમના પ્રતિસ્પર્ધીઓ સાથે ટક્કર જાળવી રાખી. ઉપરાંત વિદેશોમાં પણ તેમના મસાલા મોકલીને ત્યાની કંપનીઓને પાછળ છોડી દીધી.
એમડીએચના કાર્યકારી અધ્યક્ષ રાજિંદર કુમારે મીડિયા સમક્ષ કહ્યું હતું કે તેઓ પ્રતિસ્પર્ધીઓને ધ્યાનમાં રાખીને બજારમાં તેમના પ્રોડક્ટની કિંમત નક્કી કરતા હોય છે. તેમણે કહ્યું તેમનું મુખ્ય કેન્દ્ર પ્રોડક્ટના ભાવ પર હોય છે. ઉપરાંત તેમણે કહ્યું કે એમડીએચ કંપની સામે ઘણા પડકારો આવ્યા તેમ છતા કંપની ક્યારેય પાછળ નથી પડી.
ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા સીએસઆર એક્ટિવીટી પણ કરવામાં આવતી હોય છે. તેમણે પશ્ચિમ દિલ્હીમાં 300 બેડ વાળી હોસ્પિટલ પણ સ્થાપિત કરી છે. જ્યા ગરીબોની મફતમાં સારવાર કરવામાં આવે છે. તે સિવાય તેમણે 20 જેટલી સ્કૂલો પણ ખોલી છે. જ્યા બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team