બરાબરનો શિયાળો જામ્યો હતો. હાડ ગાળી નાખે તેવી ઠંડી પડતી હતી. હિમાલયની કંદરાઓમાંથી આવતો તેજ પવન આખા ભારતમાં ફરી વળીને લોકોને ઠૂંઠવી રહ્યો હતો. જંગલો, પહાડો, નદી-ઝરણાંઓ, શહેરો અને ગામડાંઓમાં સૂસવાટી મારતો આ પવન ઘૂમી વળતો. લોકો આ કાતિલ પવનથી ટૂંટિયું વળી જતા. હેમાળેથી આવતા પવનને આ જોઈને ભારે અભિમાન થતું. એને પોતાની શક્તિનો ઘમંડ થતો કે જીવસૃષ્ટિ પોતાનાથી ડરી રહી છે!
તોફાની હિમ જેવા પવનનું આ ઘમંડ સૂર્યથી જોવાતું નથી. એટલે એક દિવસ તેણે આ ઉત્તરીય પવનને સંભળાવ્યું કે, “ભલા માણસ! તું આટલો બધો હવામાં શું કામ ઉડે છે? તારી શક્તિનું તમે આટલું અભિમાન કરવું ઉચિત લાગે છે? માન્યું કે તારામાં રહેલ પ્રતાપી ઠંડીને લીધે લોકોને રક્ષણ શોધવું પડે છે પણ એમાં આટલું ઘમંડ નકામું છે.”
હેમાળાનો વાયરો તો સૂરજની આ વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યો. તેનાં હાસ્યમાં તુચ્છકાર હતો. સૂરજને તે કહેવા લાગ્યો,
“ખોટી સૂફિયાણી હાંકવાનું રહેવા દે અને સીધેસીધું કહી દે કે મારી શક્તિને જોઈ તને ઇર્ષ્યા થાય છે.”
“મને શેની ઇર્ષ્યા થાય?”
“તો પછી શા માટે મને સલાહ દેવા આવે છે?”
“સલાહ તો તને એટલા માટે આપું છું કે હરેક તાકત પાછળ એક નબળાઈ પણ છૂપાયેલી જ હોય છે. કોઈ બધી રીતે શક્તિમાન નથી હોતું, અમુક નબળાઈઓ પણ રહેલી હોય છે બધામાં. માટે શક્તિનું ઘમંડ ના કરવું જોઈએ.” સૂર્યએ હેમાળાના પવનને સલાહ આપી.
“બસ, હવે! હું બધી જ રીતે સંપૂર્ણ છું, તાકતવર છું. મારામાં કોઈ નબળાઈ છે જ નહી!” ઉત્તરીય પવને તો પોતાનો દોકડો જ સાચો ઠરાવવાનું ચાલુ રાખ્યું.
સૂર્યએ ધરતી પર નજર નાખી. વેરાન વગડામાં એક માણસ ધાબળો ઓઢીને પગદંડી વાટે જઈ રહ્યો હતો. સૂર્યએ પવનને કહ્યું,
“તને તારી તાકાતનું એટલું ઘમંડ છે ને? તો નીચે જો પેલો માણસ ધાબળો ઓઢીને જાય છે…એનો ધાબળો ઉડાડી દે!”
“એમાં શી મોટી વાત!” એમ કહીને ઉત્તરીય પવનનો તો વીંઝાવો શરૂ થયો. ઠંડીમાં પ્રચંડ વધારો થયો. સરોવરનાં પાણી થીજી ગયાં. પેલા આદમીએ ધાબળો વધારે જોરથી શરીર આસપાસ વીંટાળ્યો અને કસીને પકડી રાખ્યો. પવને ઘણી મથામણ કરી પણ એ ધાબળો ન છીનવી શક્યો. આખરે એ થાકી ગયો.
“થઈ રહ્યું? હવે જો હું કેવી રીતે એનો ધાબળો હટાવું છું.” કહીને સૂરજ ધૂમ્મસ આઘું કરીને બહાર આવ્યો. એણે પોતાનો તાપ વધાર્યો. ધરતી શેકાવા લાગી. ધાબળો ઓઢીને ચાલતા જતા પેલા આદમીને હવે શરીરે પરસેવો વળવા માંડ્યો. આખરે તેણે ધાબળો શરીર પરથી ઉતારીને થેલામાં પેક કરી દીધો!
આ વાત શીખામણ એ આપી જાય છે, કે દરેક માણસ પાસે કોઈ એક પ્રકારની આવડત રહેલી જ હોય છે. કોઈ એક ક્ષેત્રમાં દરેક વ્યક્તિ પાવરધો હોવાનો જ. પણ એના લીધે પોતાને બધું જ આવડે છે એવો ઘમંડ કરવો વ્યર્થ છે!
સારું લાગ્યું હોય તો શેર જરૂર કરજો, ધન્યવાદ!
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team