ગોંડલના લોકો 7 અનાથ દીકરીઓનાં માવતર બન્યા! વાંચો પ્રેરણાત્મક પ્રસંગનો આખો અહેવાલ

ગોંડલ ખાતે આવેલા ‘શ્રી ભગવતસિંહજી બાલાશ્રમ’ની ૭ અનાથ દીકરીઓનો લગ્નપ્રસંગ સમસ્ત ગોંડલે ધામધૂમથી ઉજવી સામાજિક જવાબદારી અને દિલાવરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ગોંડલના આ આશ્રમમાં નાનપણથી રહેલી અને મોટી થયેલી દીકરીઓને ગોંડલે આજે પરણાવી. આ પ્રસંગે જાણે પોતાનાં સંતાનોનાં લગ્ન હોય તેમ ગોંડલવાસીઓ સ્વયંભૂ જોડાયા હતા અને શહેરના અનેક વિસ્તારોને શણગારવામાં આવ્યા હતા.

વાજતે-ગાજતે આવી જાનો —

શ્રી ભગવતસિંહજી બાલાશ્રમની ૭ અનાથ દીકરીઓનાં લગ્ન થવાના હોઈ ગોંડલવાસીઓએ આગોતરી તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. શહેરનાં અનેક પરાંને શણગારવામાં આવ્યાં હતાં. માંડવાઓ, ડેકોરેશન અને લાઇટિંગ સહિતનાં કામો પણ નગરજનોએ હોંશેથી કર્યાં હતાં. વરરાજાઓ ઘોડા પર બેસીને આવ્યા એ સાથે બેન્ડવાજાના તાલે ગોંડલવાસીઓ ઝૂમ્યા હતા.

સોનાની વીંટી અને ૧૦૦ વારનો પ્લોટ —

અનાથ દીકરીઓનાં લગ્ન સમયે કરિયાવરમાં પણ લોકોએ ઘણું આપ્યું. દાતાઓએ પણ છૂટે હાથે દીકરીઓને આપ્યું. ગોંડલના રાજવી જ્યોતિન્દ્રસિંહજીએ દરેક કન્યાને સોનાની વીંટી આપી હતી. તદ્દોપરાંત, નિલેશભાઈ લુણાગરિયાએ દરેક દીકરીને ૧૦૦ વારનો પ્લોટ આપ્યો હતો. એના દસ્તાવેજ પણ દીકરીઓના નામે જ કરાવી દેવામાં આવ્યા.

ભગાબાપુના સમયથી ચાલી આવે છે પરંપરા —

ઇ.સ.૧૯૦૩માં ગોંડલના ખ્યાતનામ રાજવી ભગવતસિંહજીએ આ બાલાશ્રમની સ્થાપના કરી હતી. કુમળી વયનાં બાળકો, જેનું સંસારમાં કોઈ ના હોય તેના બેલી થવા માટે ‘ભગાબાપુ’ના હુલામણાં નામે જાણીતા ભગવતસિંહજી આતુર રહેતા. અહીં બાળકોને મા-બાપનો પ્રેમ મળતો. રહેવા-જમવાની અને ભણવાની સારામાં સારી વ્યવસ્થા ભગાબાપુએ કરી હતી. બાલાશ્રમના બાળકોનો પહેરવેશ જાંબલી રહેતો. કહેવાય છે, કે આથી ભગાબાપુ પણ મોટેભાગે જાંબલી રંગની જ પાઘડી બાંધતા!

અત્યાર સુધીમાં આ બાલાશ્રમની ૧૪૪ દીકરીઓના વિવાહ ગોંડલના નગરજનોએ કરાવ્યા હતા, એમાં આ ૭ માંડવાનો ઉમેરો થતા પરણાવેલી દીકરીઓની સંખ્યા ૧૫૧ થઈ છે.

ફૂલવાડીનાં કૂમળાં ફૂલને સમાજની વચ્ચે મૂકતા ગોંડલવાસીઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એ દીકરીઓનું હ્રદય કેટલો પ્રેમ વહાવતું હશે જેને વગર માવતરે માવતરનો પ્રેમ મળ્યો અને ઘરબારી થઈ!

આ લેખની માહિતી તમને કેવી લાગી? તમારું કોઈ મંતવ્ય હોય તો અમારા સુધી પહોંચતું કરજો. કમેન્ટ બોક્ષમાં તમારું મંતવ્ય જણાવી શકો છો. એ સાથે “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજને ફોલો કરજો જેથી નવી માહિતી તમને સૌથી પહેલા મળે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team



Leave a Comment