શું સૂર્ય મંદિર ૧૨૦૦ વર્ષ કે એથી પણ પહેલાં બનતાં હતાં …… તો જવાબ છે —–“ના’.
૨૦મી સદીમાં પણ બનેલાં છે સૂર્યમંદિર !!! આ સૂર્ય મંદિર માત્ર રાજા -મહારાજાઓ જ બનાવતાં હતાં એ માન્યતા સદંતર ખોટી છે. પટેલ કોમ પણ બનાવી જ શકે છે સૂર્ય મંદિર …… એ માટે કઈ રાજા મહારાજા કે દીવાન કે મંત્રી હોવું એ જરૂરી નથી જ….. માત્ર મનમાં ઈચ્છા, આસ્થા અને શ્રધ્ધાથી જ બધું જ સિદ્ધ થઇ શકે છે આ દુનિયામાં !!!
ભારતમાં આમ જોવાં જઈએ તો ઘણાં સૂર્ય મંદિરો છે. એ બધાં જ કંઈ કર્કવૃત્તની રેખામાં નથી જ ભારતભરમાં ઠેર ઠેર પોતાની આગવી વિશેષતાથી એક અલગ જ ભાત પડે છે આ સૂર્ય મંદિરો. એમાં માત્ર એક ગુજરાત જ એવું રાજ્ય છે કે જેમાં જુના ને નવાં એમ બંને પ્રકારનાં સૂર્યમંદિરો આવેલાં હોય. ગુજરાતમાં અફેલા અભિપુર અને જગવિખ્યાત મોઢેરાનું સૂર્યમંદિર હતાં. જે ગુજરાતની શાન સમા છે.આધુનિક સૂર્ય મંદિર પણ ભારતમાં બે ઠેકાણે આવેલાં છે. રાંચી ઝારખંડથી ૨૯ કિલોમીટર દુર અને બોરસદમાં !!! પણ ૧૯૭૨ માં ચરોતર જે મૂળ પટેલોનો જ વિસ્તાર ગણાય એવાં વિસ્તારમાં બોરસદ ગામે પણ એક સૂર્ય મંદિર બન્યું હતું. તેના વિષે બહુ ઓછાં લોકો જાણતાં હોય એ સ્વાભાવિક જ ગણાય !!!
કેવી રીતે બન્યું બોરસદમાં સૂર્ય મંદિર?
એની પણ એક ઈતિહાસ કથા છે. ઇસવીસન ૧૯૭૨માં બોરસદમાં એક પ્રસંગ બન્યો હતો.બોરસદના એક વકીલ શ્રી રમણભાઈ પટેલ અને ડાહીબેનનો ૫ માસનો પુત્ર કલ્પેશ, જે હજુ બોલતાં પણ શીખ્યો ન હતો, તે એક દિવસ અચાનક બોલ્યો, ‘સૂર્યમંદિર બંધાવો’.રમણભાઈ અને ડાહીબેન તો આ સાંભળીને ખૂબ નવાઈ પામ્યાં. પાંચ માસનું બાળક બોલી જ કઈ રીતે શકે? પણ પછી તેમને પ્રેરણા થઇ કે કદાચ ભગવાન સૂર્યદેવ જ બાળકમાં પ્રગટ થયા હોય.
તરત જ બાળકના શરીર પર કંકુ દેખાવા લાગ્યું!!! જાણે કે સૂર્યદેવ પોતે જ કંકુ સ્વરૂપે પ્રગટ ના થયા હોય. પછી થોડી વારમાં કંકુ અદ્રશ્ય થઇ ગયું. રમણભાઈને થયું કે હવે બોરસદમાં સૂર્યમંદિર બંધાવવું જ જોઈએ.
તેમની પાસે તો જમીન કે મૂડી હતાં નહિ. તેમણે ગામમાં બીજા આગળ પડતા લોકોને ભગવાન સૂર્યદેવ પ્રગટ થયાની અને મંદિર બંધાવવાની વાત કરી. સૂર્યદેવે જ બોરસદના અંબાલાલ પટેલ અને હરીભાઈ પટેલને સૂર્યમંદિર માટે જમીનનું દાન કરવા પ્રેર્યા !!!
ભગવાને નરેન્દ્ર પટેલને સૂર્યમંદિરની આકૃતિ અને ઢાંચો તૈયાર કરાવ્યો!!! મહેન્દ્ર કંથારિયાને બાંધકામ કરવાં પ્રેર્યા. બીજાં ઘણાને દાન આપવા માટે પ્રેરણા આપી અને જોતજોતામાં તો બોરસદમાં સૂર્યમંદિર બની ગયું. આ કથાનો શિલાલેખ ત્યાં મંદિરના પ્રાંગણમાં કોતરેલો છે. ત્યાં જનાર સર્વેની ઈચ્છા ભગવાન સૂર્યદેવ પૂરી કરે છે.
આ બોરસદ નું સૂર્યમંદિર ભારતભરમાં જાણીતું છે. કારણકે અહી અત્યાર સુધીમાં ૫૦ યજ્ઞો અને ૩૭ જેટલી કથાઓ થઇ ચુકી છે. આમાં ભાગવત,રામાયણ,સૂર્ય પુરાણ, દેવી ભાગવત, ગણેશ પુરાણ, બ્રહ્મપુરાણ અત્મીહ્ય યોગ જે ૨૧ દિવસ સુધી સતત ચાલ્યો હતો. આ સૂર્ય મંદિર ભુજ પવિત્ર છે કારણકે એ સ્વયં સૂર્ય ભગવાનની ઈચ્છાથી જ બનાવવામાં આવેલું છે !!!
મંદિર બહુ વિશાળ જગ્યામાં બનેલું છે. એમાં દાખલ થતાં જ સામે એક સુંદર ફુવારાઓથી સુશોભિત બાગ જે બહુજ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો છે તે આવે છે. મુખ્ય પ્રવેશદ્વાર પર પણ સૂર્ય અંકિત કરવામાં આવ્યો છે. દરવાજાની આજુબાજુનાં બે થાંભલા પર પણ સૂર્ય અંકિત કરાયેલાં છે. દરવાજાની સામેજ એક બાગ છે એમાં સ્ટાર આકારમાં કાળા આકારનાં સંગેમરમરમાં ભગવાનની સુંદર મૂર્તિ સુવ્યવસ્થિત રીતે છત્રીમાં બિરાજમાન છે.
મુખ્ય મંદિર જે જોતાં જ તમને ભવ્ય ઇસ્કોન મંદિરની યાદ અપાવે છે. પણ ….. તેમાં છેક ઉપર વિશાળકાળમાં ગોળાકાર સૂર્યભગવાન સાત ઘોડાનાં રથમાં સવાર થયેલાં છે એ દર્શાવાયા છે !! આ દેખાવ બહુ જ સુંદર લાગે છે. મંદિરની આગળ વિશાળ બગીચો અને પાર્કીંગ માટેની જગા છે. અહીં આવનાર યાત્રીઓ માટે રહેવા તથા જમવાની સુવિધા છે.
અંદર શ્વેત સંગેમરમરનો વિશાળ સભાખંડ છે. એની ડાબી બાજુએ પૂજાવિધિ કરાવવા માટે અને પ્રસાદ ધરાવવા અને ખરીદવાનું એક ટેબલ ગોઠવાયેલું છે. સૂર્યદેવ અહીં સપરિવાર મૂર્તિરૂપે અન્ય ભગવાનની જેમ જ પૂજાય છે આજુ બાજુ અનેક દેવી દેવતાઓના મંદિરો છે. આમાં બધી દેવીઓનાં પણ મંદિરો છે. જેમાં મહાકાલીની મૂર્તિ બહુજ સરસ છે. આ મંદિરમાં નંદી અને ગુરુ નાનક દેવની પણ મૂર્તિઓ છે.જે આપણને સર્વધર્મ સમન્વયનો અહેસાસ કરાવે છે. મંદિર બહુજ સુઘડ અને સ્વચ્છ છે જે માટે એમનાં ટ્રસ્ટીઓને ધન્યવાદ આપવાં જ ઘટે. સુંદર રેલીંગો અને મોટાં ઓટલાં પર એનાં પ્રાંગણમાં બહુજ સરસ મંદિરો આવેલાં છે. આજુ બાજુ બેસવાના બાંકડાની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે.
સૂર્યનારાયણ ભગવાનની આરતીનો સમય:
- મંગળા આરતી સવારે ૬ વાગ્યે
- શણગાર આરતી સવારે ૭ વાગ્યે
- જભોગ આરતી સવારે ૧૧ વાગ્યે
- સંધ્યા આરતી સાંજે ૬.૪૫ વાગ્યે
- શયન આરતી રાત્રે ૯.૧૫ વાગ્યે
આ મંદિરનો સમય સવારનાં ૬ વાગ્યાથી રાતનાં ૯.૧૫ સુધીનો છે. આ આખું મંદિર જોતતા લગભગ ૧ કલાકનો સમય લાગે છે. આ મંદિરમાં દિવસે સાંજે કે રાત્રે ગમે ત્યારે જઈ શકાય છે.
વકીલ રમણભાઈએ અહીં એક પબ્લીક ટ્રસ્ટ ઉભુ કર્યું છે. તે આ મંદિરનો વહીવટ કરે છે. આ ટ્રસ્ટ ગરીબોને અન્ન અને કપડાંની મદદ કરે છે, વિદ્યાર્થીઓને પુસ્તકો આપે છે, અપંગને સાઈકલ આપે છે. તથા જિંદગી શાંત અને અર્થપૂર્ણ રીતે જીવવાનો દરેકને બોધ આપે છે.
આ મંદિર ખૂબ જ પવિત્ર છે, કેમ કે તે ભગવાનની ઈચ્છાથી બન્યુ છે. દુનિયાભરના લોકો અહીં દર્શને આવે છે. દર્શનાર્થીઓની સંખ્યા રોજની લગભગ ૨૦૦૦ જેટલી હોય છે. બોરસદ એક યાત્રાધામ બની ગયું છે. આણંદથી બોરસદ ૧૭ કી.મી. દૂર છે.
સૂર્યદેવ લોકોનાં દુઃખદર્દ દૂર કરે છે. ભગવાન સૂર્યદેવ સૌને સુખી, સમૃધ્ધ રાખે અને દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના.આવાં મંદિરો જ આપની સંસ્કૃતિની ધરોહર છે જે પોતાનામાં એક આગવી ભાત પાડે છે. આવાં મંદિરોની મુલાકાત એક વાર નહીં આનેકોવાર લેવાવી જોઈએ !!!
——– જનમેજય અધ્વર્યુ