પૃથ્વી પર વસતા લોકોમાંથી ભગવાન સદાશિવને માનવા-ભજવાવાળા લોકો ઘણા બધા છે. દેવોના દેવ મહાદેવ બધા જ ભક્તોની શ્રદ્ધામાં દિનપ્રતિદિન વધારો થાય એ રીતે કોઈના કોઈ રીતે મદદ કરતા રહે છે. એટલે જ કહેવાય છે ને, “ભગવાન ક્યાં રૂપમાં આવીને આપણને મદદ કરી જાય છે એ આપણને ખુદને પણ જાણ હોતી નથી.” જેમ ભગવાન કૃષ્ણના હજારો નામ છે એમ ભગવાન શિવને પણ અનેક નામથી બોલાવવામાં આવે છે.
અહીં સુધીની માહિતી જાણ્યા પછી આજના આ લેખની રસપ્રદ માહિતી જાણીએ તો – ભગવાન શિવના મસ્તિષ્કમાં નેત્ર છે, જેને ‘ત્રિનેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રિનેત્રનું રહસ્ય શું છે એ પણ જાણીએ…
શિવપુરાણની કથા અનુસાર વાત કરવામાં આવે તો જયારે માતા સતી તેના પિતાના ઘરમાં થઇ રહેલા યજ્ઞકુંડમાં ખુદને જ સ્વાહા થયા ત્યારે ભગવાન શિવ અતિક્રોધમય બન્યા હતા ત્યારે ક્રોધમય બનેલા શિવ ગુસ્સામાં ત્રિનેત્ર ખોલીને દુનિયાને નિહાળી રહ્યા હતા. એ સમયે આખી દુનિયા અને બ્રમ્હાંડ ખતરામાં આવ્યું હતું. ત્યારબાદ અન્યદેવતાઓની આજીજીથી ભગવાન શિવ શાંત થયા.
આ સિવાય બીજી એક કથા અનુસાર એવું પણ કહેવાય છે કે, જયારે પ્રેમના દેવતા કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી હતી ત્યારે શિવજીએ ક્રોધમાં ત્રીજું નેત્ર ખોલ્યું હતું. એ દરમિયાન ત્રિનેત્રની અગ્નિથી કામદેવને જીવન ગુમાવવું પડ્યું હતું. દેવલોકમાં ઘણી કથાઓ એવી છે જેમાં શિવજીના ત્રિનેત્રનો ઉલ્લેખ છે. ઉપરાંત, ત્રિનેત્રની પ્રચંડ શક્તિનો ઘણી કથાઓમાં વર્ણન પણ કરવામાં આવ્યું છે.
આપણે સૌ જાણીએ છીએ એ રીતે ભગવાન શિવ ભક્તોની હર મનોકામના પૂર્ણ કરે છે પણ સદાશિવના ક્રોધ પાસે દુનિયાની કોઇપણ શક્તિ નાકામ બની જાય છે. શિવનું ત્રિનેત્ર અતિશક્તિમાન છે, જેમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની તમામ માહિતી છુપાયેલ છે. એમ, ત્રિનેત્ર તમામ શક્તિઓનો ભંડાર છે.
વિદ્વાનો, ભગવાન શિવને ‘ત્રિલોચક’ પણ કહે છે કારણ કે બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ ત્રણેય શક્તિના રૂપ છે, જેમાં સર્વશક્તિ એવા ભગવાન શિવ પાસે જ ત્રિનેત્ર છે. વિજ્ઞાન અનુસાર પણ થોડી માહિતી જાણીએ તો – ભગવાન શિવની ત્રીજી આંખ જ્યાં સ્થિત છે ત્યાંની ગ્રંથી દિવ્યશક્તિમાન છે. એ સાથે જાગૃત ગ્રંથી પણ છે. એટલા માટે જ હિંદુ સંસ્કૃતિમાં પૂજા-પાઠ અથવા શુભ કાર્યો વખતે જે તિલક કરવામાં આવે છે એ કપાળમાં નાકની બરાબર ઉપરના ભાગ પર કરવામાં આવે છે.
ભગવાન શિવના ઘણા એવા રહસ્યો છે જે પુરાણોમાંથી જાણવા મળે છે. એવી રીતે પુરાણોના રસ્તે ચાલતા જઈએ એમ ભગવાન શિવના ત્રિનેત્રની પણ ઘણી માહિતી મળી શકે. એટલે જ ભગવાન શિવને માત્ર કલ્પના જ નહીં પણ વાસ્તવમાં પૃથ્વીનું સંચાલન કરનાર દેવ, પૃથ્વીના માલિક અને માણસોના તારણહાર જેવા અનેક શબ્દોથી આરાધ્યના પ્રમુખ દેવ માનવામાં આવે છે. ભગવાન શિવના નામ માત્રથી માણસોના કષ્ટ દૂર થાય છે તો તમે વિચારી શકો કે ત્રિનેત્રની શક્તિ-ઉર્જા કેટલી પાવરફૂલ હશે!
અન્ય ધાર્મિક લેખ વાંચવા માટે “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અહીં તમને અલગ અલગ માહિતી મળતી રહેશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel