ખાણીપીણીની વાત કરીએ તો ગુજરાતની પ્રજાનો જવાબ નથી. સવારના નાસ્તાથી માંડીને રાતની છેલ્લી આઈસ્ક્રીમ સુધી દરેક વસ્તુમાં ટેસ્ટ પારખવો એ આપણું કામ. તીખો, ચટપટો, મસાલેદાર અને ચટાકેદાર ખોરાક એ આપણી પહેલી પસંદ ખરું ને?
રંગીલું રાજકોટ હોય કે અલબેલું અમદાવાદ, કાઠીયાવાડી મોજ હોય કે સુરતની સંગત. કોઈ પણ પ્રદેશના ગુજરાતી આખરે તો ગુજરાતી જ ને! કલાના કદરદાન અને સ્વાદના શોખીન. નવી નવી વાનગીઓ ટ્રાઇ કરવી ગમે જ. ચાઇનીઝ, પંજાબી , મેક્સિકન કે સાઉથ ઇન્ડિયન બધાં ફુડમાં થોડોક ગુજરાતી ટેસ્ટ લાવીને ખાવાની મજા માણીએ. તો આજે આપણા ગુજરાતના ખૂબ પ્રખ્યાત એવા નાસ્તાઓ અને સ્ટ્રીટ ફૂડ વિશે જાણીએ.
1. ધોરાજીના ગાંઠીયા:
ગાંઠીયા અને જલેબી આપણો ફેવરેટ નાસ્તો. દરેક શહેરના ગાંઠીયા આમ તો સ્વાદિષ્ટ જ બંને પણ ધોરાજીના ગાંઠીયાની વાત જ કંઈક અલગ છે. મોટી મોટી હોટલો માં પણ જેટલી કમાણી નહીં થતી હોય એટલી કમાણી કરી આપે છે ધોરાજીના ગાંઠીયા અને સાથે લસણીયા બટેટાં. સ્વાદિષ્ટ ગાંઠીયા અને તીખાં બટાકા લોકો ખૂબ પસંદ કરે છે અને મોજથી ખાય છે. ધોરાજી બાજુ જવાનું થાય તો ગાંઠીયા ખાવા અચુક જવું.
2. ભાવનગરનાં ભૂંગળા બટાકા:
એકદમ તીખાં અને લાલ લસણીયા બટાકા સાથે ભૂંગળા દુનિયાનું બેસ્ટ કોમ્બિનેશન છે. પણ જે ભૂંગળા બટાકા આખા ગુજરાતમાં વખણાય છે એ છે ભાવનગરના ભૂંગળા બટાકા. ઘણાં લોકો તો સ્પેશિયલ ભૂંગળા બટાકા ખાવા જ ભાવનગર આવે છે. તમારો પણ વિચાર હોય તો જઈ આવજો એકાદ વાર ભાવનગર.
3. જામનગરના ઘૂઘરા:
કાજળ, સૂલમો અને બાંધણી તો જામનગરની સ્પેશિયાલીટી છે જ. પરંતુ આના સિવાય આપણું જામનગર ઘૂઘરા માટે પણ પ્રખ્યાત છે. મસ્ત કરકરા, ડુંગળી વાળા ઘૂઘરા અને સાથે લાલ અને લીલી ચટણી આહાહા… મજા આવી જાય. બીજું કંઈ કરો કે ના કરો , જામનગરના ઘૂઘરા એક વાર ટેસ્ટ કરવા જ.
4. વડોદરાની પ્યારેલાલની કચોરી:
હવે વાત કરીએ વડોદરાની સ્પેશિયલ કરચોરીની. પ્યારલાલની કચોરી વડોદરાની શાન છે. ક્રિપ્સી કચોરી સાથે થોડી સેવ અને ચટણી ખાવાની તો મજા જ કંઈક ઔર છે. વડોદરામાં જે કોઈ પ્રવાસી આવે એ પ્યારેલાલ ની કચોરી ખાય તો ખરા જ અને પેક કરીને સાથે પણ લઈ જાય. તમે પણ લેજો પ્યારેલાલની કચોરીની મુલાકાત.
5. માણેકચોક અમદાવાદ:
ખાણીપીણીની વાત થઈ જ રહી છે તો આપણું અમદાવાદ થોડું પાછળ રહી જાય! એક બે વાનગીનું તો વર્ણન કરાય નહીં, નહીં તર બીજી વાનગીઓ ખોટું માની જાય. એટલે અમદાવાદના આખા માણેકચોકને જ અમદાવાદની ખાસિયત કહી દઈએ.
જો તમે ખાવાપીવાના સાચાં શોખીન હોવ જ તો માણેકચોક જવું ફરજિયાત છે. પાઉંભાજી, ઢોસા, દાબેલી, વડાપાઉં, સમોસા અને ભાજીકોન. આ બધી જ વાનગીઓ વર્લ્ડ બેસ્ટ મળશે માણેકચોકમાં. તો અમદાવાદનો પ્રવાસ કરો ત્યારે માણેકચોક ની ચક્કર જરૂરથી લગાવજો.
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.