સેવાની ભાવના સાથે ચાલતુ અમદાવાદનું સેવા કાફે

ધંધામાં હરિફાઈ અને મોંઘવારીના આ યુગમાં અમદાવાદનું એક એવું કાફે જ્યા તમે પ્રેમથી ભરપેટ જમીને પૈસા તમારી ઈચ્છા પ્રમાણે આપી શકો છો. જો તમે પૈસા ના આપો તો પણ કોઈ તમને કાંઈ પણ ના કહે. શહેરનું આ કાફે ખરા અર્થમાં અતિથિ દેવો ભવની ઉક્તિને સાર્થક કરે છે.

અહીં તમને એક ગ્રાહક નહીં પરંતુ મહેમાન કે પરિવારનો સભ્ય જેવો આવકાર આપવામાં આવે છે. સેવા કાફેમાં જે લોકો પાસેથી પૈસા તેમના માટે નહીં પરંતુ તેમના પછી આવનારા લોકો માટે હોવાની ભાવના સાથે લેવાય છે. જેથી આજના પૈસાથી આવતીકાલે અતિથિ દેવો ભવના ભાવ સાથે લોકોને જમાડી શકાય. અહીં રોજે રોજ લોકો દ્વારા અપાતા પૈસાનો કોઈપણ જાતના નફાની લાલચ વિના પુરેપુરો આજ રીતે સમાજ સેવામાં કરી દેવાયા છે.

સવારે જ ખુલી જતા સેવા કાફેમાં સાંજે ભોજનનો ટાઈમ હોય છે. મંગળવારથી રવિવાર સુધી ચાલતા સેવા કાફેમાં રોજ નક્કી કરેલી સંખ્યામાં જ લોકોને એન્ટ્રી અપાય છે. તો શનિ અને રવિવારે આ સંખ્યામાં થોડી વધારે હોય છે. ભોજનમાં રોજ નક્કી કરેલી વાનગી પીરસાય છે, પ્રેમની ભોજન કર્યા બાદ ગ્રાહકે બંધ કવરમાં આપવા હોય તેટલા પૈસા આપવાના રહે છે. કોઈપણ જાતની અન્ય મદદવિના હોટેલમાં કામ કરતા આટલા લોકો અને રોજનો ખર્ચ કઈ રીતે પુરો થતો હશે તે સ્વાભિક પ્રશ્ન થાય.

જો કે સેવાકાફેના સંચાલકો તેને હોટેલ નથી કહેતા, અહીં કામ કરતા લોકો કોઈ કર્મચારીઓ નથી તેઓ તો સ્વયંસેવકો છે. તેઓ રોજ સેવાના ભાવ સાથે પોતાની સેવા આપે છે. આ સ્વયંસેવકો એક દિવસ પહેલા જ પોતાનું નામ નોંધાવી દે છે. કેટલીક ગૃહિણીઓ, વૃદ્ધો અને યુવાનો તો અહીંના નિયમિત સેવકો છે. સેવા કાફે માત્ર ભોજન જ નહીં બીજી પણ સેવા કરે છે. અહીં એક લાઈબ્રેરી પણ સવારથી સાંજ સુધી કોઈપણ વ્યક્તિ સમય પસાર કરી શકે છે. જેને વાંચવું ના હોય તે ચિત્રો દોરી શકે તેની વ્યવસ્થા છે, તો જેને તબલાંનો શોખ હોય તે અહીં તબલાં પર પણ પોતાનો હાથ અજમાવી શકે છે.

જેનું સરનામું છે 

  • સેવા કાફે,
  • શોપર્સ પ્લાઝા,
  • ચોથો માળ,
  • મ્યુનિસિપલ માર્કેટની સામે, સી. જી. રોડ,
  • અમદાવાદ

Source – atulnchotai

Leave a Comment