માતાની કૃપા એમના પ્રિય ભક્તો પર હંમેશા રહેતી હોય છે. શ્રધ્ધાળુઓ માટે એ સિધ્ધવાત છે, કે તેમની હરેક મનોકામના માતા પૂરી કરે છે. શુધ્ધ અંત:કરણથી કરેલી પ્રત્યેક વિનંતી માતાના દરબાર સુધી પહોંચે જ છે. એ દરબારરૂપી મંદિર કોઈ પણ દેવીનું હોય, કોઈ પણ શક્તિનું અને ભારતભૂમિ પર ક્યાંય પણ હોય; એ હરેક મંદિરની અંદર રહેલી દુર્ગાસ્વરૂપ શક્તિ પોતાના ભક્તોનાં દુ:ખ સાંભળવા માટે કાન સરવા જ રાખે છે!

અહીં વાત છે – સંકટાદેવી વિશે. ઉત્તરપ્રદેશના લાલગંજમાં આવેલ ગેંગાસોમાં સંકટાદેવીનું એક ભવ્ય મંદિર સ્થિત છે. વર્ષના કોઈ પણ દિવસે અહીઁ વિશાળમાત્રામાં એકઠો થયેલ શ્રધ્ધાળુઓનો માનવસમૂહ જોઈને જ તમે કહી દો કે કંઈક તો અહીં છે! સંકટાદેવીનાં આ શક્તિસ્થાનરૂપ મંદિર વિશે ભક્તોમાં એક પ્રબળ શ્રધ્ધા છે કે અહીં ખોળો ધરનારની હરેક મનોકામના દેવી પૂર્ણ કરે છે.
કુંવારી કન્યાઓ માંગે છે વરદાન

સંકટાદેવીનાં મંદિરે કુંવારી કન્યાઓ પોતાને ઇચ્છીત અને સારો જીવનસાથી મળે એ માટે માતાજી પાસે મન્નત માંગે છે. માતાજી પણ જાણે એમની આ માંગને પૂરી કરે છે અને ઇચ્છીત પતિ માટેનું વરદાન આપે છે. અનેક કોડભરી કુંવારિકાઓની માનતાઓ માતાએ માની છે: એની સાક્ષી પૂરે છે મંદિરમાં બંધાયેલી લાલ ચૂંદડીઓ! પોતાની મનોકામના સિધ્ધ થાય એ પછી શ્રધ્ધાળુઓ અહીઁ ચૂંદડી અર્પણ કરવા આવે છે.
ખોળાનો ખૂંદનાર પણ મળે છે

માત્ર કુંવારિકાઓ નહી, પરિણીત યુગલો પણ અહીં પોતાની મનોકામના-વ્યથા વર્ણવવા આવે છે. સંતાનના માતા-પિતા બનવાનું સપનું પૂરું થાય એ માટે પણ ભાવિકો અહીં આવે છે. અને એ હક્કીકત છે કે માની કૃપાથી અનેકોનું ‘વાંઝીયા મે’ણું’ ભાંગ્યું પણ છે! અહીઁ ખાસ પ્રકારના લાડુનો ભોગ માતાજીને ધરવામાં આવે છે.
શું છે પૌરાણિક તથ્ય?

સંકટામાતાનું આ મંદિર આશરે ૧૨મી સદી આસપાસનું હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે, કે અહીઁના એક ક્ષેત્રીય રાજા, નામે ત્રિલોકચંદ્રને સંતાનસુખ નહોતું. એક સમયે તેણે કાશી જઈને એક વંદનીય મહર્ષિની સલાહ લીધી. મહર્ષિએ રાજા ત્રિલોકચંદ્રને પુત્રયેષ્ઠિ યજ્ઞ કરવા કહ્યું. આજે જ્યાં મંદિર છે તે ભૂમિ પર યજ્ઞ કરવામાં આવ્યો અને ફળસ્વરૂપ રાજાને સંતાનપ્રાપ્તિ થઈ. ત્યારથી આ ભૂમિ પર સંકટામાતાનું મંદિર હોવાનું કહેવાય છે.
માતાજીનાં મંદિરે આજે પણ અપરંપાર શ્રધ્ધાથી ભક્તો આવે છે, શિશ ઝૂકાવે છે, સંસારી માયાજાળમાં જરૂરી એવાં વિકારરહિત સુખો માટે પ્રાર્થના કરે છે અને દુ:ખહરણી માતા કુળદેવી સંકટાદેવી એમની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જય સંકટામાતા!
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
~કૌશલ બારડ