કોઈ તમને પૂછે તો પ્રેમ એટલે શું? કદાચ સામાન્ય ભાષામાં મનમાં એક જ જવાબ આવે કે, બે વ્યક્તિઓ એકબીજાને પસંદ કરે અને એકબીજા સાથે જીવન વિતાવવા તૈયાર હોય, તેમની વચ્ચેની લાગણીઓ એટલે પ્રેમ. હા, આ વાત એકદમ બરાબર છે. દરેક વ્યક્તિને જીવનમાં એક વાર તો પ્રેમ થાય જ છે. પણ હાલનાં બદલાતા યુગમાં પ્રેમ જ ચિંતાનો વિષય બની ગયો છે. આમ તો પ્રેમ વ્યક્તિની અંગત બાબત છે. પરંતુ આપણે પ્રેમને આજે સામાજીક દ્રષ્ટિએ જોઈએ.
મોબાઈલ અને સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. સાથે જ આજકાલના ટીનેજર્સની માનસિકતાઓ અને જીવનશૈલી પણ વળાંક લઇ રહી છે. એક તરફ સમાજમાં પ્રેમ અને સ્વતંત્રતા અંગે જાગૃતિ આવી રહી છે. તો બીજી તરફ આ પ્રેમ પ્રકરણો જ ચિંતાનો વિષય જતા હોય છે. પ્રેમની જાગૃતિની બાબતમાં એવું કહી શકાય કે, પ્રેમ સહેલાઈથી કરી શકાય છે. જેને પ્રેમ કરીએ છીએ તેની સામે રજુ કરી શકાય છે અને મનગમતા પાત્ર સાથે લગ્નબંધનથી જોડાઈ પણ શકાય છે.
આજનાં યુગમાં મોટાભાગના યુવક-યુવતીઓ ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બનાવે જ છે. પ્રેમ જે હવે ફક્ત જીવનસાથી પસંદ કરવા કે લાગણીઓના બંધન પૂરતો મર્યાદિત નથી, એક નવો ટ્રેન્ડ બની ગયો છે. કોલેજમાં આવ્યા પછી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોવા એ સ્ટેટસની અને મોભાની વાત થઈ ગઈ છે. મોજશોખ અને જીંદગીનો આનંદ લૂંટવા પણ યુવક યુવતીઓ રીલેશનશીપમાં જોડાઈ જતા હોય છે.
આ બધી જ ઘટનાઓ આપણી નજર સમક્ષ છે. આપણે આ બાબતોને ધ્યાનમાં નથી લઈ રહ્યાં. પણ ક્યારેક આ ચડતી યુવાનીનું આકર્ષક ઘણાં યુવક યુવતીઓની જીંદગીઓ બર્બાદ કરી દે છે. ખૂબ જ નાની ઉંમરમાં જીંદગીના મોટા મોટા નિર્ણયો સ્વતંત્રપણે લઈ લે છે અને ભૂલો કરી બેસે છે. બાદ, જેનો અફસોસ કરવાનો પણ સમય નથી મળતો.
સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં તફાવત છે. પ્રેમ અને આકર્ષણ એકબીજાથી ભિન્ન બાબતો છે. પ્રેમના નામે જીંદગી સાથે રમત રમાય જાય અને તેને મોજમજાનું નામ આપી દેવાય છે. આ યોગ્ય ખરું? છતાં નવા યુગમાં આ લવટ્રેન્ડ ચાલી રહ્યો છે. જીવનને સાવધાનીથી જીવવા મનમાં ઘણાં બધાં સવાલો ચાલી રહ્યા છે. જેનાં જવાબથી કદાચ ખૂદ આપણે અજાણ છીએ કે શું?
એવું તો બિલકુલ નથી કે સાચો પ્રેમ હવે રહ્યો નથી. ના, એ પણ નથી! સાચો પ્રેમ કરવાવાળા પણ ઘણા લોકો છે જ. પણ હંમેશા પ્રત્યેક આકર્ષણ પ્રેમ તો નથી હોતું!
પ્રેમના નામ પર તમારી બધી જ લાગણીઓ અને તમારું જીવન કોઈને સોંપી દો અને એ વ્યક્તિ તમને દગો આપે આવા અનેક કિસ્સાઓ આજકાલ બની જ રહ્યા છે. એવી ઘટનામાં એક સલાહ યોગ્ય છે કે, પહેલા સામેનાં વ્યક્તિની બધી જ માહિતી જાણી લો – તપાસ કરી લો પછી જ કોઈનું પાર્ટનર બની શકાય.
સાચી વાતોને જૂની માનસિકતાનું નામ આપીને નજર અંદાજ કરવામાં આવે છે. જો આવી માનસિકતા વિકસતી રહી તો આ પવિત્ર પ્રેમનાં નામની આડમાં એક દૂષણ ક્યારે સમાજમાં પાંગરી જશે ખબર પણ નહીં પડે! પ્રેમ જીવનનો આધાર છે, જીવવાનું કારણ છે, જીવનનું હાર્દ છે. વિજાતીય જાતી પ્રત્યેનું આકર્ષણ દરેકમાં હોય જ. પરંતુ એ આકર્ષણનાં મૂળમાં સારું માનસિક વલણ હોવું જોઈએ. માત્ર શરીર ભૂખ કોઈ ભયંકર અંજામ સુધી લઇ જઈ શકે છે.
હા, આ બધી વાતો અમુક દ્રષ્ટિકોણથી કડવી લાગશે. પણ આ વાસ્તવિકતા છે. એક કડવું સત્ય છે. જે આપણી આંખોની સામે અત્યારે છે એ આપણી મોર્ડન જનરેશનની માનસિકતાનું કડવું ચિત્ર છે. અને છેલ્લે એટલું કહેવાનું “Be aware about real love”.
બહું ટૂંકમાં કહું તો, ગમતાં હોય તેને મનભરીને પ્રેમ કરો. તેમને પણ જાણ કરો. પણ એ બધામાં સૌથી વિશેષ પ્રેમને બદનામ ન કરો.
આ આર્ટીકલમાં લેખકે પોતાની વિચારસરણી દર્શાવી છે. આ નવા લવટ્રેન્ડ વિશે તમારું શું કહેવું છે? તમારા જરૂરી મંતવ્યો આમારા સુધી જરૂરથી પહોચાડો.
#Author : Payal Joshi
1 thought on “જુઓ તો ખરા! આ તે કેવી દુનિયા? – તમે કોઈને પ્રેમ કરો છો…તો આ વાતને વાંચવાની ભુલતા નહીં…જીવન બદલી જશે..”