આજના આધુનિક યુગમાં જેમ જેમ સુખ સગવડો વધતી જાય છે, તેમ તેમ સમયનો અભાવ અને દોડધામ પણ વધતી જાય છે. ન પોતાના માટે સમય મળે છે અને ન પરિવાર માટે.
આવી પરિસ્થિતિમાં જો તમને કોઈ એવી વાનગીની રેસિપી મળી જાય જે ફટાફટ બની જાય અને સ્વાદિષ્ટ પણ લાગે તો..? મજા પડી જાય ને…તો થઇ જાવ તૈયાર -આજે તમને ફટાફટ શીખવી દઈએ, ફટાફટ બની જાય તેવી અને ચા કે કોફી સાથે માણી શકાય એવી મજેદાર વાનગી:
પોટેટો સોજી ફીંગર્સ:
સામગ્રી:
- સોજી- ½ કપ (90 ગ્રામ)
- બાફેલા બટાકા – 4 (300 ગ્રામ)
- કોથમીર – ½ કપ(ઝીણું સમારેલું)
- લીલા મરચાં – 5 – 6 (ઝીણા સમારેલા)
- મીઠું – સ્વાદ અનુસાર
- તેલ – તળવા માટે
આ રીત છે…ઝડપથી મજેદાર ટેસ્ટ સભર વાનગી બનાવવાની…
પૂર્વતૈયારી:
સ્ટેપ ૧:
સૌ પ્રથમ એક તપેલીમાં અડધો કપ પાણી લઈ, તેમાં એક ચમચી તેલ નાખી પાણીને ગરમ થવા દો. પાણી ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
સ્ટેપ ૨:
હવે ગરમ પાણીમાં સોજી મિક્સ કરી દો. મિશ્રણને બે-ત્રણ મિનિટ સુધી ઢાંકીને રાખી દો.
સ્ટેપ ૩:
આ સમય દરમિયાન બાફેલા બટાકાને છોલીને મેશ કરી દો. હવે એક મોટા વાસણમાં સોજી પાણીનું મિશ્રણ કાઢી લો. તેને ચમચાથી બરાબર હલાવીને થોડું નરમ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો મિક્સ કરો. ત્યારબાદ મીઠું, ઝીણા સમારેલા મરચા અને ઝીણી સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરો.
પોટેટો સોજી ફીંગર્સ બનાવવા માટે આટલું કરો…
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. પોટેટો સોજી ફિંગર તળવા માટે વધુ ગરમ તેલ ની જરૂર રહેશે. હવે હાથ પર થોડું તેલ લગાવીને મિશ્રણને બરાબર મસળીને લોટની જેમ બાંધી દો. તૈયાર થતાં લોયો હાથમાં લઈને રોલનો શેપ આપો.
તેલ ગરમ થતાં જ એક-એક કરીને આલુ ફિંગરને તળવા લાગો. બધા આલુ ફીંગર એકસાથે નહીં નાખતા વારાફરતી નાખીશું જેથી એકબીજા સાથે ચીપકી ન જાય. આ રીતે બધા આલુ ફિગર આછાં ગુલાબી રંગના તળી લઈશું.
આલુ ફિંગરને આપ આપની મનપસંદ ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો. વધારે સ્પાઈસી બનાવવા માટે તેના પર ચાટ મસાલાનો છંટકાવ ઉપરથી શકો છો.
આ રીતે તૈયાર થયેલ ડીશને ચા કે કોફી સાથે માણી શકો છો. આમ પણ કહેવાય છે ને ગૃહિણી એટલે રસોડાની રાણી. એમ, નવી ટેસ્ટી અને મજેદાર ડીશ આઈટેમ જો પરિવારને ચખાડતાં રહીએ તો વાત કંઈક ઔર બની જાય….
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Jignasha Trivedi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.