પાકિસ્તાનમાં આવેલ હજારો વર્ષ પુરાણુ હનુમાનનું મંદિર –
કહેવાય છે કે,સીમાડા બદલાવાથી ઇતિહાસ નથી બદલાતો.અને આ વાત એટલી જ સાચી પડે છે,પાકિસ્તાનની મધ્યે આવેલા હિન્દુ મંદિર વિશે…!જે હજારો વર્ષોથી અડિખમ ઊભું છે – ભાગલાની એને જાણે કશી અસર જ નથી થઇ !
ધર્મને કદિ દુનિયાની કોઇ તાકાત નેસ્તનાબુદ કરી શકી જ નથી.ચાહે પછી ગમે એવા આક્રમણો,લૂંટ ઇત્યાદિ કાંઇપણ કરી લે ! ભારત પર થયેલા અગણિત આક્રમણો કદિ ભારતીય સંસ્કૃતિને મીટાવી શક્યા નથી.એમ જ ભલે સ્પેન અને ઇંગ્લાન્ડએ મધ્ય અમેરીકાના મેક્સિકોની આસપાસ સુગંધ રેલાવી રહેલી દુનિયાની બે મહાનત્તમ સંસ્કૃતિને નષ્ટ કરી નાખી હોય,એનું સુવર્ણ ફ્રાન્સિસ્કો પિઝારોએ વહાણો ભરીને લૂંટી લીધું હોય પણ એ સંસ્કૃતિની ફોરમ તો આજેય યાદ છે ! ભલે એ સંસ્કૃતિ ના હોય,એને લગતા વિચારો તો છે ને ! અને એ જ ઊર્જા છે – સૃષ્ટિ સંચાલકની અગણિત શાખાઓની.એમ તો મિસરની સંસ્કૃતિ મીટ્યાને આજે કેટલાં વર્ષો થઇ ગયાં,હજી એની વાતો-એની ભવ્યતા જીવિત નથી શું ?
અહિં વાત કરવી છે,પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાનના મંદિરની.આ મંદિર પાકિસ્તાનની બીજા નંબરની અને આર્થિક રાજધાની કહેવાતા કરાંચીમાં આવેલ છે.કહેવાય છે કે,આ મંદિર હજારો વર્ષ જુનું છે અને તેમનો સબંદ ત્રેતાયુગ સાથે છે.
ભગવાન હનુમાનના આ મંદિરમાં પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.અને અન્ય ધર્મના લોકો પણ હનુમાનની સામે શિશ ઝુકાવે છે.જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યાં ત્યારે આ મંદિરમાં ભારતભરમાંથી પુષ્કળ સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા.પણ હિજરત પછી અહિં એ સંખ્યા જોવા નથી મળતી.અર્થાત્ એવું પણ નથી કે અહિં સાવ પાંખી હાજરી હોય છે દર્શનાર્થીઓની…!અનેકધર્મી લોકો અહિં આવે છે દર્શનાર્થે અને પોતાની માંગણીઓ સ્વીકારવા વિનંતી કરે છે.અને કહેવાય છે કે,હનુમાન બધાંની ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
આ મંદિર અત્યંત પુરાણુ હોવાનું કહેવાય છે.અમુકના કહેવા પ્રમાણે આ મંદિર ૧૫૦૦ વર્ષ જુનું છે.પણ મોટે ભાગે આ મંદિર એથી પણ વધારે પુરાણુ હોવાનું કહેવાય છે.તેત્રાયુગ સાથે તમનો સબંધ હોવાની પ્રચલિત માન્યતા છે.ભગવાન રામે પણ આ પવિત્ર ભૂમિ પર ચરણ મુક્યા હતાં એ વાત પણ બહુ પ્રખ્યાત છે.એ માટે આ મંદિરને રામયુગ સાથે જોડવામાં આવે છે.
આ મંદિર અત્યંત પુરાણુ છે.પણ હાલ જે મંદિર છે તે ઇ.સ.૧૮૮૨માં બનાવેલ હોવાનું કહેવાય છે.આ મંદિરનું પુન:નિર્માણ આ વખતે થયેલું એમ માનવામાં આવે છે.
હનુમાનની ચમત્કારિક મૂર્તિ –
મંદિરમાં રહેલી હનુમાનની મૂર્તિને ચમત્કારિક માનવામાં આવે છે.કહેવાય છે કે,આ મૂર્તિ સ્વયં ભૂ રીતે ધરતીમાંથી પ્રગટ થઇ છે.એની પાછળનો ઇતિહાસ કંઇક આવો છે –
કહેવાય છે કે,પ્રાચીન વખતમાં એક સાધુ ભક્તએ અહિં ભગવાન હનુમાનની આરાધના કરેલી.તેમના તપથી પ્રસન્ન થઇને હનુમાને એક દિવસ સપનામાં તેમને દર્શન આપ્યા અને કહ્યું કે,અહિં જમીનમાં મારી મૂર્તિ રહેલી છે.તેને બહાર કાઢજે.એમાં હું સ્વયંભૂ રીતે સમાયેલો છું.
એ પછી જમીનમાં ૧૧ હાથ ખોદવાથી આ મૂર્તિ નીકળી આવી હતી.કહેવાય છે કે,મંદિરને અને ૧૧ના અંકને પણ પરસ્પર કોઇ જાતનો સબંધ છે.મંદિરના ગર્ભગૃહની ફરતે પણ ૧૧ પરાક્રમા કરવાનો ધારો છે.એમ કરવાથી યાચકની માંગણી પૂર્ણ થાય છે.
દર વર્ષે હજારો ભક્તો આ સ્વયંભૂ પંચમુખી હનુમાનની આગળ શિશ ઝુકાવવા આવે છે.કોઇ ધાર્મિક ભેદભાવ વિના ! આવીને શિશ ઝુકાવીને પોતાના દુ:ખો હનુમાનની સમક્ષ મુકે છે.અને કહેવાય છે કે કૃપાનાથ એમની માંગણીઓ સંતોષે છે.
પાકિસ્તાનની ધાર્મિક રીતે ઝંઝાવાતી ભૂમિ પર અહિં મીઠી વીરડી સમાન નારો ગુંજી ઉઠે છે –
॥ જય બજરંગબલી ॥
– Kaushal Barad