શું છે પદ્મનાભ મંદિરના સાતમા દરવાજાનું રહસ્ય? કેમ કોઈ ખોલી શકવાની હિંમત પણ કરતું નથી!

કેરળનાં થિરુવનન્તતપુરમ્ ખાતે આવેલું ભગવાન પદ્મનાભ સ્વામીનું મંદિર ભારતભરના શ્રધ્ધાળુઓમાં અદ્વિતીય અને અપ્રતિમ સ્થાન ધરાવે છે. આ ભવ્યાતિભવ્ય મંદિરે આવીને એકવાર શેષનાગની શૈયા પર બિરાજમાન વિષ્ણુના ચરણકમળમાં માથું મૂકવાનો અવસર મળે એ મહેચ્છા પ્રત્યેક હિન્દુનાં હ્રદયમાં રહેલી હોય છે. આ મંદિર જેટલું અદ્ભુત છે, એટલું જ રહસ્યમય પણ છે. અહીં એ રહસ્ય વિશે જ એક આછેરી વાત કરવી છે :

Image Source

દુનિયાનાં સૌથી ધનવાન મંદિરોમાં એક —

ચારેબાજુની અત્યંત મનોહર પ્રકૃતિ વચ્ચે સ્થિત ભગવાન પદ્મનાભસ્વામીનાં આ મંદિરની ગણતરી વિશ્વના સૌથી ધનવાન મંદિરોમાં થાય છે. કહેવાય છે, કે આખા સ્વિટ્ઝરલેન્ડની ઇકોનોમી એક તરફ અને આ મંદિરની સંપત્તિ એક તરફ! 

અહીં વિષ્ણુ ભગવાનની અલૌકિક મૂર્તિ રહેલી છે. જે એકવાર નજરે ચડે પછી દર્શનાર્થીનાં હ્રદયમાંથી જીવનભર ખસતી નથી! અનંતનાગ પર ભગવાન વિષ્ણુ પોઢ્યા છે. આ વિશાળ મૂર્તિનો જે ઝગારો મારતો પ્રકાશ છે એ જ તમને ઘડીભર તો આંજી દે! 

Image Source

છૂપાયેલો ખજાનો —

મંદિરની અગણિત સંપત્તિનું ખરું કારણ મંદિરનાં ભંડકિયામાં રહેલો ઐતિહાસિક ખજાનો છે. ઝર-ઝવેરાતથી માંડીને નાની-મોટી અનેક સુવર્ણ, રજત અને હિરા-મોતી-માણેક જડેલી જગતભરમાં અદ્વિતીય એવી વસ્તુઓ અહીં રહેલી છે. મંદિરની અંદર કુલ સાત ભંડકિયા છે, જેમાંથી છ ખોલવામાં આવ્યા છે. આ ઝવેરાતની કિંમત ૧,૩૨,૦૦૦ કરોડ કરતા પણ વધારે આંકવામાં આવે છે. જો કે, ખરી કિંમત તો કરવી અશક્ય જ છે. કેમ કે, મંદિરમાં રહેલી આ વસ્તુઓ ઐતિહાસિક છે, જેની જોડ મળવી મુશ્કેલ છે. મંદિરનો સાતમો દરવાજો હજી ખોલવામાં આવ્યો નથી.

Image Source

શું છે સાતમા દરવાજાનું રહસ્ય? —

મંદિરનાં ભંડકિયામાં રહેલા છ દરવાજા તો સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ખોલી નાખવામાં આવેલ છે પણ સાતમો દરવાજો હજુ સુધી સજ્જડ છે. તેને ખોલવાનું હજુ સુધી કોઈનું ગજું નથી! આ દરવાજામાં બે નાગની પ્રતિમાઓ છે. આશ્વર્ય એ વાતનું કે દરવાજામાં કૂંચી ભરાવી શકાય એવું તાળું છે જ નહી! રહસ્ય એ વાતનું છે, કે દરવાજાની રક્ષા ‘નાગરાજ’ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

Image Source

છે કોઈ મંત્રનો જાણકાર? —

આ સાતમા દરવાજા વિશે એક આશ્વર્યજનક વાત સામે આવે છે. એવી પ્રબળ માન્યતા છે, કે આ રહસ્યમયી દરવાજાને ખોલવા માટે ગરુડમંત્ર બોલવો પડે. એમાં શું? એ તો કોઈપણ બોલી શકે? – આવો પ્રશ્ન થાય ને! પણ શરત એ છે, કે એ મંત્રનું ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ અને એકદમ સાચું હોવું જોઈએ. અને હજી સુધી દુનિયામાં એવો કોઈ પંડિત મળ્યો જ નથી!

કોનો છે આ ખજાનો? —

બેશક પદ્મનાભ સ્વામીનો જ! એ જૂના વખતની વાત છે જ્યારે અહીં ત્રાવણકોર સ્ટેટનું રાજ્ય ચાલતું. એમના રાજાઓ ‘પદ્મનાભસ્વામીના દાસ’ તરીકે જ આખા રાજનો વહીવટ સંભાળતા. ટૂંકમાં કહો તો તેઓ પોતાને ભગવાન વિષ્ણુના સેવક જ માનતા અને આ રાજના અસલી માલિક માત્રને માત્ર વિષ્ણુ ભગવાનને જ માનતા! આ જ કારણે તેઓ જ્યારે પણ કોઈ રાજ્ય પર આક્રમણ કરે અને એની ધનદોલત હાથ કરે ત્યારે એ બધી જ દોલત પદ્મનાભસ્વામીનાં મંદિરમાં મૂકી આવતા! ખુદની રોજીરોટીનો પણ પૈસો એમાંથી નહી લેવાનો! આ અદ્ભુત સેવાના બદલામાં ત્રાવણકોર સ્ટેટ પર ભગવાન વિષ્ણુની અદ્ભુત કૃપા વરસી અને તેમના રાજાઓ એક પછી એક બળશાળી નિવડ્યા. એટલે આજે જે ખજાનો છે એ બધો પદ્મનાભસ્વામીનો જ છે!

ટીપુ સુલતાનને આપી હતી કારમી હાર! —

આપણા પાઠ્યપુસ્તકોમાં એ હક્કીકત કદી દેખાતી નથી પણ એ વાત સાચી છે કે મૈસૂરના ટીપુ સુલતાનને ત્રાવણકોર રાજ્ય હસ્તગત કરીને પદ્મનાભસ્વામીનાં મંદિર પર આક્રમણ કરી, એમનાં પટાંગણમાં ઘોડો બાંધવાની ઇચ્છા હતી! પણ યુધ્ધમાં એણે ત્રાવણકોર રાજ્ય સામે ભૂંડી પછડાટ ખાધી અને એનું સપનું ખાલી સપનું જ રહ્યું!

ખજાનો ગરીબી હટાવવામાં કામ લાગે! —

ઘણા કહેવાતા બુધ્ધિજીવીઓ પદ્મનાભ સ્વામીનાં આ ખજાના વિશે આવું લખતા-બોલતા હોય છે. ગરીબી હટાવવી હોય તો ભારતમાં પૈસાનો તોટો છે તે આ જ ખજાનો તમને ખટકે છે? સ્વિટ્ઝરલેન્ડની બેન્કોમાં ભરેલું અબજો રૂપિયાનું કાળુંનાણું તમને નથી દેખાતું? ગરીબી હટાવવાના બીજા રસ્તા નથી?

બીજી સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, અહીઁ રહેલી ચીજોનું મૂલ્ય છે જ નહી! એ ઐતિહાસિક છે, અને વિશ્વભરમાં રહી રહેલી મૂર્તિઓ કે ઝવેરાતોનો આજે જોડો જડે તેમ નથી. ‘સંસ્કૃતિ અને વારસો’ નામની પણ કોઈ ચીજ હોય છે ને પ્રજામાં? આ એ જ છે! આ ધરોહર છે, વિરાસત છે – એની કિંમત ના હોય, એને વેંચવાની ના હોય, એનું જતન જ કરવું રહ્યું. આ તો અહીંના રાજાઓ બળુકા હતા તે આક્રમણખોરો ફાવ્યા નહી બાકી આજે ભારત પાસે લોકકથાઓ સિવાય વાસ્વતમાં ધરોહરના નામે છે પણ શું? અને આ જે છે એને વેંચી દેવું એમ? જે પ્રજા પોતાની સંસ્કૃતિને, વિરાસતને ભૂલી બેસે એનું પતન નિશ્વિત હોય છે. જઈને જોઈ આવવાની જરૂર છે ઇંગ્લાન્ડના ‘રોયલ નેવી’ મ્યુઝિયમમાં, જ્યાં બ્રિટનની પ્રજાએ ટ્રફાલ્ગરના યુધ્ધમાં નેપોલિયનના દાંત ખાટા કરી નાખનાર હોરેશિયો નેલ્સનનો યુનિફોર્મ પણ આજે બે સદીથી હેમખેમ સાચવી રાખ્યો છે!

જય પદ્મનાભસ્વામી!

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment