
કાલ્પનિક વાર્તા
સંસ્કારનગરી વડોદરામાં સતપાલસિંઘ નામના એક મોટા ચિત્રકાર રહેતા હતા. ચિત્રની કલા તેની પાસે આબેહૂબ હતી જેને કારણે તે ઘણા પ્રખ્યાત બન્યા હતા. તેની એક ખાસિયત હતી કે, એ કોઇપણનું ચિત્રનું કામ આવે ત્યાર તેની પાસેથી ઊંચા ભાવ લેતા.

એટલા ઊંચા ભાવ લેતા કે, એ ભાવમાં તો કોઈ સામાન્ય ચિત્રકાર એક નહીં પણ ૧૦૦ ચિત્ર તૈયાર કરીને આપે. પણ એ વાતનો ફરક સતપાલસિંઘને પડતો ન હતો. ચિત્રના ઓર્ડર સાથે તેને એડવાન્સ પૈસા આપવાના થાય. આવા બધા નિયમોને કારણે સતપાલસિંઘ અહંકારી કલાકાર છે એવી છાપ ઉપસી આવી.

એક દિવસ શ્રીમંત ઘરની મહિલાએ તેને હળવેથી ફોન કરીને ઘરે બોલાવ્યા. અને સતપાલ તેના માટે ચિત્ર દોરવા રાજી થાય એવી રીતે શાંતિથી રજૂઆત કરી. શ્રીમંત મહિલાએ એક વિશિષ્ટ અને અનોખું ચિત્ર દોરવાની કામગીરી સતપાલસિંઘને સોંપી. સતપાલસિંઘે તરત જ પૂછ્યું, ‘શું તમે મારી કલાની કિંમત આપી શકશો?’ મહિલાએ કહ્યું, ‘માંગો એટલી. બસ, શરત એટલી કે ચિત્ર મારી સામે દોરવું પડશે.’

શરત નક્કી થઇ અને સતપાલસિંઘ ચિત્ર તૈયાર કરવા માટે માની ગયા. નક્કી કરેલા દિવસે સતપાલસિંઘને બોલાવવામાં આવ્યા અને સાથે ઘણા બધા મહેમાનોને પણ બોલાવવામાં આવ્યા. એ બધા મહેમાનોની હાજરીમાં જ મહિલાએ ચિત્ર દોરવા માટે કહ્યું.

થોડીવારમાં જ સતપાલે મહિલાને ગમે એવું ઈચ્છા મુજબનું ચિત્ર તૈયાર કરી દીધું. જેવું ચિત્ર તૈયાર થઈને મહિલાને બતાવ્યું કે, મહિલા મહેમાનોની સામે તાળી પાડવા લાગી પણ સતપાલની આબરૂના લીરા ઉડાવી દીધા. બધાની સામે એ મહિલા બોલી, ‘જુઓ, આ કલાકારને તેની કલાની કોઈ ચિંતા નથી, કોઈ કિંમત નથી. માત્ર તેને પૈસા આપો એટલે તમને કામ કરી આપે. તેના માટે પૈસા મહત્વના છે. તેને ગમે તે કામ સોંપો પણ એ માત્ર પૈસા માટે જ ચિત્ર બનાવે છે.’

મહેમાનો વચ્ચે આ વાતને સચોટ રીતે સાબિત કરવા સતપાલસિંઘને શ્રીમંત મહિલાએ ચેલેન્જ આપી. મહિલાએ બધાની વચ્ચે કહ્યું, ‘મારી સફેદ સાડી પર ચિત્ર બનાવી આપો.’ કલાકારે પૂછ્યું, ‘કેટલા પૈસા મળશે?’ શ્રીમંત મહિલાએ કહ્યું, ‘તમે માંગો એટલા.’ થોડીવારમાં સતપાલસિંઘે મહિલાની સફેદ સાડી પર ચિત્ર બનાવીને આપ્યું.

ચિત્ર જેવું તૈયાર થયું કે, કલાકારે ઉંચી કિંમતની માંગણી કરી અને તેને માંગેલી રકમ તેને આપવામાં આવી. આટલી ઉંચી રકમ લઈને આ શું કરતો હશે? આ વાત ત્યાં હાજર એક મહેમાનને જાણવામાં બહુ રસ પડ્યો.
સતપાલસિંઘની વધુ ઊંડી તપાસ કરી તો એ મહેમાનને જાણ થઇ કે, આ ચિત્રકાર ઉંચી રકમ વસૂલ કરે છે એ પાછળનું એક કારણ છે. ચિત્રકામ કરાવવા આવેલા લોકો પાસેથી એ ઉંચી રકમ લઈને એ રકમનો ઉપયોગ સારા કાર્યમાં કરતા હતા.

એ રકમમાંથી અનાજ ખરીદીને એક મોટી સલામત જગ્યામાં સાચવીને રાખતા હતાં. જયારે કુદરતી આફત આવે અથવા દુકાળની સ્થિતિ સર્જાય ત્યારે આ અનાજ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું હતું. સતપાલના ભૂતકાળમાં ઘણા એવા ઉદારતાના ઉદાહરણો હતાં કે, જેના માટે બે સમયનો રોટલો મળવો મુશ્કેલ થઇ ગયો હોય એવા લોકોને અનાજ આપીને તેની જઠરાગ્નીને શાંત કરી હતી.

ચિત્રની ઉંચી રકમ લેવા પાછળનું કારણ એક જ હતું કે, એ રકમનો સદ્દઉપયોગ કરીને કોઈની મદદ કરવી. તે જંગી રકમ મેળવીને તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરતા હતા.
આ વાત દરેક માણસના જીવનમાં પણ લાગુ પડે છે. કોઈ માટે સીધું જ ખોટું વિચારી લેવું એ યોગ્ય નથી. કદાચ અસામાન્ય સ્થિતિ પાછળ એવું પણ કારણ હોઇ શકે જે આપણે જાણતા નથી. વધારે નાણા કમાતા હોય એ હંમેશા આડા રસ્તે ચાલતા હોય એવું જરૂરી નથી. અને કોઈ પાસે પૈસા બચતા ન હોય તો તેની અવળી લાઈન હોય એવું પણ જરૂરી નથી.

કોઈને આંગળી ચીંધીને સત્ય કે અસત્ય સાબિત કરવાનું કામ આપણું છે જ નહીં. આપણું કામ માત્ર પરીસ્થિતિને સંભાળવાનું છે. ટૂંકમાં આ એવી બાબત છે જેમ સિક્કાની બે બાજુ હોય એ રીતે દરેક વ્યક્તિની બે બાજુ હોય છે. સત્ય, અસત્ય – યોગ્ય, અયોગ્ય.
રોચક માહિતીનો ખજાનો જાણવા માટે “ફક્ત ગુજરાતીના” આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. સ્પે. તમારા માટે અમે અવનવી પોસ્ટ લાવતા રહીએ છીએ.
#Re Write By : Ravi Gohel
1 thought on “વડોદરાની એક શ્રીમંત મહિલાએ તેની સફેદ સાડી પર ચિત્ર દોરવાનું કહ્યું પછી જે થયું…”