હાલનાં સમયમાં પણ આ દાદી પાંચ રૂ.માં ૪૦૦ લોકોને જમાડે છે…ધન્ય છે આ દાદી કી રસોઈને

મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. જ્યાં જોવો ત્યાં મોંઘવારી મોંઘવારી જ સંભળાય છે. તેલ, શાકભાજી, દૂધ અનાજ બધાનાં ભાવ વધતા જાય છે. અને સાથે જ સમાજનો ગરીબ વર્ગ પેટ પૂરતું ખાવાનું મેળવવા અસમર્થ થતો જાય છે. આવી કારમી મોંઘવારીના સમયમાં ૫ રૂપિયામાં ભરપેટ ભોજન? સાંભળીને થોડુંક અજુગતું લાગે નઈ? પણ આ સાચું છે.

આજે જ્યારે મોંઘી મોંઘી હોટલોમાં એક કપ ચા ૨૫૦/- ની મળે છે ત્યારે ઉત્તર પ્રદેશના નોઈડા વિસ્તારના સેક્ટર નં ૨૯માં સ્વાદિષ્ટ અને ભરપેટ ભોજન માત્ર ૫ રૂપિયામાં મળી રહે છે.

આ અદ્ભુત સમાજ સેવાની શરૂઆત કરી છે શ્રી અનુપ ખન્ના એ. તેઓ “દાદી કી રસોઈ” નામે દરરોજ ૧૨ થી ૨ વાગ્યા સુધીમાં ૫૦૦ માણસોને ૫ રૂપિયામાં પૂરતું ભોજન આપે છે. તથા લોકોના આશિર્વાદ મેળવે છે. ખન્ના સાહેબનું કહેવું છે કે તેમના દાદીમાં ફક્ત ખીચડી ખાતાં અને કહેતા કે હું તો માત્ર ખીચડી ખાવાનો છું,

તો મારા ખોરાકના જે પૈસા બચે છે તેમાંથી ગરીબોને ભોજન કરાવજો. ખન્ના સાહેબ તેમના દાદીમાં નું સપનું પૂરું કરવા વર્ષ ૨૦૧૫માં “દાદી કી રસોઈ” શરુ કરી.

ઉત્તર પ્રદેશ જેવું શહેર જ્યાં ગરીબો માટે “એક સાંધો ત્યાં તેર તુટે” એવી પરિસ્થિતિ છે, ત્યાં તેમના માટે પેટનો ખાડો પૂરવો ધારીએ તેટલો સહેલો નથી. તેમનાં માટે “દાદી કી રસોઈ” આશિર્વાદ રૂપ છે. આજુબાજુના વિસ્તારોના અનેક નાના મોટા કામદારો, કારીગરો, ચોકીદારો, ગરીબો, વ્રુદ્ધો બધાં જ દાદી કી રસોઈમાં ભોજન કરવા આવે છે.

અનુપ ખન્ના લોકોને માત્ર ભોજન નહીં, સ્વચ્છ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે. હવે આપણે વિચાર આવે કે જો સમાજ સેવા જ કરવી હોય તો મફત ભોજન આપવામાં શું વાંધો? પરંતુ જે માણસ મજૂરી કરે છે, મહેનત કરે છે તેનું આત્મ સન્માન તેને મફત ભોજન કરવાની પરવાનગી આપશે ખરાં? બસ આ જ કારણ છે કે દાદી કી રસોઈમાં ભોજનના ૫ રૂપિયા લેવામાં આવે છે. અને કોઈ અહીં આવી મફત ભોજન નથી માગતું.

દાદી કી રસોઈમાં શુદ્ધ ઘીનો તડકો લગાવેલી સ્વાદિષ્ટ દાળ અને બાસમતી ભાત સાથે જ અથાણું અને સલાડ પીરસવામાં આવે છે. લોકો આ સ્વાદને ખૂબ જ પસંદ કરે છે. આ ઉપરાંત સ્વચ્છતાનું પણ પૂરતું ધ્યાન દેવામાં આવે છે. અનુપ ખન્ના કહે છે કે જ્યારે આસપાસના વિસ્તારોમાં કોઈને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં મીઠાઈઓ, આઈસ્ક્રીમ કે અન્ય વ્યંજનનોનું દાન કરે છે.

તે દિવસે દાળ, ભાતની સાથે તે વ્યંજનો પણ પીરસવામાં આવે છે. અનુપ ખન્નાનું માનવું છે કે ઉત્તર પ્રદેશની જેમ સમગ્ર ભારતમાં “દાદી કી રસોઈ” હોવી જોઈએ. જેથી લોકોનું આત્મ સન્માન પણ જળવાઈ રહે અને સ્વાદિષ્ટ ભોજન પણ મળી રહે.  તેઓ બીજા શહેરોમાં પણ “દાદી કી રસોઈ” શરૂ કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. અનુપ ખન્નાના આ કાર્યને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની પણ સરાહના મળી છે.

ખરેખર આવા મહાન સમાજ સેવકોથી આપણો સમાજ શોભે છે. જ્યારે કોઈ ગરીબને આ સ્વાદિષ્ટ ભોજન જમીને ઓડકાર આવતો હશે ત્યારે તેના દિલમાંથી અનુપ ખન્ના માટે કેટકેટલી દુઆઓ નિકળતી હશે! ધન્ય છે અનુપ ખન્નાને! ધન્ય છે “દાદી કી રસોઈ”ને!

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment