આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઉનાળામાં આપણને ઠંડી વસ્તુઓ ખાવાનું ખુબ જ ગમે છે, અને તેમજ ઠંડા ઠંડા પીણાં પીવાનું પણ ખૂબ જ ગમતું હોય છે. પરંતુ આ બધા અલગ અલગ પ્રકારના પીણામાં જુદા જુદા પ્રિઝર્વેટિવ નાખવામાં આવતા હોય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે કંઈક ને કંઈક નુકસાનકારક પણ હોય છે. પરંતુ એક પીણું એવું છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને તે ફાયદાકારક પીણું છે છાશ, આપણે ફળની ઉપર મસાલો છાંટી ને ખાઈએ છીએ તેવી જ રીતે છાશ પાડી ન ભાવે તો તેની અંદર પણ મસાલો નાખીને પીએ છીએ ત્યારે છાશ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ મસાલો સ્વાદની દૃષ્ટિએ તો સ્વાદિષ્ટ છે પરંતુ આપણા પાચન માટે પણ એટલો જ ફાયદાકારક છે, તો આવો આજે જાણીએ સ્વાદિષ્ટ છાશ બનાવવા નો મસાલો.
છાશ નો મસાલો બનાવવા માટેની સામગ્રી
- આખા સૂકા ધાણા 2 ચમચી
- જીરું 1 ચમચી
- અજમો 1 ચમચી
- લવિંગ 1-2
- મરી 1 ચમચી
- શાહી જીરુ 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું 1 ચમચી
- હિંગ ½ ચમચી
- સૂકવેલા ફુદીનાના પાન 2 ચમચી
- એક ગ્લાસ છાશ
છાશનો મસાલો બનાવવાની રીત
છાશનો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કઢાઈ મુકો અને તેમાં જીરું, આખા ધાણા, લવિંગ તથા મરી નાખીને ધીમા તાપે તેને શેકો. જ્યારે આ બધા મસાલામાંથી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
હવે આ શેકેલા મસાલામાં શાહી જીરું, સૂકવેલા ફુદીનાના પાન, હિંગ, સંચળ અને મીઠું નાખીને બે મિનિટ માટે હલાવો ત્યારબાદ આ મિશ્રણને બીજી થાળીમાં કાઢી ને ઠંડુ થવા મૂકો.
જ્યારે આ શેકેલો મસાલો સંપૂર્ણ રીતે ઠંડુ થઈ જાય ત્યારે તેને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં બંધ કરીને મૂકી દો.
હવે એક ગ્લાસ છાશ લો અને તેમાં આ બનાવેલો છાશનો એક ચમચી મસાલો નાખવો ત્યારબાદ સમારેલા લીલા ધાણા અને બરફના ટુકડા નાખીને ઠંડી ઠંડી છાશ સર્વ કરો.
નોંધ :
જો તમારે સૂકવેલા ફુદીનાના પાન ન હોય તો જે પેન માં મસાલો શેક્યો છે તેમાંજ ફુદીનાના પાનને પાંચ મિનિટ માટે ધીમી આંચ પર શેકો, જ્યારે આ ફુદીનાના પાન શેકાઇ જાય ત્યારે તેને બીજા વાસણમાં બહાર કાઢી લો.
જો તમારી પાસે શાહી જીરું ન હોય તો સાદુ જીરુ વધારે નાખી દેવું.
જો તમે ઈચ્છો તો બીજા મસાલા શેકતી વખતે આખી સૂંઠ નાખી શકો છો.
જો આ મસાલા છાશ ને તમારે વ્રતમાં ઉપયોગમાં લેવી હોય તો તેમાં હીંગ ન નાખશો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી સ્વાદિષ્ટ છાશ પીવા માટે ઘરે જ બનાવો છાશનો મસાલો”