
‘કસોટી જિંદગી કી’ – અમુક માણસો માટે આ વાક્ય એકદમ પરફેક્ટ ફીટ બેસતું હોય છે; કારણ કે, તેને જિંદગીના ઘણા બધા અનુભવ કરી લીધા હોય છે. આ પૃથ્વી પર વસતા દરેક માણસની સ્થિતિ અલગ-અલગ હોય છે. એ સ્થિતિમાં શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય શામેલ છે. કોઈ માણસ પરફેક્ટ હોતો નથી. બસ, જીવનના અનુભવો કંઈક બોધપાઠ શીખવીને માણસને મજબૂત બનાવે છે. આ લેખમાં એક એવા વ્યક્તિની કહાની છે કદાચ તમે તેને તસવીરમાં જોઇને પણ અચરજમાં પડી જશો.

વર્ષો પહેલા હરિયાણામાં એક બાળક એવી રીતે પેદા થયું કે તેના ભવિષ્યની દિશા નક્કી કરવી મુશ્કેલ થઇ ગઈ હતી. બે હાથ વગરના આ બાળકે જીવનની શરૂઆત જ સંઘર્ષથી કરી. આજ તો ઉંમર વધતાની સાથે બધી જ પ્રકારની તકલીફને એ ઘૂંટીને પી ગયા છે. હરિયાણામાં જન્મેલ “મદનલાલ”ને શરીરમાં ખોડ હોય એ રીતે જ જન્મ થયો હતો. પહેલા જીવન જીવવું મુશ્કેલ લાગ્યું પછી ધીમે-ધીમે વિપરીત પરિસ્થિતિ સાથે જીવવાની ઘડ પડી ગઈ.

બે હાથ નહીં હોવાને કારણે ખુદની રોજીંદી ક્રિયાથી લઈને આખા દિવસ દરમિયાન થતા બધા જ કામમાં તકલીફ પડતી હતી; પણ મદનલાલ પાસે બે હાથ નથી એનો અન્ય ઉકેલ હતો. અભ્યાસના સમયમાં શાળામાં એડમિશનની માટે મદનલાલ ગયા ત્યારે તેને એડમિશનની ના કહી દીધી.

ઉદાસી ઘરે લઈને આવેલ એ છોકરાને હવે શું કરવું એ પ્રશ્ન બહુ સતાવવા લાગ્યો. પણ અહીંથી મદનલાલની હિંમત ચડિયાતી બની. મનથી તેને નક્કી કરી લીધું કે, બધાને જીવન જીવીને બતાવીશ અને કંઈક કરીને બતાવીશ. આ નિર્ણયથી મદનલાલની જિંદગી મેટ્રો ટ્રેન જેવી ગતિથી ચાલવા લાગી.

ઘરના સભ્યો શાળામાં ભણાવી ન શક્યા અને સરકારે પણ કાંઈ મદદ ન કરી. છેલ્લે, એક જ વિકલ્પ બાકી બચ્યો હતો જેમાં ખુદના માટે કંઈકને કંઈક કરવાની ચાહના હતી. આ કામ સરળ એટલે બનતું ગયું કારણ કે મદનલાલે તેના બધા કામને પગથી કરવાનું શીખી લીધું હતું.

પ્રથમ તેણે દરજીનું સિલાઈ કામ શીખવાનું શરૂ કર્યું. હવે તો એ સમયને પણ ઘણો ‘સમય’ થઇ ગયો, ૨૨ વર્ષથી આજની તારીખે પણ મદનલાલ સિલાઈ કામ કરી રહ્યા છે. તેની ખુદની હિંમતથી અહીં સુધી પહોંચી ગયા. પહેલા જયારે સિલાઈ કામ શીખવા માટે ગયા ત્યાં તેને સિલાઈ કામ શીખવાડનાર ઉસ્તાદે ‘ના’ કહી કારણ કે તેને થયું કે હાથ વગર સિલાઈનું કામ કેવી રીતે કરશે?

એ વખતે મદનલાલને ખુદ પર ભરોષો હતો અને સિલાઈ કામ શીખવાડતા ઉસ્તાદને કહ્યું, “તમે એકવાર મારા પર ભરોષો કરીને તો જોવો. હું શીખી જઈશ.” ત્યારથી તેને સિલાઈ કામ શીખવાનું શરૂ કર્યું અને ૧૦-૧૫ દિવસ પછી એ જ ઉસ્તાદ બોલ્યા : “તું કામયાબ થઇ જઈશ.” ટ્રેનીંગ પછી મદનલાલ પગથી બધું કામ કરી શકતા હતા અને સિલાઈ પણ સારી કરી શકતા હતા. આ થયા પછી હજુ એક તકલીફ બાકી હતી જેનો અંદાજો મદનલાલને કદાચ પહેલેથી જ હતો.

હાથ ન હોવાને કારણે અને પગથી સિલાઈ કામ કરવાને લીધે તેને જલ્દીથી કોઈ કપડા સિવવા માટે આપતું ન હતું. ધીમે-ધીમે સમય વીતતો ગયો અને લોકોને વિશ્વાસ આવવા લાગ્યો કે, મદનલાલ પાસે સારી સિલાઈ થઇ શકે એમ છે – ત્યારથી ઘણા લોકો તેના ગ્રાહક બની ગયા. આજે મદનલાલ પગથી એકદમ ચોક્કસ માપ સાઈઝમાં કપડાની સિલાઈ કરી શકે છે અને લોકોને જોઈતા મુજબનું કામ પણ કરીને આપે છે.

પગને તે એવી રીતે ઉપયોગ કરે છે કે જરૂરી એવા બધા જ કામ હાથને બદલે પગથી કરી શકે છે. અત્યારે તેને હાથ વગર પણ ચાલે છે. એટલું જ નહીં તે તેના ચહેરા પરની દાઢી પણ તેના પગ વડે કરી શકે છે, નાહવા માટે પણ પગનો ઉપયોગ કરે છે.

આ રીતે તેને ખુદને ઇનર મોટીવેટ કરીને જીવન જીવવા માટેનો નિર્ણયને જીવિત રાખ્યો અને આજે પરિવાર અને ગામના લોકોની વચ્ચે આરામથી જિંદગી વિતાવે છે.
રોચક માહિતીનો ખજાનો લઈને અમે આવતા રહીશું. ‘ફક્ત ગુજરાતી’ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.
1 thought on “કસોટી જિંદગી કી – હરિયાણાના મદનલાલ પગથી કપડાની સિલાઈ કરી આપે છે..”