
જીવનમાં ખુશી એટલે શું? કોના જીવનમાં કેટલી ખુશી છે એ જાણી શકાય? જીવનમાં ખુશી કઈ રીતે મળે? આ બધા એવા પ્રશ્નો છે કે, જે આપણે વાતોવાતોમાં બોલતા તો હોઈએ છીએ પરંતુ રીયલ લાઈફમાં ખુશી ડગલેપગલે જોઈતી હોય તો આ લેખને ધ્યાનથી વાંચજો. આજે ખુશી કઈ જગ્યાએથી મળે એ એડ્રેસ તમને જાણવા મળશે.

જિંદગીનો એક-એક દિવસ એનર્જીથી પસાર કરવા માટે ખુશી જરૂરી છે. નાનામાં નાની ક્ષણને એન્જોય કરવાથી જિંદગીને બહેતરીન બનાવી શકાય છે. પણ કઈ રીતે? ક્યાંથી? તો એ જાણો નીચેની માહિતીમાં…,

(૧૦) જીવનમાં ખુશી જોઈતી હોય તો દરેક માણસ સાથે પહેલા ખુશી શેયર કરતા શીખવું જોઈએ. જો ખુશીને શક્ય તેટલી વધુ વહેંચીએ તો નેક્સ્ટ ખુશીને પણ સારી રીતે એન્જોય કરી શકીએ છીએ. જેમ કે, તમારા જીવનમાં કોઈ પ્રકારની ખુશી સમાચાર આવ્યા તો તેને લોકો સાથે શેયર કરો એવું ન વિચારો કે કોઈ તમારી ઈર્ષ્યા કરશે. ઈર્ષ્યા કરવાવાળા એ તેનું કામ કરે તમે બસ ખુશીને વહેંચતા જાઓ.

(૯) ‘પૈસા હોય તો વધુ ખુશી મળે’ આ વાક્યમાં જ ઘણા લોકો પોતાની અંદર રહેલી ખુશીનું કત્લ કરી નાખે છે. પૈસા હોય ત્યાં ખુશી જ હોય એવું જરૂરી નથી. પૈસા નહીં, પણ સંબંધોમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ હોય ત્યાં ખુશી હોય છે. પૈસાવાળાને કોઈ તકલીફ ન હોય એવું નથી હોતું. ભલે પૈસા ન હોય પણ તમારી સાથેના લોકોનો સાથે અને વર્તમાન પરિસ્થિતિને એન્જોય કરવી જોઈએ.

(૮) આપણે જેવા વિચારોને ડેવલપ કરીએ છીએ એવી રીતે જ આપણી બોડી વર્ક કરવા લાગે છે. એટલે દરેક કામમાં નેગેટીવ વિચાર કરીને પહેલેથી જ કામની ખરાબ અસરને પૂર્વનિર્ધારિત કરી લેવી યોગ્ય નથી. દરેક કામ એન્જોય કરતા જાઓ સફળતા આપમેળે તેનો રસ્તો બનાવીને તમારા સુધી પહોંચી જશે. નિષ્ફળતા મળશે એવા વિચારમાં વર્તમાનની ક્ષણમાં દુઃખી ન રહો.

(૭) આપણા શોખ આપણા માટે ટોનિક હોય છે પરંતુ હદ બહારના શોખ છેલ્લે ચિંતાનું કારણ બને છે એટલે શોખ કેવા રાખવા એ ખાસ વિચારવું. શોખ કાબિલિયતને અનુલક્ષીને હોવા જોઈએ. માત્ર મોંઘી ચીજ-વસ્તુના વિચાર કરવાથી તે હાંસિલ નથી હતી એ માટે મહેનત જોઈએ જે તમને એ વસ્તુ મેળવવા માટે સક્ષમ બનાવે છે.

(૬) દરેક કામમાં ફાયદો થાય એ વિચાર ઘણી વખત નિરાશાનું કારણ બને છે. કારણ કે, જીવન અનુભવ પર ચાલે છે અને આપણે દરેક કામમાં ફાયદો શોધતા હોઈએ છીએ. અમુક વખત કોઈ કામ અથવા કોઈ વ્યક્તિ માત્ર અનુભવ અપાવવા માટે જ આપણી લાઈફ સાથે કનેક્ટ થતા હોય છે.

(૫) જો સ્વભાવમાં વધુ ચીડિયાપણું હોય તો તેને આજથી દૂર કરી નાખો. આ સ્વભાવ તમને બધી જગ્યાએ નકારાત્મકતા આપતું હોય છે, જેને કારણે તમે જે કામ સારી રીતે અને ૧૦૦% આપીને કરી શકો છો એ પણ બરાબર કરી શકશો નહીં. સ્વભાવ માણસનું પ્રતિબિંબ છે, કોણ કેવું વ્યક્તિ છે? એ સ્વભાવના આધારે નક્કી કરી શકાય છે.

(૪) મોંઘી ચીજ-વસ્તુઓમાં ખુશી ન શોધવી જોઈએ. દુનિયામાં એક સત્ય છે કોઇપણ પ્રકારની માનવ જીવનની પ્યાસ ત્યાં સુધી જ છે જ્યાં સુધી એ વસ્તુ હાંસિલ નથી થતી, પછી તો એ સામાન્ય જિંદગીનો એક હિસ્સો બની જશે એટલે શક્ય ત્યાં સુધી ઓછી ભાગદોડ કરવી જોઈએ.

(૩) આપણે ખુદ આપણી અંદર રહેલી શક્તિઓને જાણતા નથી એટલે આપણી સામે બીજી કોઈ પણ વ્યક્તિ ચેલેન્જ કરીને જાય એટલે આપણે તેની હરીફાઈ કરવા લાગીએ છીએ. દરેક માણસની અંદર અલગ-અલગ પ્રકારની ખૂબી હોય છે, તે ખૂબીને જાણીને આપણે જીવનમાં ચાલવું જોઈએ.

(૨) સૌથી મહત્વની વાત એ કે, આજના ટેકનોલોજીના યુગમાં થોડો સમય એવો પણ વિતાવો કે, જેમાં તમે ગાર્ડન કે બાગ-બગીચે જઈને ખુલ્લી હવાનો આનંદ માણી શકો. આખો દિવસ મોબાઈલ, લેપટોપ કે ટીવી પાછળ ખર્ચ્યા પછી આપણી જાત સાથે પણ સમય પસાર કરવો જરૂરી બને છે.

(૧) તમે કોઈને પસંદ આવો કે ન આવો એ પછીની વાત છે, પણ ખુદને તમારી જ જાત પસંદ આવવી જોઈએ. બધા માણસો દેખાવથી, જ્ઞાનથી અને સ્વભાવથી અલગ-અલગ હોય છે, પણ તમને ખુદની જાત ગમવી જોઈએ એ સૌ પ્રથમ પ્રાથમિકતા છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
#Author : Ravi Gohel