કલા અને શોખ આમ તો એકમેક સાથે જોડાયેલા હોય એમ કહી શકીએ કારણ કે, જે ખુદની અંદર કલા છે એ જ શોખ બની જાય તો આસમાન સુધીની તરક્કી કરી શકીએ છીએ. બોલીવૂડ નગરી મુંબઈમાં આપણને આવી રોજબરોજની અનેક કહાની બનતી જોવા મળે છે. આજ પણ અમારી પાસે એક એવી સત્ય કહાની છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ. એક અભિનેત્રી એવી છે જે અભિનય સાથે મુંબઈમાં રીક્ષા ચલાવે છે.

ઉંમર ૨૮ વર્ષ અને નામ “લક્ષ્મી નિવૃત્તી પંધે” – સાથે કામની વાત કરીએ તો મુંબઈમાં એક રીક્ષા ડ્રાઈવર તરીકેની ફરજને પૂરી કરે છે સાથે અભિનયની દુનિયાને પણ એટલું જ મહત્વ આપે છે. પણ તમને કદાચ થતું હશે કે શું આ સત્ય વાત છે કે એક અભિનય કરતી અભિનેત્રી રીક્ષા ડ્રાઈવર પણ હોઈ શકે? તો આ વાતનો જવાબ જાણવા માટે તમારે આ લેખને અંત સુધી વાંચવો જરૂરી બનશે.
લક્ષ્મીનું બચપણથી એક સપનું હતુ કે, તેને ટીવી પડદે કામ કરવું હતું; અભિનયની દુનિયામાં હાથ અજમાવવો હતો. જેના માટે તે શકય તેટલી મહેનત કરવા પહેલેથી જ તૈયાર હતી. ટીવી સીરીયલના અલગ-અલગ રોલ તેને આકર્ષિત કરતા હતા. બચપણથી ગરીબ હોવાને કારણે તેના ઘરે ટીવી ન હતું એટલે પાડોશીના ઘરે જઈને ઘરકામ કરવું પડતું તેવા બદલામાં તેને ટીવી જોવા મળતું.

ટીવી પર માધુરી અને શ્રીદેવીના ફિલ્મ અને શો જોવાનું તેને ખૂબ ગમતું. જેમાંથી તેને કંઈક ને કંઈક શીખવા મળતું. કોઈ સારી અભિનેત્રીના ગીત આવે એટલે લક્ષ્મી ડાન્સ કરવા લાગતી. આ શોખની ભાષા સમય જતા એટલી વિકસિત થઇ કે એ પણ અભિનેત્રી બની ગઈ.
- અંતે સપનાને સાકાર કરવા માટે ખૂબ મહેનત કરી…

લક્ષ્મીના પરિવારમાં બે મોટી બહેન અને એક ભાઈ છે. બીમાર ‘મા’ અને તેના ભાઈ-બહેનની જવાબદારી લક્ષ્મીને માથા ઉપર છે. પિતાનો જીવ તો બચપણથી જ છીનવાઈ ગયું હતું. પૈસાની તંગીને કારણે તેને અનિવાર્ય સંજોગોમાં ભણતર છોડવું પડ્યું અને ધરકામ કરીને પરિવારનું ભરણપોષણ કરવાનું શરૂ કરવું પડ્યું.
લક્ષ્મીને ખબર હતી કે, પરિવારને સંભાળવા માટે કોઈને કોઈ રીતે આજીવિકા ચાલે એવો રસ્તો જોઇશે. એ માટે તેને રીક્ષા ડ્રાઈવર બનવાનું વિચાર્યું. સાથે તેના અભિનયના શોખને પણ જીવિત રાખ્યો. આ એક કારણ છે જેના લીધે એ રીક્ષા ચલાવવાની સાથે અભિનય પણ કરે છે.
- બોમન ઈરાનીએ તેને સ્ટાર બનાવી…

લક્ષ્મીનું મરાઠી ભાષા પર વધુ પ્રભુત્વ છે એટલે તેને એ ઇન્ડ.માં કામ મળ્યું અને તેના અભિનયના એક-એક રોલને બખૂબી રીતે નિભાવ્યા છે. મરાઠી સીરીયલ જેવી કે, “જૈસે દેવયાની”, “લક્ષ્ય”, “મજા સંગતિ” સાથે એક મરાઠી ફિલ્મ “મુંબઈ પુણે મુંબઈ” માં પણ કામ કર્યું છે.
જી5 ની વેબસીરીઝમાં પણ તેને કામ કર્યું છે. આ કામ કર્યા પછી તેને સ્ટાર હોવાની પહેચાન ત્યારે મળી જયારે બોમન ઈરાનીએ તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો હતો. તેને લખ્યું હતું કે, ‘લક્ષ્મી મરાઠી સીરીયલમાં કામ કરે છે; સાથે તે ઓટો ડ્રાઈવર તરીકેનું કામ પણ કરે છે જેથી પરિવારને સશક્ત બનાવી શકાય.”
- રીક્ષા સાથેની સફર કંઈક આવી છે..

ઘણા ઘરમાં તે ઘરનું કામ કરીને પરિવારને મદદરૂપ થાય છે. લક્ષ્મી કહે છે કે, “મેં પાર્લરમાં પણ કામ કરેલું છે. પણ બીજી જગ્યાએ કામ કરવા જાય ત્યારે તે એક્ટિંગ પર ધ્યાન આપી શકતી નથી એટલે રીક્ષા ચલાવવાનું તેને ઉચિત લાગે છે.”
ઉપરાંત તે એક્ટિંગ લાઈનની સ્ટ્રગલ વિશે જણાવે છે કે, “ઘણીવાર ઓડીશન માટે દૂર-દૂર સુધી સ્ટુડિયો સુધી જવું પડે છે. એમાં એક સમય એવો પણ હતો જયારે પાસે પૈસા ન હોવાને કારણે અમુક જગ્યાએ જવાનું બંધ રાખવું પડતું.
કોઈ પ્રોડક્શનમાં ડાયરેક્ટ મેઈન રોલ મળવો મુશ્કેલ હોય છે, ત્યારે સાઈડ રોલ કરીને પણ રાજી થઇ જવું પડે છે. મરાઠી ઇન્ડ.માં તેને ઘણીવાર એક પ્રેગ્નેટ વુમન, કિસાન બેટી તો ક્યારેક પાગલનો રોલ પણ ભજવેલ છે. પણ લક્ષ્મી તેને મળેલા કોઇપણ કામને હંમેશા મહેનત થકી પાવરફુલ બનાવે છે.
- જીવનની ક્ષણો આવી પણ હોઈ છે

લક્ષ્મી તેની આર્થિક સ્થિતિની વાત કરે છે કે, ‘ઘણીવાર એવું થાય છે કે કોઈ શો માં કામ કર્યા બાદ તેનું મહેનતાણું ચાર-પાંચ દિવસ પછી મળે છે તો એવા સંજોગોમાં પરિવારને ભૂખ્યું સુવાનો સમય આવે એ પહેલા પરિવાર માટે કંઈક કરવું જરૂરી બને છે, એટલે તેને સાઈડ ઇન્કમ તરીકે રીક્ષા ચલાવવાનો નિર્ણય કર્યો.
આજે પણ એ ઘણીવાર ઓડીશન માટે જતી વખતે રીક્ષા લઈને જાય છે, ત્યારે રસ્તામાં સવારી બેસાડીને જાય છે અને તેના ઓડીશનના સ્થળ સુધી પહોંચી જાય છે. શરૂઆતમાં ડ્રાઈવીંગ કરવું તેના માટે અઘરું હતું પણ સમય જતા એ તેમાં પણ માસ્ટર બની ગઈ છે. અત્યારે લક્ષ્મી ઘણા લોકો માટે ફેવરીટ છે, ઘણા લોકો એવા છે જે રીક્ષામાં આવન-જાવન કરવા માટે સ્પે. લક્ષ્મીની રીક્ષાનો જ ઉપયોગ કરે છે.

જીવનની આટલી કઠીન ક્ષણો સાથે પણ તે હંમેશા ખુશ રહીને પરિવારનું ધ્યાન રાખે છે. સાથે અભિનય પ્રત્યેના તેના શોખને પણ જીવિત રાખીને કલા માટેનું પાગલપન દિલમાં લઈને બેઠી છે. જે આવનારા સમયમાં તેને હિટ અપાવીને બીગ સ્ટાર બનાવશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel