ભારતમાં સ્ટ્રીટ ફૂડ અને હોટેલ/રેસ્ટોરન્ટ રેસિપીઓ આ બંને જાણીતા છે, પણ ખાણીપીણી માટેના અમુક એવા લોકેશન્સ છે જેના ટેસ્ટ માટે લોકો પાગલ છે. આ લોકેસન્સના ટેસ્ટ એકદમ લહેજતથી ભરપૂર હોય છે. ભારતનું ગુજરાત અને ગુજરાતનું સૌરાષ્ટ્ર પણ આ બાબતમાં કાંઈ પાછળ નથી!! આજના લેખમાં આપણે જે રેસ્ટોરન્ટ વિશે વાત કરવાના છીએ એ રેસ્ટોરન્ટ જેવી સ્પેશ્યાલીટી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આવેલું “ઓલ્ડ પટેલ રેસ્ટોરન્ટ”ની ખાસિયત જાણીને તમને મોંમાં પાણી આવી જશે. તો ચાલો, વધુ માહિતી જાણીએ આ લેખમાં..,
જૂનાગઢમાં આમ તો ઘણા બધા રેસ્ટોરન્ટ છે, પણ ઓલ્ડ પટેલ રેસ્ટોરન્ટમાં મળતી સ્પે. થાળી એટલે જાણે બધી વાનગીઓનો સમન્વયથી બનેલ થાળી. આ રેસ્ટોરન્ટની ‘કુંભકરણ થાળી’ બહુ ફેમસ છે. આ થાળીને લીધે આખા જૂનાગઢમાં અને સૌરાષ્ટ્રમાં આ રેસ્ટોરન્ટ ખુબ જાણીતું બન્યું છે. આ થાળીનું નામ અજુગતું લાગે એવું છે; પરંતુ આ થાળીનો ટેસ્ટ દાઢે લાગે એવો છે. આ એક એવી થાળી છે, જેને પટેલ રેસ્ટોરન્ટનું નામ જૂનાગઢથી શરૂ કરીને સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે પહોંચાડ્યું છે.
આટલું જાણ્યા પછી એવું થાય કે આ થાળીમાં વળી શું હશે? તો તમને જણાવી દઈએ કે, આ વિશાળ થાળીમાં ૩૫ થી વધુ આઇટેમો હોય છે અને ૧૦ કિલો જેટલા વજનની આ થાળી હોય છે. બીજી મુખ્ય વાત એ પણ છે કે જયારે તમે થાળીનો ઓર્ડર આપો અને રાહ જોવાના સમયમાં એક જાદુગર પોતાની કલા બતાવીને ટાઈમપાસ કરવામાં મદદ કરે છે. ત્યાં સુધીમાં થાળી વ્યવસ્થિતપણે બનીને તૈયાર થઇ જાય છે.
કુંભકરણ થાળીમાં ગુજરાતી અને પંજાબી બંને વાનગીઓ મળે છે. સાથે પૂરી અને રોટલી, રોટલા જેવી તમામ આઇટેમ આ થાળીની અંદર પીરસવામાં આવે છે. જયારે કોઈ વ્યક્તિ કુંભકરણ થાળીનો ઓર્ડર કરે અને થાળી તૈયાર થઈને ટેબલ પર આવે ત્યારે એક વ્યક્તિ ડમરૂ વગાડે છે અને ત્યાર બાદ એ થાળીને ટેબલ પર મુકવામાં આવે છે.
કુંભકરણ થાળીમાં કઈ વાનગી પીરસવામાં આવે છે?
આ સ્પે. કુંભકરણ થાળીમાં ગુલાબ જાંબુ, ગ્રીન સલાડ, રશિયન સલાડ, એક ચાઇનીઝ સ્ટાર્ટર, હરાભરા કબાબ, દિલ્હી ચાટ, વેજ. બિરિયાની, જીરા રાઈસ, અડદના સેકેલા પાપડ, લસ્સી, દૂધપાક, ફ્રાઈમ્સ, પાંચ જાતની રોટી જેમાં લચ્છા પરોઠા, નાન, ચટ્ટપટ્ટા નાન, કુલચા, તંદુરી રોટી પીરસવામાં આવે છે.આ સાથે બીજી આઇટેમમાં અથાણું, આથેલા મરચા, સલાડ, તીખી-મીઠી ચટણી અને ગુજરાતીની અતિપ્રિય છાશ પણ શામેલ છે.
આ થાળીની કવોન્ટિટી : એક થાળીના ઓર્ડરમાંથી ૮ થી ૧૦ લોકો જમી શકે છે. સૌથી ખાસ આ રેસ્ટોરન્ટની વાત એ છે કે કુંભકરણ થાળીનો ઓર્ડર કર્યો હોય અને જમતી વખત પછી જે પણ વાનગીઓ બાકી બચે છે એને પાર્સલ કરવું હોય તો રેસ્ટોરન્ટવાળા આ સુવિધા આપે છે. અથવા સાથે લઇ જવા ન માંગતા હોય તો આ બધી વાનગી જરૂરિયાતમંદ લોકોને આપી દેવામાં આવે છે.
આ થાળીમાં એક બીજો વિકલ્પ પણ મળી રહે છે. જેમ કે, જો તમે જૈન કે સ્વામિનારાયણ છો તો તમને એ મુજબની થાળી પણ બનાવીને આપે છે. આ તમામ સુવિધા સાથેની આ થાળી માત્ર રૂપિયા ૯૯૯/- માં મળે છે. આ કિંમતની અંદર આટલી રોયલ ફેસેલીટી જુનાગઢમાં માત્ર એક જ જગ્યાએ મળે છે – ઓલ્ડ પટેલ રેસ્ટોરન્ટમાં..
હવે સમજ્યાને આ થાળીને કુંભકરણ થાળી એવું નામ કેમ આપવામાં આવ્યું છે!! જૈસા નામ – વૈસા કામ..
આ થાળીમાં જેટલી પણ વાનગી પીરસવામાં આવે છે એ બધું સારી ક્વોલીટીની સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. સાથે તમે કિચનની મુલાકાત લઈને જુઓ તો જણાશે કે, અહીં કિચનને એકદમ સાફ-ચોખ્ખું રાખવામાં આવે છે. બેસ્ટ આઇટેમોનો એકસાથે જમાવડો આ રેસ્ટોરન્ટની અંદર આસીનીથી મળી જાય છે. અર્થાત્ અહીં ગુજરાતી અને પંજાબી વાનગીઓનો મેળો એક જ થાળીમાં જોવા મળે છે.
બીજી વખત તમે પણ જયારે જૂનાગઢની મુલાકાત લો ત્યારે આ કુંભકરણ થાળીનો ટેસ્ટ લેવાનું ભૂલશો નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel