ભગવાન શિવે કરેલી કઠોર પરીક્ષા પછી વિષ્ણુને મળેલું સુદર્શન ચક્ર-જાણો સુદર્શન ચક્ર પાછળની રોચક કથા

   સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું બેજોડ હથિયાર હતું.વિષ્ણુના હાથની તર્જનીમાં સ્થિત સુદર્શન ચક્ર એક અમોઘ અસ્ત્ર હતું.હાથમાંથી છૂટ્યાં બાદ તે લક્ષ્યનો પીછો કરી-લક્ષ્યવધ કરી અને ફરી પાછું હાથમાં આવી જતું.કૃષ્ણાવતારમાં પણ સુદર્શન ચક્ર ઉપસ્થિત હતું.તેનો ઉપયોગ અસ્ત્ર તરીકે થતો.અસ્ત્ર એટલે ફેંકવામાં આવતું હથિયાર.

ભગવાન વિષ્ણુએ અને તેમના અવતાર એવા ભગવાન કૃષ્ણએ સુદર્શનનો ઉપયોગ કરી અનેક દાનવોનો સંહાર કરેલો.કહેવાય છે કે,સૂર્યના તેજપુંજમાંથી પુષ્પક વિમાન,શિવનું ત્રિશુળ અને સુદર્શન ચક્રનું નિર્માણ થયેલું.પહેલાં સુદર્શન શિવ પાસે હતું.સુદર્શન ચક્ર વિષ્ણુ પાસે કેવી રીતે આવ્યું તેની કથા વિષ્ણુપુરાણમાં કહેવામાં આવેલી છે.વાત ઘણી રોચક છે.

આમ મળ્યું ભગવાન વિષ્ણુને સુદર્શન –

વાત કાર્તિક વદ ચતુદર્શીના દિવસની છે.આ દિવસને “વૈકુંઠ ચતુદર્શી”નામે પણ ઓળખાય છે.આ દિવસે વિષ્ણુ કાશી પધારેલા.કાશીના મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરીને વિષ્ણુએ એક હજાર સ્વર્ણરૂપ કમળના ફૂલો વડે ભગવાન શિવની પૂજા કરવાનો નિર્ધાર કર્યો.

શિવલીંગ પર જળાભિષેક કર્યાં બાદ એક હજાર કમળ પુષ્પ લઇને વિષ્ણુ પૂજન કરવા બેઠા.થોડીવાર બાદ અચાનક ધ્યાનમગ્ન થયેલી તેમની આંખો ખુલી.એક ફુલ ગાયબ હતું!ભગવાન શિવે વિષ્ણુની પરીક્ષા કરવા ચુપકીથી એક ફૂલ ઉઠાવી લીધેલું!

હવે શું કરવું?પૂજા-સ્થાન પરથી ઉભું થવાય એમ હતું નહી.વિષ્ણુએ વિચાર કર્યો.લોકો તેમને “કમળનયન” કહેતાં,કેમ કે તેમની આંખો કમળ જેવા રંગની ભૂરી હતી.વિષ્ણુએ કમળની જગ્યાએ પોતાની એક આંખ કાઢીને મુકી દેવાનો નિશ્વય કર્યો!અને જેવા તે પોતાની આંખ કાઢવા જાય છે ત્યાં જ શિવે પ્રગટ થઇ તેમનો હાથ ઝાલી લીધો અને કહ્યું –

“નારાયણ!તમારા સમાન સંસારમાં કોઇએ મારી ભક્તિ કરી નથી.આ તો મેં તમારી કસોટી કરેલી.તમે મારા પ્રત્યે જે ભક્તિ દેખાડી એના સંદર્ભમાં આજના દિવસને ‘વૈકુંઠ ચતુદર્શી’ તરીકે ઓળખવામાં આવશે.આજના દિવસે તમારી પૂજા કરીને જે મારું ધ્યાન ધરશે તે મોક્ષ મેળવવાને ફળદાયી બનશે.”

અને એ સાથે જ  શિવજીએ પોતાની પાસે રહેલું સુદર્શન ચક્ર પણ વિષ્ણુને આપ્યું.ત્રણે લોકમાં તેનો મુકાબલો કરે તેવું કોઇ હથિયાર અસ્તિત્વમાં નહોતું.લક્ષ્યભેદમાં તેનો જોટો જડે તેમ નહોતો.એ પછી ભગવાન વિષ્ણુ “સુદર્શનચક્રધારી” તરીકે પણ પૂજાવા લાગ્યા.

Leave a Comment