સમયને કોઇ જ રોકી નથી શકતુ… પોતાની રીતે આગળ ચાલતો રહે છે. સમયની સાથેસાથે જીવનમાં સુખદુઃખ પણ આવતું રહે છે. આર્થિક અને પારિવારિક મુશ્કેલીઓ પણ આવતી રહે છે. દરેકનો સામનો કરવો સરળ નથી પરંતુ દુઃખ સામે લડીને આગળ વધવું એ જરૂરી છે. દુઃખને પકડીને રડ્યાં કરવું એમાં પણ કોઇ અક્કલમંદી નથી.
આપણને જ્યારે દુઃખ પડે ત્યારે એવું જ લાગે કે માત્ર આપણને જ દુઃખ પડી રહ્યું છે. દુનિયાની બધી જ મુશ્કેલી આપણાં માથા પર આવીને જ પડી છે. બધી જ મુશ્કેલી બસ મારા નસીબમાં જ લખાયેલી છે એવું લાગે છે. આપણે જ્યારે દુઃખી હોઇએ અને અન્ય વ્યક્તિ ખુશ હોય, એમની ખુશી મનાવી રહ્યાં હોય ત્યારે એવું લાગે કે દુઃખ ખાલી મને જ છે. અને આ જ વસ્તુ તમારા મનમાં ક્રોધ, મતભેદ ઉભા કરે છે. પરંતુ એકવાર તમારું દુઃખ ભૂલીને બહાર જાવ અને જૂઓ કે શું માત્ર એક તમે જ છો કે આટલાં દુઃખી છો? તો તમને જવાબમાં મળશે ના… બહાર એવા પણ લોકો હશે કે જેમને તમારા કરતાં પણ વધારે દુઃખ હશે પણ એમના ચહેરા પર તમને આટલું પણ દુઃખ જેવું નહીં લાગે.
અહીં હું તમને એક કિસ્સો કહેવા માગીશ કે એક 45 વર્ષની મહિલા એક અકસ્માતમાં પોતાના પતિને ખોઇ બેઠાં. અને ત્યારબાદ બે છોકરા સાથેનો પરિવાર એકલો થઇ ગ્યો. બંને છોકરાએ તો ઘરની તમામ જવાબદારી સંભાળી લીધી. પરંતુ તે મહિલા તેમના પતિના મૃત્યુના છ મહિના પછી પણ એ દુઃખમાંથી બહાર નહોતા આવ્યાં.
સ્વાભાવિક છે દુઃખ થાય એમાં કાંઇ ખોટું નથી. પરંતુ એ દુઃખમાંથી બહાર નીકળવું પણ જરૂરી છે. ત્યારે એમના બંને છોકરા એમને એક સૈનિકના ઘરે લઇ ગયાં જ્યાં એક 25 વર્ષની યુવતીનો પતિ જેના માત્ર બે વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં તેણે દેશ માટે શહીદી વહોરી દીધી હતી. આ ઘટનાના ત્રણ મહિના બાદ તેમના ઘેર એક બાળકને જન્મ થયો. તે મહિલાએ જોયું તમામ દુઃખ ભૂલીને એ યુવતી પ્રેમથી પોતાના બાળકને રમાડી રહી હતી. આ જોઇને તે 45 વર્ષની મહિલાનું મન ભરાઇ આવ્યું અને થયુ કે મને લાગતું હતું કે મને જ આટલું દુઃખ છે પરંતુ આની સામે તો મારું દુઃખ ખુબ ઓછું છે.
દુઃખ દરેકના જીવનમાં આવે છે પરંતુ એ દુઃખમાંથી બહાર કઇ રીતે નીકળવુ એ અમુક લોકોને જ આવડે છે. લોકોને સુખ જોઇએ છે, દુઃખ કોઇને જોઇતું નથી. એક સ્વાભાવિક વાત છે કે જ્યારે વ્યક્તિને સુખ આવે છે ત્યારે તે આનંદિત અન પ્રફુલ્લિત થઇ જાય છે પરંતુ જ્યારે દુઃખ આવે છે ત્યારે દુઃખને કઇ રીતે પચાવવું તે માણસ નથી જાણતો. જેથી મુશ્કેલીના સમયમાં લોકો ભાંગી પડે છે અને ડિપ્રેશનમાં પણ જતાં રહે છે. અને આવા સમયમાં જો વ્યક્તિ શાંત અને ગંભીર રહે તો આ સમયને પણ આરામથી પચાવી શકે છે.
આપણે ગીતા વાંચીએ તો એમાં પણ લખ્યુ છે કે નારીશક્તિ મહાન શક્તિ છે. આવા વિચારો વાંચવામાં આવે, સાંભળવામાં આવે પણ અમલીકરણમાં ક્યારેય આવતા નથી. એકવાત હંમેશા યાદ રાખવી જોઇએ કે સમસ્યા વગર માણસ ક્યારેય આગળ વધી શકશે નહીં. અને જેને સમસ્યા શું એ જ નથી ખબર એ એનુ સમાધાન કઇ રીતે શોધી શકશે? નારીમાં એટલી તાકાત છે કે પોતાનું દુઃખ ભૂલી પણ શકે છે અને અન્યનું દુઃખ ભૂલાવી પણ શકે છે.
જ્યાં સમજણ છે ત્યાં સુખ છે, જતું કરશો તો જ મળશે. જ્યારે પણ તમે સુખ શોધવાનો પ્રયત્ન કરો છો ત્યારે બહારની વસ્તુઓમાં સુખ શોધવાનો પ્રયત્ન કરો છો પરંતુ હકીકતમાં સુખ તો તમારી અંદર જ છૂપાયેલુ છે. સુખી થવા માટે બીજાને દુઃખી કરવાનો હક આપી દેવામાંથી બચવુ જોઇએ.
જો તમારો સ્વભાવ સારો હશે તો તમે કોઇપણ કપરી પરિસ્થિતિમાં કામ કરી શકો છો અને દુઃખનો સામનો કરી શકો છો. બસ, એક વાત યાદ રાખો કે ભૂતકાળમાં જે થયું એને ભૂલી જાવ. કારણ કે જે થઇ ગયું એ થઇ ગયું એને સુધારી શકાતું નથી, એને પાછુ મેળવી શકાતું નથી. પરંતુ ભૂતકાળમાં કરેલી ભૂલો પરથી શીખીને તમે તમારું વર્તમાન સુધારી શકો છો. તમારી જાતને કદી એકલી ન સમજો તમારી સાથે અન્ય કોઇ ન હોય તો પણ તમારો અંતરઆત્મા હંમેશા તમારી સાથે જ રહેશે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI