“કબીર સિંહ” – હાલ અત્યારે આ ફિલ્મ બહુ ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને લોકોના મોઢે પણ આ ફિલ્મની ચર્ચા સાંભળવા મળે છે. તેલગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક કબીર સિંહ અત્યારે સારું ચાલી રહ્યું છે. બોક્સ ઓફીસ પર આ ફિલ્મની કમાણીનો આંકડો પણ ઉંચો જઈ રહ્યો છે એ સાથે શાહિદ કપૂરની જિંદગીમાં ફરી એકવાર સિતારો આવ્યો એવું પણ કહી શકાય. આ ફિલ્મમાં કબીર સિંહના પાત્રને લઈને ભારતીય મહિલાઓ કબીર સિંહ જેવા પતિ માટે શું વિચારે છે? એ વિશે પણ ચર્ચાની દોર લાંબી કરીશું.
ઇન્ટેલિજન્સ એન્જસીના ડેટા મુજબ જોઈએ તો મોટાભાગની મહિલાઓ કબીર સિંહ જેવા પાત્રોને રીયલ લાઈફમાં પણ સામાન્ય ગણે છે. આ ફિલ્મમાં કબીર સિંહનું પાત્ર તેની ગર્લફ્રેન્ડ પ્રત્યે રીઅગ્રેસીવ બતાવવામાં આવ્યું છે. આ બાબતે અમુક મહિલાઓ એવું કહે છે કે, આ પાત્રને પ્રમોટ કરવું જોઈએ નહીં. જે પુરૂષના જૂનૂનમાં વધારો કરે છે.
આમ તો આ ફિલ્મ હિટ રહી છે પણ આ પાત્રને થોડા અંશે નીન્દાકુથલીનો ભોગ બનવું પડ્યું છે. કારણ કે, મહિલા પ્રત્યેના હિંસક વહેવારને ભારતની અંદર આડકતરી રીતે જોવામાં આવે છે અને એ સ્વાભાવિક છે. મહિલાઓ પર અત્યાચાર કરીને કોઈપણ પુરૂષ તેનું અભિમાન આ રીતે બતાવે એ યોગ્ય નથી. કબીર સિંહના પાત્રને રીલ લાઈફ સુધી ઠીક છે પરંતુ આ પાત્રને રીયલ લાઈફમાં ઉતારવામાં આવે તો જીવન તબાહ થવાના સો ટકા ચાન્સીસ બની શકે છે.
નેશનલ ફેમેલી હેલ્થ સર્વેના ડેટા જોઈએ તો, ૨૦૦૫-૦૬ સુધીમાં મહિલાઓને પતિ દ્વારા કરવામાં આવતી મારપીટ અને હિંસાના કિસ્સામાં કાંઈ જ સુધારો આવ્યો ન હતો. સર્વેમાં, વર્ષ ૨૦૦૫-૨૦૦૬ માં ૫૪ ટકા મહિલાઓએ તેના પતિ દ્વારા કરવામાં આવતી મારપીટને સામાન્ય ગણવામાં આવી હતી, જે વર્ષ ૨૦૧૫-૨૦૧૬ સુધીમાં ઘટીને ૫૧ ટકા સુધી આંકડો પહોંચ્યો. વર્ષ ૨૦૦૫-૨૦૦૬ સુધી ૫૧ ટકા પુરૂષો એવું માનતા હતા કે તેની પત્ની સાથે મારપીટ યોગ્ય છે. ૧૦ વર્ષ પછી આ સંખ્યામાં ઘટાડો થયો અને ૪૨ ટકાએ પહોંચ્યો.
અમુક એવા કિસ્સાઓ છે, જેમાં ભારતીય મહિલા તેના પતિના હાથની મારપીટને યોગ્ય ગણે છે એવા કારણો જોઈએ તો, સાસુ-સસરાનો અનાદર કરવો, પતિને – પત્ની પર અવગુણની શક હોય તો, રસોઈ બાબતની માથાકૂટ, પતિ સાથે બહેસ કરવાના મામલે, પતિને જાણ કર્યા વગર ઘરની બહાર નીકળી જવું, બાળકોનું દયાન ન રાખવું અને અફેરના કિસ્સાઓ આવા ઘણા મામલે ભારતીય મહિલાઓ પતિના અગ્રેસીવ બિહેવિયરને યોગ્ય ગણે છે.
એ સિવાય નશાને કારણે થતી મારપીટ, ઘમકી અથવા પતિના અફેરને કારણે થતી મારપીટ, પત્ની પ્રત્યેનો ખરાબ વ્યવહાર, ખરાબ સંગતને કારણે ઉભા થતા પ્રશ્નો આવા કિસ્સાઓમાં ભારતીય મહિલા પતિના હાથની મારપીટને અયોગ્ય અને ખરાબ કુટેવ પણ ગણાવે છે.
ફિલ્મ કબીર સિંઘ હોય કે અન્ય કોઈ પણ પુરૂષોના મહિલા પ્રત્યેના આવા વ્યવહારને સામાજિક દ્રષ્ટિએ એક પ્રકારની હિંસા જ કહેવાય. પતિ-પત્ની કે પુરૂષ અને મહિલા વચ્ચેના દરેક સંબંધને શાંતિથી સોલ્વ કરી શકાય છે પણ જો હાથ ઉપાડીને કે મારપીટ દ્વારા પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો બે વ્યક્તિઓ વચ્ચેના વ્યવહાર અને લાગણીના સંબંધને તૂટતા વાર લાગતી નથી.
ફિલ્મો ભલે હિંસક પાત્રો સર્જીને કરોડો રૂપિયાની કમાણી કરી લે પરંતુ વર્ચ્યુલ લાઈફમાં તો એક પણ કબીર સિંહને મહિલાએ સહન કરવો જોઈએ નહીં. જ્યાં પ્રેમ આપવામાં આવે છે, ત્યાં જ સામેથી પ્રેમ મેળવવાની આશા રાખી શકીએ છીએ. આજ ફરક છે ફિલ્મી દુનિયા અને વાસ્તવિક દુનિયા વચ્ચે..
#Author : Ravi Gohel