સોરઠની ઘરતી એટલે ધાર્મિક દ્રષ્ટિનું અમુલ્ય નજરાણું. એ ગિરનારની તળેટીમાં વસેલું “જુનાગઢ”. જુનાગઢ – તાલુકાનું મુખ્ય મથક છે તેમજ ગુજરાતનું ખૂબ જ જાણીતું શહેર છે. ત્યાંની ૨૦૧૧ મુજબની વસ્તી ગણતરી પ્રમાણે જુનાગઢ નગરપાલિકાની વસ્તી ૩,૧૯,૪૬૨ હતી. સડક માર્ગ વ્યવહારની વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8D દ્વારા અન્ય શહેરો સાથે જોડાયેલું છે.
જૂનાગઢની વાત કરીએ તો જોઈને જાણકારી મેળવવા જેવાં અનેક સ્થળો આવેલ છે.
તેના મુખ્ય આકર્ષણો : સાસણ ગિર, ગિરના જંગલો, સોમનાથ મંદિર, સતાધાર, ગિરનાર પર્વત, વિલિંગટન બંધ, ઉપર કોટ, ઓજત બંધ, પરબ, સત્ દેવી દાસ-અમર દેવી દાસ સમાધિ છે. હાલમાં પણ પ્રવાસ – પર્યટનથી જુનાગઢ હંમેશા ગુંજતું રહે છે.
સાવજ, સૂરા અને સંતોની ભૂમિ એટલે સોરઠ. આ સોરઠની ગોદમાં આવેલું સૌથી રળિયામણું શહેર એટલે “રૈવતનગરી જૂનાગઢ”. લીલુંછમ ઘનઘોર જંગલ જ્યાં સેંકડો સિંહો વસવાટ કરે છે. ગગનચુંબી ગિરનાર પર્વત છે જે વહેતા પવનને પણ પડકાર કરે છે એવો અહેસાસ થાય. આવી વૈવિધ્યસભર પ્રાકૃતિક સુંદરતા કુદરતે માત્ર જૂનાગઢને બક્ષી છે.
પ્રકૃતિની સાથોસાથ જૂનાગઢ શહેરની ભવ્ય સંસ્કૃતિ પણ ગુજરાતની ધરોહર છે. અડીકડી વાવ, નવઘણ કૂવો, અશોક શિલાલેખ અને ઉપરકોટ કિલ્લાની શિલ્પ અને સ્થાપત્ય કલા ઊડીને આંખે વળગે એવી છે.
બીજાં પણ અનેક પૌરાણિક તથ્યો અને સ્થળો જૂનાગઢ શહેર સાથે જોડાયેલા છે. પરંતુ આજે ખાસ પ્રસ્તુતિમાં આપણે – ઉપરકોટ કિલ્લાની રચના અને ઈતિહાસ વિશે માહિતી મેળવીશું.
ઉપરકોટ કિલ્લો જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલો છે. આ કિલ્લો ત્રીજી સદીમાં મૌર્ય રાજાઓએ બંધાવ્યો હતો. ત્યારબાદ આ કિલ્લાનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓ દ્વારા, આઠમી સદીમાં થયો હતો.
ત્યારબાદ આ કિલ્લો સોલંકી અને મુઘલ શાસકોના કબ્જામાં રહ્યો. આ ઉપરાંત આ કિલ્લાની સ્થાપના કંસના પિતા ઉગ્રસેન યાદવે કરી હોવાની પણ માન્યતા છે.
ઉપરકોટ કિલ્લો એક ભવ્ય કિલ્લો છે. આ કિલ્લો ઉત્તમ સ્થાપત્ય કલા ધરાવે છે. તથા તેની સંરચના અને સુરક્ષા વ્યવસ્થા અચંબામાં નાખી દે તેવી છે. આ કિલ્લો કુલ ૯ કીલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.
કિલ્લાની ફરતે મજબૂત એવી ઠોંશ દીવાલ આવેલી છે. કિલ્લાની ભીતર પ્રવેશ માટે એક જ મુખ્ય દ્વાર છે. જે રાજા મહારાજા વખતની જેમ હતી તેમ જ છે. બહારી દિવાલની અંદર ઊંડી ખીણો છે. આ ખીણો કિલ્લાની સુરક્ષા માટે અત્યંત મહત્વની હતી. ખીણની ઊંડાઈ ૨૫૦ ફૂટ જેટલી હતી. જેમાં હિંસક મગરમચ્છો રહેતા. જો કોઈ શત્રુ કિલ્લાની દીવાલ કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરે તો તે ખીણમાં ખાબકી મરણને શરણ થતો. છે ને અદ્દભૂત..!!!
આ ઉપરાંત ખીણમાંથી નીકળતા પથ્થરોનો ઉપયોગ બાંધકામ અર્થે થતો. કિલ્લામાં સુરક્ષા હેતુથી બે ઇરાની તોપો રાખવામાં આવી છે. ઉપરકોટની આ તોપ જ આકર્ષણનું ખાસ કેન્દ્ર છે. એમાં પણ જયારે સેલ્ફી શોખીન માટેની હોત ત્યારે કહેવું જ ન પડે!!! આ અનેરી જગ્યાની ફોટોગ્રાફી તમે ગુગલ સર્ચ એન્જીનમાં સર્ચ કરતાં પણ નિહાળી શકો છો.
આ તોપ ચૌદમી સદીમાં બનેલી છે. મોટી તોપની ક્ષમતા ૪.૭૫ કીલોમીટર અને નાની તોપની ક્ષમતા ૨ કીલોમીટરની છે. આ કિલ્લાની અંદર જ જૂનું જૂનાગઢ શહેર પહેલા વસેલું હતું.
સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી એ પહેલાં સતત ૧૨ વર્ષ સુધી કિલ્લાની ફરતે, સૈન્ય સહિત પ્રતિક્ષા કરી પણ કિલ્લાનો દરવાજો ન ખૂલ્યો. તેરમાં વર્ષે અનાજ ખૂટતા કિલ્લાના દરવાજા ખૂલ્યા અને સિદ્ધરાજ જયસિંહે આક્રમણ કરી જૂનાગઢ જીત્યું હતું.
હાલનું નવું જૂનાગઢ શહેર ગીરનારની તળેટીમાં વસેલું છે. જ્યારે કિલ્લો ૧૫૦ ફૂટની ઊંચાઈએ છે. આ ભવ્ય કિલ્લો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. તમને પણ જયારે સમય મળે ત્યારે જૂનાગઢની સફર ખાસ કરવા જેવી છે. ઉપરકોટ જેવાં ઈતિહાસિક સ્થળો માણવાની મજા રોમાંચક હોય છે.
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.