રસોડામાં અનેક વાનગીઓ બનતી હોય છે એમ સાબુદાણાની ખીચડી પણ બનાવવામાં આવતી હોય છે. સાબુદાણામાંથી બનતી ખીર અને સાબુદાણાની ખીચડી બંનેને ઉપવાસમાં પણ લઇ શકાય છે. સાબુદાણાની ખીચડી મોટેભાગે ઉપવાસમાં સૌથી વધુ બનાવવામાં આવતી હોય છે. એમાં પણ સાબુદાણાની ખીચડી બનાવવાની સચોટ પદ્ધતિ જાણતા હોય તો ખીચડીના સ્વાદને મજેદાર બનાવી શકાય છે.
ચાલો, આજના લેખમાં બહુ સરળ એવી પદ્ધતિને પધ્ધતિસર જાણી લઈએ કે સાબુદાણાની ખીચડીને મજેદાર કેવી રીતે બનાવી શકાય છે…
સૌથી પહેલા સાબુદાણાને પાણીમાં પલાળી દો. સાબુદાણા યોગ્ય પલળ્યા છે કે નહીં એ જાણવા માટે આંગળીથી દબાવીને જોઈ લો. પાણીની અંદર સાબુદાણા એકદમ પલળી ગયા બાદ ખીચડી બનાવવાની શરૂઆત કરી શકાય છે.
પાણીમાંથી સાબુદાણા બહાર કાઢ્યા પછી પણ એકવાર પાણી વડે ધોઈ નાખો. અહીં ખાસ ધ્યાન રાખો કે વધુ મસળીને સાબુદાણાને ધોવાથી એ છૂંદો થઇ શકે છે. વધુ જાણકારી આપતા તમને એ પણ જણાવી દઈએ કે સાબુદાણાને પલાળતી વખતે તેમાં પાણીની માત્રા પણ યોગ્ય હોવી જોઈએ. ૧ વાટકી જેટલા સાબુદાણામાં ૩ કપ જેટલું પાણી ઉમેરો.
સાબુદાણાની ખીચડીમાં માંડવીના દાણાનો ભુક્કો ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. એ માટે દાણાને પહેલા સહેજ સેકી લો અને ત્યારબાદ દાણાનો ભુક્કો કરી લો.
હવે, બટેટાને બાફવા માટે મુકો અને બાફેલ બટેટાના કટકા કરી લો. એક કડાઈમાં આખું જીરૂ, હિંગ, મીઠો લીમડો, આખા મરચાંની કટકી અને આદુને વધાર કરવા માટે ઉમેરો. હવે જે બાફેલા બટેટા છે એને વધારની અંદર ઉમેરીને બરાબર વઘાર ચડવા દો.
સાબુદાણાની ખીચડીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં જરૂર મુજબનું મીઠું અને હળદર ઉમેરો. અહીં સુધીના સ્ટેપ અનુસર્યા પછી વારી આવે છે સાબુદાણાને ઉમેરવાની. બધો મસાલો એકદમ સારી રીતે તૈયાર થઇ ગયા પછી તેમાં ઉપરથી પલાળેલા સાબુદાણાને ઉમેરો.
હવે, માંડવીના દાણાનો ભુક્કો ઉમેરો. સહેજ લીંબુ અને ખાંડ પણ ઉમેરો. આ બધું સાબુદાણાની ખીચડીના સ્વાદને મજેદાર બનાવવા માટે ઉપયોગી છે. ફરીથી આ બધું વ્યવસ્થિત રીતે મિશ્ર થયા પછી ગેસ પર ધીમી જવાળાએ પાંચ મિનીટ સુધી રાખો અને એ દરમિયાન ખીચડીને કડાઈની અંદર ફેરવતી રહેવી પડે છે.
ગેસ પરથી ખીચડીને ઉતાર્યા બાદ ઉપરથી કોથમીર ઉમેરી ખીચડીના સ્વાદ અને શોભા બંનેમાં વધારો કરો. તેમાં સુકી કે લીલી દ્રાક્ષ પણ ઉમેરી શકાય છે અને દાડમના દાણા પણ ઉમેરી શકાય છે. તો આ રીતે તૈયાર થયેલી ખીચડીને ટેસ્ટ કરીને જોવો જોરદાર-મજેદાર ટેસ્ટ તમને ખુબ પસંદ આવશે.
આશા છે કે સાબુદાણાની ખીચડી બનાવવાની આ પદ્ધતિ તમને કામ લાગશે અને રસોડાની પણ શાન વધારશે. તો તમે પણ ઘરે આ રીતે બનાવેલી ખીચડી ઘરના સભ્યોને ટેસ્ટ કરાવો….
આવા જ અન્ય લેખ વાંચવા માટે અમારા ફેસબુક પેજ સાથે જોડાઈ રહેજો અને મિત્રો સાથે પણ આ માહિતીને શેયર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel