માતા દુર્ગા હિંદુ ધર્મના મુખ્ય દેવી છે. માતા દુર્ગા પાપ-કષ્ટ-દુઃખ-તકલીફને દૂર કરનારી દેવી છે. સાચા મનના ભાવથી માતા દુર્ગાને જો યાદ કરવામાં આવે તો તરત જ જીવનમાં આવેલી તમામ તકલીફને દૂર કરી શકાય છે. આ દેવી શક્તિ ભારતમાં અલગ-અલગ નામથી પ્રસિદ્ધ છે. દુર્ગા માતાને ભારતમાં જુદાજુદા નામ અને સ્વરૂપથી પૂજવામાં આવે છે. તો ચાલો, આજના આર્ટીકલમાં જોઈએ ભારતના પ્રસિદ્ધ પાંચ દુર્ગા માતા મંદિર :
વૈષ્ણોદેવી, જમ્મુ કશ્મીર :
જમ્મુ કશ્મીરમાં કટરાથી ૧૫ કિમીના અંતરે વૈષ્ણોદેવી મંદિર આવેલું છે. સમુદ્રતટથી ૧૫૬૦ મીટરની ઉંચાઈ પર ત્રિકુટા પહાડીઓમાં સ્થિત એક મંદિર છે. માતા દુર્ગા દેવીનું આ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિર દુર્ગા દેવીના પ્રમુખ મંદિરમાંથી એક હોવાને કારણે શ્રદ્ધાળુઓ અહીં ભક્તિમય મન બનાવીને આવે છે. કહેવાય છે કે અહીં મનથી જે માંગે છે એ લોકોને બધું મળે છે. ભારતના આ મંદિરને કારણે ભારતમાં પ્રવાસીઓનું આગમન થાય છે.
વૈષ્ણોદેવી યાત્રામાં શું હોય છે? :
આ પવિત્ર તીર્થની યાત્રા કરવાવાળા ભક્તોને જણાવી દઈએ કે આ એક ટ્રેકિંગ ડેસ્ટીનેશન છે એટલે જોઈતા મુજબની વસ્તુઓ સાથે લઇ જવી અને અહીં જતા પહેલા આપના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી જરૂરી છે. અહીં તીર્થયાત્રીને લગભગ ૧૩ થી ૧૫ કિમી સુધી ચાલીને જવું પડે છે. ત્યાર બાદ એ ગુફા સુધી પહોંચી શકે છે.
વધુ માહિતી જણાવીએ તો કટરાથી એક કિમી દૂર, બાણગંગાના નામથી એક જગ્યા છે. આ જળમાં દેવીએ અસહ્ય પાણીની પ્યાસને તૃપ્ત કરી હતી. અને વધુ આગળ જતા અહીંથી ૬ કિમીના દૂર અંતરે એક અન્ય ગુફા આવેલી છે, જ્યાં નવ મહિના સુધી દેવીનું ધ્યાન ઘરવામાં આવે છે. આ રીતે સંપૂર્ણ તીર્થની યાત્રા કરવામાં આવે છે.
અહીં જવા માટે સ્વાસ્થ્યનું મજબુત હોવું જરૂરી છે કારણ કે અહીં ચાલવું પડે છે અને સાથે તીર્થ ઉંચાઈ પર હોવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થાય એવું બને છે માટે પહેલા સ્વાસ્થ્યની ચકાસણી કરાવી લેવી હિતાવહ છે.
મનસા દેવી મંદિર, ઉત્તરાખંડ :
આ યાત્રાતીર્થ પણ પવિત્ર છે અને ભક્તો માટે શ્રદ્ધાનું સ્થાનક ગણાય છે. અહીંના પાવન દર્શનથી માતા દુર્ગા આપ પર આશિષ વરસાવી શકે છે. કહેવાય છે કે કોઇપણ ભક્ત અહીં સાચી આસ્થા લઈને આવે છે તેની દરેક મનની ઈચ્છા પૂર્ણ થાય છે. વધુ આ યાત્રાધામની વિગત જણાવીએ તો, હરિદ્વારની પાસે સાદુલપુર-મસ્લીપુર-ઝૂનઝૂન રસ્તા પર લામ્બોર ગામમાં આ મંદિર આવેલું છે.
માનસા દેવીનું મંદિર એક વિશાળ પરિસર છે એટલે કે વિશાળ જગ્યામાં બનેલ એક ધાર્મિક સ્થળ છે. અહીં ૪૧ રૂમથી બનેલ બિલ્ડીંગ છે, જેમાં યાત્રાળુને રહેવા-જમવાની સુવિધા કરવામાં આવી છે. અહીં એક યજ્ઞશાળા પણ છે. શ્રી લંમ્ભોરીયા મહાદેવ મંદિર, શ્રી લંમ્ભોરીયા હનુમાન મંદિર અને એક સિંહદ્વાર પણ છે. અહીં ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવે છે. વખતોવખત અને વર્ષમાં અનેકવાર અહીં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું આવ્યું છે અને આજેય આ જગ્યામાં બધા શ્રદ્ધાળુઓ સાથે મળીને વર્ષના ખાસ દિવસોમાં ધાર્મિક પૂજા-અર્ચનાનું તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે.
માનસાદેવી મંદિર યાત્રામાં શું હોય છે? :
ઉત્તરાખંડમાં આ મંદિર આવેલું છે. એટલે અહીં પહોંચવા માટે આપે પહેલા જાણી લેવું કે તમને તમારા સ્થળથી કેવી રીતે આ જગ્યા પર સહેલાઈથી પહોંચી શકાય છે. સામાન્ય રીતે અહીં બસ,ટ્રેન અથવા કારથી પહોંચી શકાય છે. અહીં માતા દુર્ગાના આશીર્વાદ લેવા માટે લોકો ભારત તેમજ ભારત બહારથી આવે છે અને માતાના ચરણમાં મસ્તક નમાવીને આશીર્વાદ મેળવે છે. દૂર અંતરેથી આવેલા યાત્રાળુને અહીં આસપાસ રહેવા-જમવાની વ્યવસ્થા મળી રહે છે.
કામાખ્યા દેવી મંદિર, ગુવાહાટી :
દુર્ગા દેવીનું આ મંદિર જગતના ખૂણે ખૂણે જાણીતું છે. ઉત્તર પૂર્વ ભારતમાં આસામ રાજ્યની રાજધાની ગુવાહાટીમાં આ દેવી મંદિર સ્થિત છે. આ મંદિરનું ચોક્કસ સ્થાન ગુવાહાટીના પશ્ચિમ ભાગમાં આવેલ નીલાચલ પહાડીના મધ્યમાં છે. આ મંદિરમાં બિરાજમાન દેવીને માતા કામાખ્યા અથવા ઈચ્છાની દેવી એવું કહેવામાં આવે છે.
આપને જણાવી દઈએ કે આ મંદિર દુર્ગા દેવીના ૫૧ શક્તિપીઠોમાંથી એક છે. અહીં તાંત્રિક વિધિ માટેનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. ગુવાહાટી પાસે આવેલું આ મંદિર હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મંદિર છે. અહીં લોકો દર્શનાર્થે દૂર દૂરથી આવે છે. આ મંદિર વર્ષોથી ભક્તોનું માનીતું મંદિર રહ્યું છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે.
આ મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ હોવા પાછળનું એક કારણ એ પણ છે કે અહીં માતાના રજસ્વલા(માસિક ધર્મ ચક્ર)સ્વરૂપમાં મંદિરની અંદર બિરાજે છે. અહીં એક ચટ્ટાનના રૂપમાં બનેલ યોનીમાંથી રક્તનો સ્ત્રાવ થાય છે. એ સિવાય આ મંદિર સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે.
કામાખ્યા મંદિર યાત્રામાં શું હોય છે? :
આપ અહીં બસ, ટ્રેન કે કારથી પહોંચી શકો છો. આ દેવી મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ હોવાને કારણે અહીં માણસને જોઈતી રહેવા-જમવાની કે રોકાવાની સગવડો વિકસી છે. અહીં ભક્તો માતાના આશીર્વાદ લેવા માટે ખાસ આવે છે અને અમુક એવા ભક્તો પણ હોય છે જે ચોક્કસ નિશ્ચિત કરેલા સમયે માતાના ચરણમાં વંદન કરવા માટે અવશ્ય આવે છે. ઘણા લોકો તાંત્રિકવિધિ કરાવવાના અર્થે પણ આ પવિત્ર તીર્થની યાત્રાએ જતા હોય છે.
અંબાજી મંદિર, ગુજરાત :
ભારતના બધા રાજ્યો કરતા ગુજરાત રાજ્ય વધારે સમૃદ્ધ છે અને એ કારણે જ અહીંના તીર્થસ્થાનો પણ એટલા જ સમૃદ્ધ છે. ગુજરાતના મોટાભાગના મંદિરો ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. એ રીતે આ મંદિરના વિકાસમાં પણ એ ભાગ જોડાયેલ છે. અહીં માતા અંબાજીના બિરાજમાન છે, જે માતા દુર્ગા દેવીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.
ગુજરાત રાજ્યનું આ પ્રમુખ તીર્થ છે. આ મંદિર પણ ૫૧ શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિરને આશરે ૧૨ મી સદીનું માનવામાં આવે છે, ત્યારથી લઈને આજ સુધી ગુજરાતનું આ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક બનીને રહ્યું છે. આ મંદિર પહાડ પર સ્થિત છે. અહીં માતાને પર્વત પર રહેવું ગમે છે અને ભક્તો આ પર્વત ચડીને માતાના દર્શન કરવા માટે પહોંચે છે.
અહીં નવવિવાહિત યુગલ માતાના આશીર્વાદ લેવા માટે આવે છે તેમજ ભક્તો મનની ઈચ્છાની પૂર્તિ માટે પણ દર્શનાર્થે આવે છે. એવું કહેવાય છે કે અહીં માતાના ચરણમાં વંદન કરવાથી વિવાહિત જીવનમાં સુખ-શાંતિ આવે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર એક મોટો વિસ્તાર છે. તેમાં જૂનાગઢ શહેરમાં આ પવિત્ર યાત્રાધામ સ્થિત છે.
અંબાજી મંદિર યાત્રામાં શું હોય છે? :
જો તમે વિવાહિત જીવનને સુખમય બનાવવા ઇચ્છતા હોય તો આ મંદિરે માતાના આશીર્વાદ લેવા માટે અવશ્ય આવવું જોઈએ. અહીં સાક્ષાત દેવી બિરાજે છે અને હર કોઈ ભક્તની દરેક મનોકામના પુરી કરે છે. જુનાગઢ પહોંચવા માટે આપ બસ, ટ્રેન કે કારથી પહોંચી શકો છો અને હવે તો જુનાગઢ શહેર ઘણું વિકસિત થયું છે એટલે આ સ્થળ પર આપ રહેવા-જમવાની સુવિધા પણ લઇ શકો છો.
કરણી માતા, બિકાનેર :
ભારતમાં દુર્ગા માતાના મંદિરો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. એવી જ રીતે કરણી માતા મંદિર રાજસ્થાનના બિકાનેરથી લગભગ ૩૦ કિમીના આંતરે આવેલું છે. આ મંદિરની એક વિશેષ ખાસીયતને કારણે આ યાત્રાતીર્થ પર આવવા માટે લોકો વધુ વિચારે છે. અહીં ઉંદરને વધુ માન આપવામાં આવે છે.
અહીં ઉંદરની વસ્તી એટલી છે કે સમગ્ર ભારતમાં એક પણ મંદિરમાં જોવા મળે નહીં. ઉંદરો મંદિરની અંદર જ નિવાસ કરે છે અને કોઇપણ ભક્તને ક્યારેય નુકસાન પણ પહોંચાડતા નથી. ઉંદરની સંખ્યા વિષે જો વાત કરવામાં આવે તો આ એક મંદિરની અંદર લગભગ ૨૫૦૦૦ જેટલા ઉંદરો એકસાથે રહે છે.
અહીં એક એવી માન્યતા છે કે ઉંદરે ખાધેલ પ્રસાદને જો ખાવામાં આવે તો મનની દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ મંદિર વર્ષો અને સદીઓથી ભક્તોની આસ્થાનું પ્રતિક રહ્યું છે કારણ કે આ મંદિરના દ્વાર શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવ્યા છે અને સંગેમરમરના પથ્થર પર આબેહુબ કોતરણીવાળું નકશીકામ કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં આવેલ બિકાનેરનું આ દુર્ગા મંદિરે હજારો શ્રદ્ધાળુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાનોમાં એક છે.
કરણી માતા મંદિર યાત્રામાં શું હોય છે? :
મહારાજા ગંગાસિંહે આ મંદિરના વિકાસમાં પાયાનો ભાગ આપ્યો છે કારણ કે તેને મંદિરમાં ચાંદીના દ્વાર નખાવ્યા હતા અને સાથે સંગેમરમરના પથ્થરોને ઊંચા કારીગર દ્વારા નકશીકામ કરાવીને તૈયાર કરાવ્યા હતા. આજે આ મંદિર વિશ્વભરમાં જાણીતું બન્યું છે અને દૂર દૂરથી લોકો અહીં આવે છે. આપ પણ બસ,ટ્રેન કે કાર દ્વારા આ મંદિર સુધી પહોંચી શકો છો.
તો આ છે ભારતના પાંચ પ્રસિધ્ધ દુર્ગા મંદિર, જ્યાં ભક્તો માતાના આશીર્વાદ લેવા માટે આવે છે. ભારતના આ દુર્ગા મંદિરોના કારણે ભારત બહારથી આવતા યાત્રીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આપ પણ એકવાર ભારતના પ્રસિદ્ધ દુર્ગાદેવી મંદિરની યાત્રા પર જરૂરથી જજો.
આશા છે આજનો આર્ટીકલ આપને ખુબ જ પસંદ આવ્યો હશે. તો આ આર્ટીકલને આપના મિત્રો સાથે શેયર જરૂરથી કરજો અને આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel