આયુર્વેદને આજના સમયમાં લોકો ઓછું જાણે છે, પણ આયુર્વેદ એટલે ‘સ્વાસ્થ્યનો ખજાનો’ એમ કહી શકાય. કારણ કે કોઈપણ જાતની આડઅસર વગર આયુર્વેદ ઉપચાર અસરકારક નીવડે છે. દેશી ઔષધીના ગ્રંથમાં આશરે ૧૨૦૦ જાતની જડીબુટ્ટીનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લીસ્ટમાં અમુક જડીબુટ્ટી એવી છે, જે બહુ ઓછા પ્રમાણમાં મળી શકે છે. પણ અહીં અમુક એવી ઔષધના નામ અને ફાયદા જણાવવામાં આવ્યા છે જે તમને આસાનીથી મળી જશે.
(૧) ગીલોય, અમૃતા
આ ઔષધનું જેવું નામ છે એવું જ કામ છે. આ વેલનો પ્રકાર છે, જેના રસને અતિ ગુણકારી માનવામાં આવે છે. સ્વાદ એકદમ કડવો છે, પણ સ્વાસ્થ્ય માટે ખુબ અસરકારક ઔષધ છે. આ ઔષધ વાતપિત, અર્થારાઈટીસ, ચામડીના રોગ, ડાયાબીટીસ, હદય રોગ વગેરેમાં ઉપયોગી છે. ડેન્ગ્યુંના તાવમાં લોહીના પ્લેટકણને વધારવામાં પણ આ વેલ અતિગુણકારી છે.
(૨) અશ્વગંધા
અશ્વગંધા આયુર્વેદમાં મોટેભાગે ઉપયોગમાં આવતી ઔષધ છે. અશ્વગંધાના મુળિયાને સુકવીને તેમાંથી ચૂર્ણ બનાવવમાં આવે છે. નિયમિત અથવા ચોક્કસ સમય અંતરે આ ચૂર્ણના સેવનથી ઘણા ફાયદા થાય છે. અશ્વગંધાથી પુરૂષનું જાતીય બળ વધે છે અને શરીરની આંતરિક સીસ્ટમને ઠીક રાખવા માટે આ ઔષધ અતિ ફાયદાકારક ગણાય છે.
(૩) શતાવરી
શતાવરીની વેલ થાય છે, એ વેલના મૂળને સુકવીને ચૂર્ણ બનાવામાં આવે છે. શતાવરીને રાસાયણિક ઔષધી માનવામાં આવે છે. બુદ્ધિના વિકાસ માટે, પાચનશક્તિને મજબૂત બનાવવા, આંખની રોશનીને તેજ કરવા, પેટમાં ગેસની તકલીફને દૂર કરવા માટે આ ઔષધ ગુણકારી છે.
(૪) આંબળા
આંબળાના ફળને આયુર્વેદમાં વિશેષ સ્થાન મળ્યું છે. ચરક સંહિતા અને શુશ્રુત સંહિતામાં પણ આંબળાને મહત્વની ગુણકારી ઔષધ ગણવામાં આવી છે. ત્વચાના રોગ, રક્તપિત, હદયરોગ તેમજ સ્નાયુના દુઃખાવાની અતિ લાભકારી દવા તરીકે આંબળાનો ઉપયોગ કરી શકાય છે.
(૫) બ્રામ્હી
બ્રામ્હી આમ તો દેખાવમાં સામાન્ય છોડ જેવું લાગે છે, પણ તેના ગુણની વાત કરવામાં આવે તો એ અતિગુણકારી છે. શરીરની નર્વસ સીસ્ટમ માટે બ્રામ્હી બહુ ઉપયોગી ઔષધ છે. બાળકોની યાદશક્તિને મજબૂત કરવા માટે પણ ઉપયોગ થાય છે. સાથે અમુક પ્રકારના માનસિક વિકાર માટે બ્રામ્હીનો ઉપયોગ કરી શકાય છે.
(૬) લીમડો
લીમડો આમ તો સામાન્ય રીતે જોવા મળે એવી ઔષધ છે. લીમડાને કીટનાશક તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. લીમડાના પાનને કપડામાં રાખીને અનાજમાં મુકવામાં આવે તો જીવાત થતી અટકાવી શકાય છે. એ સિવાય લીમડાના પાનનું પાણી અથવા લીમડા પાનને ચાવવાથી ત્વચા રોગ મટી શકે છે. લીમડાના પાણીનું સ્નાન પણ ખુબ જ ફાયદાકારક છે.
આયુર્વેદિક ઔષધ, સ્વાસ્થ્યને કાયમ જાળવી રાખવા માટેની એક ચાવી છે અને આજના સમયની ફાસ્ટ રીલીફ દવા કરતા આયુર્વેદિક ઔષધને ખરા અર્થમાં ઉપયોગમાં લઈ શકાય છે કારણ કે કોઇપણ બીમારીને જડમુળથી નાશ કરવા માટે આયુર્વેદિક ઔષધ બેસ્ટ ઓપ્શન છે.
જાણી-અજાણી માહિતી લઈને અમે દરરોજ તમારી સમક્ષ આવીએ છીએ અને અમને વિશ્વાસ છે કે તમને માહિતી પસંદ આવતી હશે. નવીનવી માહિતી જાણવા માટે જોડાયેલા રહેજો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel