પંજાબના સંગરૂર માર્કેટ મેઈન રોડ પર પકોડા ખાવાની મજા એકદમ અલગ છે કારણ કે પંજાબની આ જગ્યાએ જે પકોડા મળે છે એ પકોડા લગભગ આખા ઇન્ડિયામાં મળવા મુશ્કેલ છે. કારણ કે, અહીં બનાવવામાં આવે છે આઈસ્ક્રીમના પકોડા. યસ..યસ..યસ…વી આર સ્યોર. આઈસ્ક્રીમના પકોડા માટે “ઓમ પ્રકાશ પકોડાવાલે”, આ પકોડા ખાવા માટે દૂર-દૂરથી લોકો આ દુકાને આવીને ઉભા રહી જાય છે. ચાલો, આજે તમને પણ આ જગ્યા અને આઈસ્ક્રીમના પકોડા વિશેની માહિતી જણાવીએ. વાંચો વધુ માહિતી આગળ આ લેખમાં..
પતિયાલા ગેટ પાસે આવેલ આ દુકાનમાં લોકોની ભીડ જામે છે, લોકો સ્પેશિયલ અહીં આઈસ્ક્રીમ પકોડાનો ટેસ્ટ લેવા માટે આવે છે. આ પકોડા એટલી હદે ફેમસ થયા છે કે, પંજાબમાં સંગરૂરની પહેચાન બની ગયા છે. ૧૧ વર્ષથી આઈસ્ક્રીમના પકોડા બનાવવાના અનુભવે આ દુકાનદારને પંજાબમાં પ્રખ્યાત કરી દીધા છે. પંજાબમાં ક્યાંય પણ જાવ અને કોઈને પણ પૂછો તો આ દુકાનને ઓળખતા જ હોય. આને કહેવાય અસલી સકસેસ…
બે ભાઈઓની સાહસવૃતિને ખરેખર બિરદાવવા જેવી છે. અશક્ય વાતને શક્યમાં પરિવર્તિત કરનાર આ બ્રધર્સને ઈક સલામ તો બનતી હૈ બોસ. આમ તો સામાન્યપણે આઈસ્ક્રીમને તેલમાં નાખીએ ત્યાં જ ઓગળી જાય પરંતુ આ દુકાનમાં ગરમાગરમ આઈસ્ક્રીમના પકોડા મળે છે. દુકાન ચલાવતા બંને ભાઈઓ કહે છે કે, અમારા પર ભગવાનના આશીર્વાદ છે અને સાથે અમારી કલા પણ છે. આ બંનેના સમન્વયથી આઈસ્ક્રીમના પકોડા બની શકે છે.
દુકાન ચલાવતા યશપાલ કહે છે કે, મને “કુલ્ફી ગરમાગરમ” ઉપરથી આઈસ્ક્રીમના પકોડા બનાવવાનો વિચાર આવ્યો. લોકો મને કહેતા કે, “તું આઈસ્ક્રીમ તો વેહેંચે તો પછી પકોડા બનાવવાનું ચાલું કરી દે.” એ બાદ યશપાલને બહુ વિચાર આવતા કે આઈસ્ક્રીમના પકોડા કેવી રીતે બનાવવા?? અંતે કલા અને ઈશ્વરની પ્રેરણાથી કંઈક નવસર્જન થયું, પરિણામે આજે પંજાબના પતિયાલા ગેટ પાસે આઈસ્ક્રીમના પકોડાએ પંજાબથી લઈને આખા ભારતમાં ખ્યાતી મેળવી છે.
આઈસ્ક્રીમના સ્કૂપને ચણાના લોટમાં રગદોળી અને ડુબાડીને પછી તેને તેલમાં તળવામાં આવે છે. કદાચ આ વાત સાંભળી ત્યારે વિચાર આવે કે, આઈસ્ક્રીમ ઓગળી જતો નહીં હોય!? પણ ‘ના’ – આઈસ્ક્રીમ સહેજ પણ ઓગળ્યા વગર પકોડામાં પરિવર્તિત થઈને લાજવાબ ટેસ્ટ આપે છે.
પકોડાને તેલમાં સરખી રીતે તળ્યા બાદ સ્મોલ બાઉલમાં મિક્ષ ફ્રુટ જામ અને ટોમેટો સોસ સાથે ગ્રાહકને પીરસવામાં આવે છે. આ પકોડાના સ્વાદની લહેજત માણવા માટે પંજાબની ઘણી સેલીબ્રીટીઓ આ દુકાનની મુકાલાત લઇ ચુકી છે, સાથે સામાન્ય પબ્લિકની ભીડ પણ જોવા મળે છે.
હાલ દુકાનધારકના પિતાના સમયમાં શરૂ થયેલ ૫૦ વર્ષ જૂની આ દુકાનને આજે પંજાબમાં બધા ઓળખે છે. આઈસ્ક્રીમના પકોડા ખાવાની જયારે-જયારે ઈચ્છા થાય ત્યારે લોકો અહીં સ્પેશિયલ આવે છે. આ દુકાનના માલિક એવા યશપાલે જણાવ્યું કે, “અહીં આવનારી સેલિબ્રિટી અને સામાન્ય લોકોને પ્રશ્ન થાય કે, આ પકોડા સ્વાસ્થ્ય માટે સારા કે નહીં?
ઘણાને એવો વિચાર આવે છે ઠંડુ અને ગરમ એકસાથે ખાઈએ તો શું થાય? તો આ પ્રશ્નના જવાબમાં તે જણાવે છે કે, આ આઈસ્ક્રીમ પકોડા ખાવાથી કોઈ જ સાઈડ ઈફેક્ટ થતી નથી. એકદમ સારી ક્વોલીટીની વસ્તુ વાપરીને આ પકોડા બનાવવમાં આવ છે, સાથે દુકાન માલિક કહે છે કે, સ્વાસ્થ્યને કાંઈ જ ન થાય એ મારી ગેરેંટી છે.
આ દુકાનની એક ખાસિયત એ પણ છે, કોઇપણ ગ્રાહકને એક જ આઈસ્ક્રીમ પકોડું આપવામાં આવે છે. એ પાછળનું કારણ છે – આ આઈસ્ક્રીમના પકોડા બહુ લીમીટેડ સ્ટોકમાં બનાવવામાં આવે છે; સાથે આ ડીશનો ટેસ્ટ લેવા માટે લોકો ઘણા દૂર અંતરેથી પણ આવે છે. એ વાતને ધ્યાનમાં રાખીને બધાને આ ટેસ્ટ મળી શકે એ ઉદ્દેશથી એક જ આઈસ્ક્રીમ પકોડું આપવામાં આવે છે. યશપાલની જેમ પંજાબમાં ઘણા લોકોએ આઈસ્ક્રીમના પકોડા બનાવવાનો પ્રયત્ન કરી લીધો, પણ કોઈ આજ સુધી આ ડીશ બનાવવામાં સફળ થયું નથી.
લગ્ન-પ્રસંગ અને ખાસ અવસર પર લોકો આઈસ્ક્રીમના પકોડાને વાનગી તરીકે પણ રાખે છે. એ માટે યશપાલ અને તેના ભાઈને બહારના ઓર્ડર પણ મળતા રહે છે. હવે તો ઓનલાઈન ફૂડ માર્કેટ પણ સારી એવી ચાલી રહી છે, ત્યારે ઝોમેટો જેવી એપ્લીકેશનથી પણ આ આઈસ્ક્રીમના પકોડાના ઓર્ડર મળતા રહે છે.
તો આ છે આઈસ્ક્રીમના પકોડા પાછળની કહાની અને એક નવી જ જાણકારી જે ઘણાખરા લોકોને પહેલી વખત જાણવા મળી હશે. આવી જ રોચક માહિતીનો ખજાનો અમે લાવતા રહીશું. બસ તમે ‘ફક્ત ગુજરાતી’ના ફેસબુક પેજને લાઈક કરી લો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel