અમદાવાદનો ઇતિહાસ
અમદાવાદ અત્યારે માત્ર ગુજરાત કે ભારતના નહિ પણ એશિયાના મહત્વના શહેર તરીકે ઉભરી આવેલ છે.વિશ્વના ફલક પર તેની નોંધ લેવાઇ ચુકી છે.”પૂર્વના માન્ચેસ્ટર”નું બિરુદ તેને મળી ચુક્યુ છે એ વાત હવે નવી નથી.હમણાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ તેને દરજ્જો મળી ગયો અને હવે વિશ્વભરના પ્રવાસીઓ તેની તરફ આકર્ષિત થશે એ દેખીતું છે.તદ્દોપરાંત પણ અમદાવાદ અનેક વિશ્વ ફલકીય ઘટનાઓનું સાક્ષી રહ્યું જ છે.આ શહેરનો ઈતિહાસ પણ એટલો જ રોચક છે.જે ખરેખર જાણવાલાયક છે.
લગભગ હજારેક વર્ષથી આ શહેર ઇતિહાસને સાચવીને બેઠું છે.સાબરમતીના નીરમાં ડોકિયા કરીને એ પોતાની વીતેલી યાદોને તાજી કરવા મથામણ કરી રહ્યું છે…!વાત છે ગુજરાત પર સોલંકીઓનું શાસન હતું એ વખતની.સિધ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવ સોલંકીએ સાબરમતીના કિનારે રહેલા આશાવલ [ અથવા આશાપલ્લી ] વિસ્તારના ભીલોને શિકસ્ત આપી હતી.ભીલોનું નેતૃત્વ આશાભીલના હાથમાં હતું.આ હાર પછી કર્ણદેવે આશાવલ અથવા આશાપલ્લીની જગ્યાએ નવી નગરી “કર્ણાવતી”ની સ્થાપના કરી.પણ આ વાત ખોટી છે…! ખરેખર કર્ણદેવે આશાવલથી થોડે દુર સાબરમતીને કિનારે કર્ણાવતીની સ્થાપના કરી હતી.આશાવલ હેમખેમ જ હતી ! ઉલ્ટાનું અમુક ઇતિહાસકારોનું માનવું છે કે, ભીલોને રાજી કરવા કર્ણદેવે આશાવલમાં ભીલોના કુળદેવીનું મંદિર પણ બનાવી આપેલું.
પણ હાલના અમદાવાદ શહેરનો પાયો તો અહેમદશાહે નાખેલો.એ પહેલાંનો થોડો ઇતિહાસ જોઇ લઇએ – ગુજરાતમાં ત્રિભુવનપાલ સોલંકી પછી સોલંકીવંશ અસ્ત પામ્યો અને વાઘેલાવંશનો ઉદય થયો.ઇ.સ.૧૨૯૭માં આ વંશનો અંતિમ રાજા કર્ણદેવ વાઘેલા ગુજરાત પર શાસન કરતો હતો તે સમયે દિલ્હીના શાસક અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર ચડાઇ કરી અને ગુજરાત પરથી રાજપૂત યુગ અસ્ત પામ્યો.દિલ્હીના મુસ્લીમ રાજાઓના સુબાઓ ગુજરાત પર શાસન કરતા,જેમની પ્રાંતીય રાજધાની અણહિલપુર હતી.દિલ્હી પર તુઘલક વંશનુ શાસન આવ્યું ત્યારે ગુજરાતના સુબા મુઝફ્ફરશાહે પોતાને સ્વતંત્ર સમ્રાટ ઘોષિત કર્યો.અને આમ ગુજરાત પર સ્વતંત્ર મુસ્લીમ રાજાઓનું શાસન અર્થાત્ “મુઝફ્ફરવંશ”નું શાસન આવ્યું.
આ વંશનો બીજો રાજા એટલે અહેમદશાહ.તેમણે ગુજરાતની રાજધાની અણહિલપુરને બદલે બીજી કોઇ બનાવવી એવો નિશ્વય કર્યો.સાબરમતીને કિનારે તેણે આ માટેની શોધ આદરી.એક દંતકથા મુજબ એક સ્થળે તેણે સસલાંને કુતરાનો પીછો કરતા જોયું.જેના સંદર્ભમાં એક કહેવત છે કે,”જબ કુત્તે પે સસ્સા આયા,તબ બાદશાહને શહર બસાયા”.અહમદશાહે આ ઠેકાણે નગર બંધાવવાનો નિર્ણય કર્યો.અલબત્ત,દંતકથા જે હોય તે પણ ૨૬ ફેબ્રુઆરી,૧૪૧૧ના રોજ માણેકબુર્જ પાસે અહેમદશાહે શહેરનો પાયો નાંખ્યો.શહેરનું નામ પોતાના નામ પરથી “અહેમદાબાદ” રાખ્યું જે “અમદાવાદ” તરીકે ઓળખાયું.આમ,ગુજરાતની મુખ્ય ગતિવીધીઓ હવે સરસ્વતીને બદલે સાબરમતીને કિનારે થવા લાગી.અહેમદશાહે “ભદ્રના કિલ્લા” સહિતના અમુક બાંધકામો કરાવેલા,જે આજે પણ શહેરમાં જોવા મળે છે.
અહેમદશાહ પછી મહંમદ બેગડો ગુજરાતનો સુલતાન બન્યો.ઇ.સ.૧૪૮૭માં તેમણે શહેરની ફરતે કિલ્લો બંધાવવાનો નિશ્વય કર્યો.કિલ્લામાં ૧૨ દરવાજા અને પાંચ ખુણા આકારના ૧૮૯ પંચકોણીય બુરજાનો સમાવેશ થતો હતો.કિલ્લો ૧૦ કિ.મી.ની પરિમીતી ધરાવતો હતો.અમુક ખ્યાલ આપે છે કે,કોટમાં સોળ દરવાજા હતાં
ઇ.સ.૧૫૫૩માં હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું.તેણે ગુજરાત જીત્યું.અમદાવાદ કબજે કર્યું.સુલ્તાન બહાદુરશાહ ભાગીને દિવ જઇ પેઠો.થોડા વખત પછી ફરીવાર મુઝફ્ફવંશનું શાસન ઍવી ગયું.એ પછી ઇ.સ.૧૫૭૨માં અકબરે ગુજરાત ચડાઇ કરી.મુઝફ્ફરવંશનો અંતિમ બાદશાહ મુઝફ્ફરશાહ બીજો ભાગીને હાલારના જામને આશરે પહોંચ્યો.જ્યાં એક મુસ્લીમ બાદશાહના રક્ષણને ખાતર અજાજી જાડેજા સહિતના રાજપૂતોએ અકબર સૈન્ય સામે ભયાનક યુધ્ધ કર્યું.મુઝફ્ફરવંશની સત્તા સમાપ્ત થઇ અને અકબરે ગુજરાત પર કબજો કર્યો.
લાંબા સમય સુધી મુઘલવંશનું અમદાવાદ પર શાસન રહ્યું.આ સમયમાં અમદાવાદ વેપાર ઉદ્યોગ વડે ધમધમ્યું.શાહજહાંએ અહિં ઘણો સમય વિતાવેલો.તેમણે શાહિબાગ બંધાવેલો,જેમાં નિર્મિત મોતીમહેલમાં તે રહેતો.ઇ.સ.૧૭૫૮માં અમદાવાદ મરાઠા રાજવીઓના કબજામાં આવ્યું.એ સમયમાં પુણાના પેશ્વા અને વડોદરાના ગાયકવાડના સંઘર્ષનું સાક્ષી અમદાવાદ બન્યું.એ પછી અમદાવાદ પર અંગ્રેજોનું શાસન આવ્યું.આઝાદીની ચળવળનું તે મહત્વનું સ્થળ બન્યું.ઇ.સ.૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ને કોચરબ આશ્રમ સ્થાપ્યો.એ પછી સાબરમતી આશ્રમની સ્થાપના થઇ.ગાંધીજી ઉપરાંત આંબેડકર જેવા મહાનુભાવોએ પણ અમદાવાદની મુલાકાત લીધેલી.
આઝાદી પછી સને ૧૯૬૦ અને ૧લી મેના રોજ ગુજરાત રાજ્યનો પરમ પૂજ્ય આદરણીય શ્રીરવિશંકર મહારાજના હસ્તે પાયો નખાયો અને અમદાવાદ ગુજરાતની પ્રથમ રાજધાની બન્યું.એ પછી ૧૯૭૧માં બધી રાજકીય ગતિવિધીઓ ગાંધીનગરમાં થવા લાગી.
આજે ભલે પાટનગર ના હોવા છતાં અમદાવાદની મહત્તા ગુજરાતમાં ગાંધીનગર કરતાં વધારે ગણી શકાય.કારણ કે,અમદાવાદ એક પ્રકારની જનસત્તાની તાકાત ધરાવે છે જેના પ્રત્યાઘાતો ગાંધીનગરમાં પડે છે…!ખેર,આ રીતે નહિ પણ અમદાવાદને આજે પણ ઇતિહાસ અને સ્થાપત્યોની નજરે બહુ સારી રીતે જોઇ શકાય એમ છે.
અમદાવાદમાં રહેલા વર્ષો પુરાણા અનેક સ્થાપત્યો તેની વિરાસતને દેખીતી કરે છે.અહિં હિંદુ,મુસ્લીમ અને બીજા અનેક ધર્મના સ્થાપત્યો છે,તો અમુક બે-ત્રણ સંસ્કૃતિના મિશ્રણ સહિતના પણ છે.કલાને ધર્મ બંધન નડતા નથી ! આજે અમદાવાદ અનેક ધરોહરરૂપી જુના સ્થાપત્યો ધરાવે છે અને હેરિટેજ સાઇટનો દરજ્જો પણ…!ખાસ કરીને જોવાલાયક છે અમદાવાદની પુરાણી પોળો અર્થાત્ શેરીઓ.જે ખરેખર વખાણવા લાયક છે.
આજે અમદાવાદ ગુજરાતની આગવી ઓળખ છે એ વાત નિ:સંદેહ છે…!
Image Source : Google
– Kaushal Barad