ભારત દેશમાં લાખો મંદિરો આવેલા છે. તેમાંના ઘણાં મંદિર પ્રાચીન છે તો કેટલાક અર્વાચીન પણ છે. પ્રાચીન સમયમાં મંદિરો અત્યંત કલાત્મક શૈલીથી બનાવવામાં આવતા. આ મંદિરોનાં નિર્માણ વખતે વાસ્તુશાસ્ત્રનો ખાસ ખ્યાલ રાખવામાં આવતો. એ પુરાણ સમયનાં શિલ્પ અને સ્થાપત્ય કલાના બેજોડ નમૂના છે. એ બધામાંથી કેટલાક પૌરાણિક મંદિરો સાથે કેટલાક રહસ્યો જોડાયેલા છે. જેમનો ઉકેલ આજ સુધી કોઈ દ્વારા મેળવી શકાયો નથી. આવા જ કેટલાં રહસ્યમય મંદિરો સ્થાપત્યોની આપણે ચર્ચા કરીશું…
૧. પદ્વનાભસ્વામી મંદિર
કેરળના તીરૂવંતપુરમમાં આવેલું આ વિષ્ણુ મંદિર વૈષ્ણવ સમુદાયનું એક પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે. કહેવાય છે કે વિષ્ણુ ભગવાનની સૌ પ્રથમ મૂર્તિ અહીંથી જ પ્રાપ્ત થઇ હતી. આ મંદિરની દેખભાળ ત્રાવણકોરનો રાજપરિવાર કરે છે.
આ મંદિર અત્યારે આંતરરાષ્ટ્રીય ચર્ચાઓનો વિષય બની ચુક્યું છે. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ તેમનાં ખજાના સાચવવા માટે તેહ્ખાનાઓ બનાવતા અને આ તેહ્ખાનાઓ ઉપર મંદિરોનું નિર્માણ કરતાં. પદ્વનાભસ્વામી મંદિરમાં પણ આવા તેહ્ખાના મળી આવ્યા છે. આ મંદિરમાં કુલ છ રહસ્યમય તેહ્ખાનાઓ છે. ટી.પી. સુંદરાજને આ તેહ્ખાના ખોલવા માટે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી.
૨૦૧૧માં સુપ્રીમ કોર્ટના આદેશથી આ તેહ્ખાનાઓ ખોલવામાં આવ્યા હતાં. જેમાં ૫ તેહ્ખાનાઓ ખોલી શકાયા. કુલ મળીને ૧ લાખ કરોડ કે તેથી વધુનો ખજાનો પ્રાપ્ત થયો. પરંતુ છઠ્ઠો દરવાજો અનેક પ્રયત્નો પછી પણ ન ખોલી શકાયો. તથા એ સમય દરમિયાન થોડા જ સમયમાં સુંદરાજનું અવસાન થયું. આ પછી મંદિરનાં છેલ્લાં તેહ્ખાના ખોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.
૨. જગન્નાથ મંદિર
ઓડિશામાં આવેલું ભગવાન “જગન્નાથ મંદિર”. ભગવાન કૃષ્ણ અને સુભદ્રાનું આ મંદિર ચાર ધામોમાં એક ગણાય છે. અહીં દર વર્ષે જુન-જુલાઈમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે. જગન્નાથપુરી મંદિરનું નિર્માણ ૭ મી સદીમાં થયું હતું. ગંગ વંશનાં રાજા અનંતવર્માએ આ નિર્માણ કરાવ્યું હતું.
આ મંદિર સાથે અનોખા રહસ્યો જોડાયેલ છે. આ મંદિર ઉપરનો ધ્વજ હંમેશા વિરુદ્ધ દિશામાં લહેરાય છે. જગન્નાથ મંદિરનાં શિખર પરનું સુદર્શન ચક્ર કોઈ પણ જગ્યાએથી જોતા સીધું જ દેખાય છે. આ મંદિરના ગુંબજની આસપાસ આજ સુધી કોઈ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી.
આ મંદિરની ઉપરથી વિમાન ઉડાડવાની મનાય છે. આ મંદિર ૪ લાખ વર્ગફૂટમાં ફેલાયેલું છે. તથા તેના ગુંબજનો છાયો હંમેશા અદ્રશ્ય રહે છે. મંદિરની અંદર પ્રવેશ કરતાં સમુદ્રની ધ્વની નથી સંભળાતી પરંતુ મંદિરની બહાર પગ મુકતા જ સાંભળવા લાગે છે. છે ને ચમત્કારિક મંદિર!!!
૩. કામાખ્યા મંદિર
આસામના ગુવાહાટીથી ૮ કિમી દુર કામાગીરી પર્વત આવેલું છે. ત્યાનું કામાખ્યા મંદિર અત્યંત રહસ્યમય છે. તેને અલૌકીક શક્તિઓ અને તંત્ર સિદ્ધિનું પ્રમુખ સ્થળ મનાય છે. આ મંદિર ૫૧ શક્તિપીઠોમાનું એક છે.
આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી. પરંતુ અહીં માતા સતીનાં યોનિ ભાગની પૂજા કરવામાં આવે છે. ચોક્કસ સમયે બ્રમ્હપુત્ર નદીનું પાણી ત્રણ દિવસ માટે લાલ થઇ જાય છે. અહીંની એવી માન્યતા છે કે, આ પાણી માતાના માસિક ધર્મનાં કારણે લાલ થાય છે. આ જગ્યાને તંત્ર સાધના માટેનું મહત્વપૂર્ણ સ્થાન ગણવામાં આવે છે. કામાખ્યાનાં તાંત્રિકો જાદુ કલાના જાણકાર હોય છે.
૪. શનિ મંદિર
મહારાષ્ટ્રનાં શનિ શિંગલાપુર સ્થિત શનિદેવનું એક અલગ રહસ્ય છે. આ ગામમાં કોઈ પણ ઘરમાં દરવાજા નથી. અહીં કાળા રંગનો પથ્થર પ્રતિમા તરીકે પૂજાય છે. આ પથ્થર સાથે એક કથા જોડાયેલ છે. આ પ્રતિમા એક ગાડરિયાને મળી હતી. શનિદેવનાં આદેશથી આ પ્રતિમા ખુલ્લામાં મુકવામાં આવી.
ત્યાર બાદ તેના પર તેલ ચડાવવામાં આવ્યું. આ પાષણ પ્રતિમા સંગેમરમરના ચબુતરા પર તડકામાં જ બિરાજમાન છે. અહીં કોઈ પણ ઘરમાં દરવાજા નથી છતાં કોઈ ઘરમાં ચોરી થતી નથી. અહીં દુનિયાનું એક માત્ર એવું બેંક છે કે જ્યાં તાળું નથી.
૫. જ્વાળામુખી મંદિર
હિમાચલ પ્રદેશમાં આવેલ આ મંદિર શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે. આ મંદિરની ખોજ પાંડવો દ્વારા થઇ હતી. આ સ્થળ પર માતા સતીની જીભ પડી હતી. આ મંદિરમાં માતાના દર્શન – ‘જ્યોતિ’નાં સ્વરૂપમાં થાય છે.
આ મંદિરનું પ્રાથમિક નિર્માણ રાજા ભૂમિચંદે કરાવ્યું હતું. ત્યાર બાદ રાજા સંસાર ચંદે ૧૮૩૫માં તેનું સંપૂર્ણ નિર્માણ કરાવ્યું. આ મંદિરના ભૂગર્ભમાંથી નીકળતી નવ જવાળાઓની પૂજા થાય છે. આ મંદિરમાં નવ અલગ અલગ જગ્યાએથી જવાળા નીકળે છે. જેનાં ઉપર મંદિર બનાવી દેવાયું છે.
આ નવ જ્યોતીઓને મહાકાલી, અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યા – વાસીની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજીદેવી નામથી ઓળખાય છે. આ જ્યોતીઓનું રહસ્ય આજ સુધી કોઈપણ પ્રકારે જાણી શકાયું નથી.
આપણા આખા ભારતની આવી પાવન ધરતી બહુમુલ્ય ખજાનો છે. એ પૌરાણિક મંદિરની સંસ્કૃતિમાં ભારત બધા દેશોથી અગ્રેસર છે અને આવનારા હજારો વર્ષોમાં રહેશે જ…
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.