ડો. શિવ દર્શન મલિકે દેશી ગાયના છાણમાંથી એક વૈદિક ઘર બનાવ્યું છે. ગાયના છાણમાંથી બનેલી ઈંટો અને વૈદિક પ્લાસ્ટિકના ઉપયોગથી બનેલું આ ઘર ઉનાળામાં ઠંડુ તો રહે જ છે, સાથે જ આ ઘરની અંદર ની હવા પણ શુદ્ધ રહે છે.
આજે દરેક ઇકોફ્રેન્ડલી અને ટકાઉ ઘર બનાવવા માંગે છે. એક એવું ઘર, જે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણને અનુકૂળ અને આર્થિક પણ હોય. બીજા અર્થમાં કહીએ તો, ઘર એવું કે તે દુનિયાના કોઇપણ સ્થળે સ્થિત હોય પરંતુ ગામડાના ઘર જેવી લાગણી આપતું હોય. તે માટીની મીઠી મીઠી સુગંધ અને એજ ઠંડી હવા. શહેરોમાં કદાચ જગ્યા અને પ્રાકૃતિક સંસાધનોની ઉણપને કારણે આવું ઘર બનાવવું કદાચ મુશ્કેલ હોય, પરંતુ ગામડાઓમાં આજે પણ ઘણા લોકો સિમેન્ટના નહીં પરંતુ માટીના ઘરો માં રહે છે. આ ઘરોને ગાયના છાણથી રંગવામાં આવે છે, જેથી ઘર ઠંડુ રહે અને નુકસાનકારક કીટાણુઓ અને જીવાણુઓ પણ રહે નહી. ગામડાઓની આ વર્ષો જૂની તકનીકથી પ્રેરણા લઇ, રોહતક (હરિયાણા)ના 53 વર્ષીય ડો. શિવ દર્શન મલિકે ગાયના છાણનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી વૈદિક પ્લાસ્ટરની શોધ કરી છે. વૈદિક પ્લાસ્ટર ની શોધ માટે, ડો. મલિક ને 2019 માં રાષ્ટ્રપતિ દ્વારા “હરિયાણા કૃષિ રત્ન” પુરસ્કાર પણ મળ્યો છે.
ડો.મલિક મૂળ રોહતકના મદીના ગામના વતની છે. ગામના હોવાને કારણે તેઓ હંમેશાં ખેતી, ગૌશાળા, પશુપાલન વગેરે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. તેમનું પ્રારંભિક શિક્ષણ હિસારના કુંભા ખેડા ગામના ગુરુકુળમાં થયું હતું. તેમણે કેમિસ્ટ્રીમાં પીએચડી ની ડિગ્રી મેળવી છે.
પીએચડી કર્યા પછી, તેમણે થોડા સમય સુધી કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે કામ પણ કર્યું. જોકે, તેઓ પોતાના કામથી ખુશ ન હતા. તેઓ હંમેશા નવીનીકરણીય ઊર્જા, ટકાઉપણું અને પર્યાવરણ ક્ષેત્રે કંઈક કરવા ઇચ્છતા હતા. તેમણે વર્ષ 2000 મા IIT દિલ્હી સાથે મળીને, ગૌશાળા માંથી નીકળતા કચરા અને કૃષિ કચરા માંથી ઉર્જા મેળવવાના પ્રોજેક્ટ પર કામ કર્યું હતું.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે,”જો કે હું એક ખેડૂત પરિવારનો છું, તેથી હું હંમેશાં ગામમાં ઉપલબ્ધ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માંગતો હતો. હું હંમેશા વિચારતો હતો કે ગાયનું છાણ અને ખેતરોમાં પડેલી નકામી વસ્તુઓને કઈ રીતે ઉપયોગમાં લેવી. હું આ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો હતો તે દરમિયાન મને IIT દિલ્હી સાથે મળીને ‘વેસ્ટ ટુ વેલ્થ’ પ્રોજેક્ટ પર કામ કરવાનો મોકો મળ્યો.
તેમણે 2004માં વર્લ્ડ બેંક અને 2005મા UNDP સાથે પણ નવીનીકરણીય ઊર્જાના એક એક પ્રોજેક્ટ પર કામ કર્યું છે.
વૈદિક પ્લાસ્ટરની શરૂઆત:
ડો. મલિકે જણાવ્યું કે તે આ બંને પ્રોજેક્ટ દરમિયાન અમેરિકા, ઇંગ્લેન્ડ, ઈરાક સહિત ઘણા બીજા દેશોમાં જતા રહેતા હતા. તેમણે અમેરિકામાં એક વાર જોયું કે લોકો, શણના પાંદડાઓમાં ચુનો ભેળવીને હેમક્રીટ બનાવે છે અને તેના દ્વારા ઘર તૈયાર કરે છે. ત્યાંથી તેને વિચાર આવ્યો કે તે પણ ગાયના છાણનો ઉપયોગ કરીને પ્લાસ્ટર બનાવી શકે છે.
તેમણે જણાવ્યું કે,”હું બાળપણથી ગામડામાં જોતો હતો કે લોકો છાણથી પોતાના ઘરને રંગાતા હતા. તેનાથી થતા ફાયદા વિશે મે સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે છાણનો ઉપયોગ કરવાથી, ઘરની દીવાલો પ્રાકૃતિક રૂપે થર્મલ ઇન્સ્યુલેટેડ થઈ જાય છે. જેનાથી આ ઘરો ઉનાળામાં વધારે ગરમ થતા નથી અને શિયાળામાં વધારે ઠંડા થતા નથી.”પરંતુ આજે જ્યારે ગામડાઓમાં પણ પાકા મકાનો બનવા લાગ્યા છે, ત્યારે તેમને પાકા મકાનોને પણ કાચા મકાનો જેવા ઠંડા બનાવવાનો સરળ ઉપાય શોધી કાઢ્યો છે.
ગાયના છાણથી ઘરોને રંગવાના ખ્યાલને સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટે, તેમણે 2005માં વૈદિક પ્લાસ્ટર બનાવ્યું. ડો. મલિકે દેશી ગાયના છાણમા જિપ્સમ, ,ગ્વારગમ, ચીકણી માટી, ચૂનો પાવડર વગેરે ભેળવીને વૈદિક પ્લાસ્ટર તૈયાર કર્યું. આ પ્લાસ્ટર કોઈપણ દિવાલ પર સરળતાથી લગાવી શકાય છે.
તેઓ કહે છે કે,”આ પ્લાસ્ટર કોઈપણ સામાન્ય પ્લાસ્ટર જેવું જ મજબૂત હોય છે અને વર્ષો સુધી ચાલે છે. પ્લાસ્ટર માં રહેલું ગાયનું છાણ, નકારાત્મક આયર્ન ની માત્રા પણ વધારે છે, જે સ્વાસ્થ્ય માટે સારું છે.”
ઇકો ફ્રેન્ડલી ઘર:
ડો. મલિક કહે છે કે,”ગૌશાળામાં કેટલાય ટન છાણ ભેગુ થાય છે. હું હંમેશા વિચારતો રહું છું કે કઈ રીતે છાણનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે.”વર્ષ 2018 માં, તેમણે ગૌશાળા ની સ્થિતિ સુધારવા અને ટકાઉ ઘર બનાવવાના હેતુથી, છાણની ઇટો બનાવવાનું ચાલુ કર્યું. તેમનો આ પ્રયોગ ખુબ સફળ રહ્યો. છાણની ઈંટો બનાવવા માં ઊર્જાની બિલકુલ પણજરૂર પડતી નથી. હેમક્રેટ અને કોંક્રિટની તર્જ પર, તેણે ગોક્રેટ બનાવ્યો. મહારાષ્ટ્રના રત્નાગિરિમાં, ઝારખંડના ચકુલિયામા અને રાજસ્થાનના બિકાનેરમાં, ડો. મલિકની મદદથી ગોક્રેટનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં એક-એક ઓરડો બનાવવામાં આવ્યો છે.
ઝારખંડના ચકુલિયામાં આવેલી “ધ્યાન ફાઉન્ડેશન”ની ગૌશાળામાં છેલ્લા દોઢ વર્ષથી નંદી બળદની સેવામાં રોકાયેલા ડો. શાલિની મિશ્રા જણાવે છે કે, “અમારી ગૌશાળામાં નવ હજાર નંદી બળદો છે, તેથી છાણ પણ વધારે માત્રામાં હોય છે. છાણનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે, મેં ડો. મલિક પાસેથી ગોક્રેટ બનાવતા શીખ્યું. ત્યાર પછી, મે અમારી ગૌશાળામાં એક ઓરડો પણ બનાવ્યો.” તેણીએ જણાવ્યું કે ગોક્રેટથી બનેલો ઓરડો હંમેશાં ઠંડો રહે છે અને તે બીજા ઓરડાઓની જેમ મજબૂત હોય છે.
ડો. મલિક જણાવે છે કે હાથથી બનેલી એક આશરે વજન 1.78 કિલો સુધી હોય છે, તેમજ તેને બનાવવા માટે પ્રતિ ઈંટ ચાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે.
વૈદિક પદ્ધતિ અપનાવીને લાખોમાં કમાણી:
બીકાનેર સ્થિત તેમની ફેક્ટરીમાં વાર્ષિક પાંચ હજાર ટન વૈદિક પ્લાસ્ટર બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશભરમાં તેની 15 થી વધુ ડીલરો છે. ગયા વર્ષે, તેને ફક્ત વૈદિક પ્લાસ્ટરથી 10 લાખ રૂપિયાનો નફો મળ્યો હતો. તે ખુશીથી જણાવે છે કે અત્યાર સુધી હજારો મકાનોમાં વૈદિક પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે. હાલમાં તે ઈંટનો વ્યવસાય નહિ, પરંતુ લોકોને ઇંટો બનાવવાની તાલીમ આપી રહ્યો છે. તેમણે 2018 થી અત્યાર સુધી લગભગ 100 લોકોને છાણની ઇંટો બનાવવા માટે તાલીમ આપી છે, જેમાં ખેડૂત, ગૌશાળા સાથે સંકળાયેલા લોકો અને કેટલાક આર્કિટેક્ટનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં 100 થી વધુ લોકોએ તાલીમ માટે નોંધણી કરાવી છે, પરંતુ કોરોનાને કારણે, તાલીમ કાર્યક્રમ હજુ બંધ છે.
અંતે તે કહે છે કે, “પ્રાકૃતિક વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને આપણે ગામના અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે સાથે, ઘણા હદ સુધી કાર્બન એમિશન અથવા કાર્બન ઉત્સર્જનને પણ ઘટાડી શકીએ છીએ.”
તમે ડો. મલિક અને તેના ઉત્પાદનો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે તેમનું ફેસબુક પેજ જોઈ શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team