ગુજરાત બધી બાબતોમાં વિવિધતા ધરાવે છે અને એ પણ એકદમ અલગ! પરંપરાગત સંસ્કૃતિ ગુજરાતને ગળથૂથીમાંથી મળી છે. એ પોશાકની હોય, ઉત્સવની હોય કે ખોરાકની હોય. ગુજરાતના એવા ઘણા પ્રદેશો કે શહેરો છે જે ઘણીવાર તેની ફેમસ વાનગી વડે ઓળખાય છે. અદ્ભુત ઓળખ છે હોં આ!
અહીં એવી જ એક વાનગી વિશે અમે વાત કરવાના છીએ. એ છે – ડાકોરના ગોટા! કાયમના ચીલાચાલુ ભોજનથી કંટાળ્યા હો અને કંઇક નવું ટેસ્ટ કરવા માંગતા હો તો ડાકોરના ગોટા એમાં બેસ્ટ છે. કંઇ નહી તો તમારો નાસ્તો તો અફલાતૂન બનાવી દેશે આ ગોટા!
ડાકોર જેમ રણછોડરાય માટે ફેમસ છે તેમ તેના લિજ્જદાર ગોટા માટે પણ પ્રખ્યાત છે. જો કે, આજે તો ડાકોરના ગોટા સુપરહિટ નીવડેલ આઇટમ છે અને બધે જ બનાવવામાં આવે છે. ટેસ્ટમાં બેસ્ટ, પચવામાં હલકા અને નાસ્તા માટે કોઇ બેસ્ટ ઓપશન હોય તો એ ડાકોરના ગોટા જ છે. આજે પણ લોકો મોળા દહીં સાથે ગોટા ખાવા પડાપડી કરતા જોવા મળે છે. વળી, ચાની ચુસ્કી સાથે ચટણી સાથે પણ ગોટા આરોગવાની મજા કંઇક ઔર છે.
માત્ર થોડીવારમાં ડાકોરના ગોટા તમે ઘેર પણ બનાવી શકો છો. એના માટે ખાસ કોઇ પ્રોસેસ કરવાની જરૂર નથી. અહીઁ તમને જણાવી રહ્યાં છીએ ડાકોરના ગોટાની આસાન રેસીપી :
આવશ્યક વસ્તુઓ –
- ૨ કપ જેટલો બેસનનો લોટ
- ૧/૨ ટેબલસ્પૂન મીઠું
- ૧ કપ સુજી
- ૨ ટીસ્પૂન મરચાનો પાવડર
- ૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ
- ૧ ચમચી લીલાં મરચાને કચડીને તેની પેસ્ટ
- ૨ ટીસ્પૂન વરિયાળી
- ૧ ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર
- ૨ ટીસ્પૂન તલ
- ૧ ચમચી હળદર
- ૨ ચમચી લીંબુનો રસ
- ૧ ૧/૨ (અથવા ઓછા પ્રમાણ માપમાં) તેલ
- ૨ ચમચી મરીનો પાવડર
- ૨ ચમચી આખા ધાણા
- ૪ ચમચી કોથમીર
- તેમજ જરૂરિયાત પ્રમાણે ખાંડ
- તળવા માટે ૧૮૦ ગ્રામ જેટલું શુધ્ધ તેલ
કેવી રીતે બનાવશો ડાકોરના ગોટા –
સ્ટેપ ૧ :
લીલાં ધાણાને પહેલાં તો સારી રીતે સુધારી લો. એના પાંદડાને સ્વચ્છ કાપડ નીચે રાખીને સરખી રીતે, નાના-નાના કટ કરો. તૈયાર થયેલ કોથમીરના આ કટકાને એક બાજુ પર રાખી દો. આગળ જરૂર પડે ત્યારે ઉપયોગ કરવા માટે.
સ્ટેપ : ૨
હવે હાજર રહેલી બધી ચીજવસ્તુઓ પાસે રાખો. એક બાઉલમાં આ બધાનું એકદમ સારી રીતે મિશ્રણ કરો. જરૂર પડે એમ પાણી નાખતા જાઓ. જેવી રીતે ભજીયાં માટે ‘ખીરું’ તૈયાર થાય છે એમ જ. લોટ પ્રથમથી જ થોડો કરકરો હોવો જરૂરી છે. ખીરું સારી રીતે બનાવો.પ્રમાણ માપમાં એનું બંધારણ તૈયાર થાય અટલે લગભગ ૨૦ મિનિટ સુધી રાખી મુકો.
સ્ટેપ : ૩
હવે સ્ટવ પર કડાઇમાં તેલ લો. હળવી જ્યોતે તેને ઉકાળો. મધ્યમથી થોડું વધારે ઉકળી ગયાં બાદ ખીરાનું બાઉલ પાસે રાખી અને મધ્યમ કદના ગોટાં તૈયાર કરીને તેલમાં નાખતા જાઓ. સારી રીતે ઉકળી જાય તેની પરખ હોવી જરૂરી હોય છે.
સ્ટેપ : ૪
ગોટા સારી રીતે તેલમાં તળાય જાય તે જોવું રહ્યું. નીરીક્ષણ કરી લો કે તે પીળાશ ત્યજીને લાલાશ પકડતાં થઇ ચુક્યા છે. જો એમ હોય તો હવે તેને બહાર કાઢી લો.
ગોટાં પરનું વધારાનું તેલ સાફ કરવા માટે તમે તેને ટીશ્યૂ પેપર પર રાખી શકો છો. જેથી વધારાના તેલનું શોષણ થાય.
તો હવે રાહ શેની જુઓ છો? તૈયાર થઇ ગયાં છે ગુજરાતીઓના અને હવે દેશ-વિદેશીઓના ફેવરીટ ડાકોરના ગોટા! તમને ગમતી ચટણી બનાવી તેની સર્વ કરો અને ડાકોરના ઠાકોરનું નામ લઇને આરોગવા માંડો!
સાથે સાથે આર્ટીકલ ગમ્યો હોય તો આગળ પણ શેર કરજો. કો’કના પેટનો ખાડો પુરાશે તો પુણ્ય મળશે…!!!
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.