ગુજરાત ચમક્યું!! મહિસાગર જીલ્લામાં બન્યું દેશનું સૌથી મોટું ડાયનાસોર મ્યુઝીયમ પાર્ક

ગુજરાત એટલે જિંદગીના દરેક કલરથી ભરેલા માનવોનું રાજ્ય. એમ, માત્ર મનુષ્ય જ નહીં પણ કરોડો વર્ષો પહેલા ગુજરાત, ડાયનાસોર માટે પણ હોટ ફેવરીટ હતું. મહિસાગર જીલ્લામાં ડાયનાસોરના ઇંડા મળ્યા હતા અને હવે ત્યાં દેશનું સૌથી મોટું મ્યુઝીયમ બનાવવામાં આવ્યું. આ લેખમાં વાંચો આ વિશેની તમામ માહિતી..

સમય જેમ વીતતો જાય એમ એ સમય ‘ભૂતકાળ’ બનતો જાય. એમ, એ ભૂતકાળને ફરીથી માણવો હોય તો આપણે ફરજીયાત કોઈ મ્યુઝીયમની મુલાકાત લેવી પડે. કારણ કે, ત્યાં જૂના સમયની વસ્તુયાદી સ્ટોર કરીને રાખવામાં આવી હોય છે. ઘણા એવા મ્યુઝીયમ છે, જે તેની ભવ્યતાને લીધે જાણીતા છે. અમુક એવા મ્યુઝીયમ પણ છે કે, તેમાં બહુ મોંઘી એવી વસ્તુઓને ‘શો’ માટે રાખવામાં આવી હોય છે. એવી રીતે હવે મ્યુઝીયમની યાદીમાં “ગુજરાત” પણ બધાને યાદ રહી જશે.

ભારત દેશનું પ્રથમ નંબર પરનું અને વિશ્વનું ત્રીજા નંબરનું મોટું મ્યુઝીયમ ગુજરાતમાં બનાવવામાં આવ્યું. ૮ જુન ૨૦૧૯ના દિવસે જાહેર જનતા માટે આ મ્યુઝીયમને ઓપન કરવામાં આવ્યું. ૧૨૮ એકર જમીન વિસ્તાર ઉપર બનેલું આ ભવ્ય મ્યુઝીયમ ગુજરાતના મહિસાગર જીલ્લામાં આવેલ રૈયોલી ગામમાં બનાવવમાં આવ્યું છે. અહીં મ્યુઝીયમ બનાવવા માટેનું એક કારણ એ પણ હતું કે, પહેલાના સમયમાં – એટલે કે રૈયોલી ગામમાં પહેલા ડાયનાસોરની સાત પ્રજાતિ રહેતી હતી. પરીક્ષણકર્તાઓ આ વાતનો દાવો કરે છે; આ કારણે મ્યુઝીયમમાં ડાયનાસોરના જીવન સંબંધિત જાણકારી દર્શાવવામાં આવી છે.

એટલું જ નહીં, આ મ્યુઝીયમમાં ૧૦ પ્રકારની આધુનિક ગેલેરી બનાવવમાં આવી છે, જેમાં ડાયનાસોરની રહેવાની રીતભાત, ખાન-પાન અને તેના જીવનને લગતી મોટાભાગની જાણકારી મળી રહે એવી ગોઠવણ કરવામાં આવી છે. મ્યુઝીયમના ટાઈમ મશીનમાં દુનિયા અને ગુજરાતના અલગ-અલગ ડાયનાસોરના અવશેષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિડીયો દ્વારા ડાયનાસોરની દુનિયાને નજીકથી માણવા માટે ૫-ડી અને ૩-ડી ફિલ્મ શો પણ બતાવવમાં આવે છે, જેમાં આપણે ખુદ ડાયનાસોરની વાસ્તવિક દુનિયામાં જીવતા હોય એવો અનુભવ થાય છે. એ સાથે તમને મ્યુઝીયમ પાર્કનો સમય પણ જણાવી દઈએ તો સવારના ૯ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી આ પાર્ક ખુલ્લું રહે છે.

અહીં આપેલા ફોટોસ જોઇને અંદાજ લગાવી શકશો કે આ મ્યુઝીયમ વિશાળ જગ્યામાં બન્યું છે. સાથે અહીં ડાયનાસોરની વિશાળ પ્રતિમાઓ રાખવામાં આવી છે, જે સાબિત કરે છે કે, ગુજરાતમાં અગાઉ ડાયનાસોરની વસવાટ ભૂમિ હતી. ગુજરાતના દરેક લોકોએ એકવાર તો આ મ્યુઝીયમની મુલાકાત લેવા જવું જ જોઈએ, કારણ કે માત્ર આપણે ‘મનુષ્ય’ જ નહીં, પણ ડાયનાસોરની દુનિયાનું કનેક્શન ગુજરાત સાથે રહ્યું છે એ વાત આ મ્યુઝીયમ અને વિશેષજ્ઞના મત મુજબ પુરવાર થઇ છે. આ વાતને વધુ ઊંડાણમાં સમજીએ તો આજથી આશરે ૩૬ વર્ષ પહેલા ૧૦ હજાર જેટલા ડાયનાસોરના ઇંડાઓના અવશેષો મળી આવ્યા હતા. એ અવશેષો મળ્યા એ જગ્યા પણ રૈયોલી ગામ જ હતું. આ દુનિયામાં સૌથી મોટી ત્રીજા ક્રમાંક પર ડાયનાસોરની વસતી ગુજરાતમાં હતી એ વાતને ચોક્કસ સ્થાન મળ્યું છે.

૬.૫ કરોડ વર્ષ પહેલાની ઐતિહાસિક માહિતીને બધા સામે પ્રદર્શનરૂપે મુકીને ગુજરાતે એક નવો ઈતિહાસ સર્જ્યો છે. આવનારા સમયમાં દેશ-દુનિયાના ખૂણેખૂણેથી પર્યટકો અહીં મુલાકાત માટે આવશે. તમારી પાસે જયારે પણ સમય હોય ત્યારે અચૂક આ મ્યુઝીયમની મુલાકાત લેવા જજો.

આવી જ રોચક માહિતી જાણવાના શોખીન હોય તો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં. અહીં અમે દરરોજ નવી માહિતીઓનો ખજાનો લાવતા રહીએ છીએ; જે તમને જાણકાર બનાવશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment