ટિફિન માટે બેસ્ટ ઓપશન છે આ પ્રકારની વાનગીઓ

ટિફિન એ આપણા જીવનનો એક મોટો ભાગ છે. એમ તો નહીં કંઈ લંચ બોક્ષ જેવી ફિલ્મ બની ગઈ હોય! રોજ-રોજ ટિફિનમાં શું આપવું? આ પ્રશ્ન દરેક ગૃહિણીને થતો હોય છે. પાછું ટિફિનમાં રોજ-રોજ શાક-રોટલી પણ ન અપાય. એમાંય વળી ભૂલથી પણ રસાવાળું શાક આપ્યું અને બેગડી તો તો, કામ વધી જાય. તમારા આવા જ બધા પ્રશ્નોના જવાબ સ્વરૂપે આજે અમે એવી 10 વાનગીની રેસિપી લઈને આવીઆ છીએ, જે બનાવી તો સરળ જ છે. સાથે-સાથે બેગ પણ નહીં બગડે. અને હા સ્વાદિષ્ટ તો ખરી જ. એટલે ટિફિન લઈ જનારા સાંજે જ્યારે પાછા આવશે ત્યારે ચોક્કસથી તમારા વખાણ કરશે. બસ તો આજથી જ અમલમાં મૂકો આ ટિફિન મેનુ.

પનીરના પુડલા-

સામગ્રી- 

ખીરા માટે-

  • -500 ગ્રામ ચણાનો લોટ
  • -1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • -2 ટી સ્પૂન જીરૂં પાવડર
  • -મીઠું સ્વાદાનુસાર
  • -પાણી જરૂર મુજબ

ફિલીંગ માટે-

  • -200 ગ્રામ પનીર છીણેલું
  • -5 ગ્રામ કોથમીર સમારેલી
  • -3 ટી સ્પૂન લીલાં મરચાં સમારેલાં

અન્ય સામગ્રી-

  • -તેલ જરૂર મુજબ

રીત-

સૌપ્રથમ ચણાના લોટમાં પાણી ઉમેરી થોડું જાડું ખીરૂં તૈયાર કરો. ત્યાર બાદ તેમાં બાકીની સામગ્રી નાખીને બરાબર મિક્ષ કરી લો. ખીરાને થોડીવાર ઢાંકીને મૂકી રાખો. હવે ફિલીંગ માટેની સામગ્રી બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ એક નોન સ્ટિક પેન ગરમ કરો. તેના પર એક ચમચી જેટલું તેલ નાખીને ચારેબાજુ ફેલાવો. હવે તેના પર એક ચમચો ખીરૂં પાથરીને તેને થોડું જાડું ગોળાકાર પાથરો. હવે તેને એક બાજુએ લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એ રીતે પાથરો. હવે તેના પર એકાદ ચમચી જેવું ફિલીંગ સ્પ્રેડ કરો. ત્યાર બાદ બીજી બાજુ ફેરવીને ચઢવા દો. બીજી બાજુ પણ લાઈટ બ્રાઉન રંગનું ચઢી જાય એટલે ગરમા-ગરમ સર્વ કરો.

ગાજર-ટામેટાંનો પુલાવ-

સામગ્રી-

  • -1 1/2 કપ ચોખા
  • -2 નંગ ગાજર
  • -2 નંગ સમારેલાં ટામેટાં
  • -1 નંગ તમાલપત્ર
  • -1 નાનો ટુકડો તજ
  • -2 નંગ એલચા
  • -1 નાનો ટુકડો સમારેલું આદું
  • -7 થી 8 નાની ડુંગળી
  • -6 થી 7 પાન લીમડો
  • -2 ચમચી કિશમિશ
  • -1/2 ચમચી મરીનો પાઉડર
  • -1 કપ ટામેટાંની પ્યોરી
  • -1 ચમચી લીંબુનો રસ
  • -2 ચમચા સમારેલી કોથમીર
  • -મીઠું સ્વાદાનુસાર

રીત-

ચોખાને અડધા કલાક સુધી ત્રણ કપ પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ નિતારીને એક તરફ રહેવા દો. નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ અને એલચાને કોરા જ શેકો. પછી તેમાં આદું, સમારેલી ડુંગળી, ટામેટાં, સમારેલાં ગાજર અને મીઠું નાખી બે-ત્રણ મિનિટ સુધી સાંતળો. ત્રણ કપ પાણી રેડીને હલાવો. તે ઊકળે એટલે તેમાં લીમડો, પલાળેલા ચોખા, કિશમિશ, મરી અને ટામેટાંની પ્યોરી ઉમેરી હળવે હળવે સતત હલાવતાં રહો. લીંબુનો રસ અને સમારેલી કોથમીર મિકસ કરો. ઢાંકીને આંચ ધીમી કરી પુલાવ તૈયાર થાય ત્યાં સુધી રહેવા દો.

મસાલા રવા ઈડલી-

સામગ્રી-

  • -1 કપ રવો
  • -1/2 કપ ઘટ્ટ ખાટી છાશ
  • -1 ચમચો કાજુના ટુકડા
  • -2 ચમચા આદું-મરચાંની પેસ્ટ
  • -1/4 ચમચી સોડા
  • -2 ચમચા તેલ
  • -1 ચમચી અડદ દાળ
  • -1/2 ચમચી રાઈ
  • -1 ચપટી હિંગ
  • -6 થી 8 લીમડાના પાન
  • -મીઠું સ્વાદાનુસાર

રીત- 

સૌપ્રથમ રવાને શેકી ને છાશમાં બેથી ત્રણ કલાક માટે પલાળી લો. હવે રવાના ખીરામાં મીઠું અને આદું-મરચાંની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરીને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યાર બાદ છેલ્લે ખાવાનો સોડા નાખીને બરાબર મિક્ષ કરીને ઈડલી ઉતારો. હવે તેલ ગરમ કરી વઘાર તૈયાર કરો. કાજુના ટુકડા સહેજ ગુલાબી રંગના તળી લો. કાજુના ટુકડા એકબાજુ પર મૂકો. હવે એ જ તેલમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ નાખીને અડધી મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં અડદની દાળ અને મીઠો લીમડો નાખીને બરાબર સાંતળીને તેને ઈડલી પર નાખી દો. તૈયાર છે સરસ મજાની મસાલેદાર ઈડલી.

કાબુલી ચણા બિરયાની

સામગ્રી-

  • -1 કપ કાબુલી ચણા
  • -2 ચમચી ઘી
  • -1 ચમચી જીરૂ
  • -5 લવિંગ
  • -1 ઈંચ તજ
  • -1 કાળી ઈલાયચી
  • -2 કપ બાસમતી ચોખા
  • -1 ડુંગળી સમારેલી
  • -1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • -1 કાપેલુ ટામેટુ
  • -2 ઝીણા કાપેલાલીલા મરચાં
  • -1/2 ચમચી લાલ મરચું
  • -1/2 ચમચી પુલાવ મસાલા
  • -મીઠુ સ્વાદાનુસાર

રીત-
આખી રાત કાબુલી ચણાને પલાળી રાખો. સવારે તેને પ્રેશર કુકરમાં નાખી 2 સીટી વગાડી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા જીરું, લવિંગ, ઈલાયચી અને તજ નાખીને હલાવો. થોડીવાર પછી તેમા લીલા મરચાં અને ડુંગળી નાખીને 3-4 મિનિટ થવા દો. ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ નાખો અને તેને પણ થોડીવાર સુધી હલાવો. પછી ટામેટા અને મીઠુ નાખીને ચાર-પાંચ મિનિટ થવા દો. ટામેટા મેશ થઈ જાય કે તેમા બાફેલા ચણા નાખી દો. હવે લાલ મરચું અને પુલાવ મસાલો નાખી 2-3 મિનિટ થવા દો. હવે તેમા ધોયેલા બાસમતી ચોખા અને ત્રણ કપ પાણી નાખીને ઢાંકી મુકો. 15 મિનિટ સુધી ધીમા તાપ પર પુલાવને બફાવા દો. તૈયાર છે તમારો ચણા પુલાવ. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

આલુ પરોઠા-

સામગ્રી-

  • -250 ગ્રામ બટાકા
  • -4 થી 5 લીલા મરચાં
  • -1/2 કપ સમારેલી કોથમીર
  • -1 ચમચી વરિયાળી
  • -1/2 ચમચી અજમો
  • -1 ચમચી ખાંડ
  • -1 લીંબુનો રસ
  • -મીઠું સ્વાદાનુસાર
  • -હળદર

લોટ બાંધવા માટે- 

  • -2 કપ ઘઉંનો લોટ
  • -મીઠું સ્વાદાનુસાર
  • -તેલ મોણ માટે
  • -પાણી જરૂર મુજબ

રીત- 

સૌપ્રથમ બટાકાને બાફીને છોલી લો. ચમચીથી મસળીને તેમા સમારેલા લીલા મરચા, વરિયાળી, અજમો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠુ તેમજ હળદર નાખીને મસળી લો. હવે ઘઉંના લોટમાં મીઠુ નાખીને લોટ બાંધી લો. એક લોઈ બનાવી નાની પૂરી વણો. તેમાં બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો. હવે તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો. જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગશે. આ પરાઠાને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘી વડે બદામી રંગના શેકી લો. આ રીતે બધા આલૂના પરાઠાં બનાવી લો. આ પરાઠાંને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.

બ્રેડ મિની પિઝા-

સામગ્રી-

  • -6 સ્લાઈસ બ્રેડ
  • -1 ટેબલ સ્પૂન ચણા અંકુરિત
  • -1 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ
  • -1/2 ટી સ્પૂન ચાટ મસાલો
  • -1 ટેબલ સ્પૂન રવો
  • -1 ટેબલ સ્પૂન મકાઈનો લોટ
  • -1 ક્યુબ ચીઝ
  • -50 ગ્રામ પનીર
  • -ગાજર
  • -લીલી ડુંગળીના પાન
  • -કોબી
    -કેપ્સિકમ
  • -મોટી સરસો
  • -મીઠો લીમડો
  • -કોથમીર
  • -મીઠું સ્વાદાનુસાર
  • -ટોમેટો કેચપ

રીત –

બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠું નાખીને પંદર મિનિટ રહેવા દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી અંકુરિત ચણા, પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો. ચીઝ ગ્રેટ કરીને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર પચ્ચીસથી ત્રીસ મિનિટ બેક કરો. બ્રાઉન શેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ અને લીલી ચટણી લગાવીને ગરમા-ગરમ બ્રેડ પિઝા સર્વ કરો.

કાંદા બટાટા પૌંઆ-

સામગ્રી-

  • -2 કપ પૌંઆ
  • -1/4 ટી સ્પૂન હળદર
  • -2 નંગ લીલા મરચાં
  • -2 ટેબલ સ્પૂન સિંગદાણા
  • -1 મધ્યમ કદનું બટાટું(ઝીણું સમારેલું)
  • -1 મધ્યમ કદની ડુંગળી(ઝીણી સમારેલી)
  • -3/4 ટી સ્પૂન રાઈ
  • -3/4 ટી સ્પૂન જીરૂં
  • -8 થી 9 લીમડાના પાન
  • -2 થી 3 ટેબલ સ્પૂન નારિયેળ
  • -1 ટેબલ સ્પૂન કોથમીર
  • -2 થી 3 ટેબલ સ્પૂન તેલ
  • -ખાંડ જરૂર પ્રમાણે
  • -મીઠું સ્વાદાનુસાર

રીત-
સૌપ્રથમ પૌંઆને ધોઈને સાફ કરીને નીતરવા મૂકી દો. ત્યાર બાદ પૌંઆમાંથી પાણી નીતરી જાય એટલે તેમાં મીઠું, હળદર અને ખાંડ નાખો. ધીમે રહીને બધું બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ એક પેન ગરમ કરો. તેમાં સિંગદાણાને શેકી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં બટાટા નાખીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. કાઢીને એક બાજુ મૂકી દો. હવે ફરી કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં જીરૂં નાખો. હવે તેમાં ડુંગળી નાખીને બરાબર સાંતળો. ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં લીમડાંના પાન, લીલા મરચાં અને મગફળીનો ભૂકો નાખીને બરાબર મિક્ષ કરો. લગભગ એકાદ મિનિટ બરાબર હલાવ્યા બાદ તેમાં બટાટા અને પૌંઆ નાખીને ફરીથી બરાબર હલાવો. પૌંઆને લગભગ ત્રણેક મિનિટ સુધી હલાવ્યા બાદ તેમાં મીઠું અને ખાંડ નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો. ગેસ બંધ કરીને કોથમીર નાખીને સર્વ કરો.

પનીર રેપ-

સામગ્રી-

રેપ માટે-
-1/2  કપ ઘંઉનો લોટ

-1 ટી સ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

સ્ટફિંગ માટે-

  • -1 કપ સમારેલું ફ્લાવર
  • -1/2 કપ છીણેલું પનીર
  • -3 નંગ લીલાં મરચાં સમારેલાં
  • -2 ટેબલ સ્પૂન કોથમીર સમારેલી
  • -2 ટી સ્પૂન તેલ
  • -મીઠું સ્વાદાનુસાર

રીત-

સૌપ્રથમ આપણે રેપ બનાવી લઈશુ. તેના માટે ઘઉંના લોટમાં મીઠું અને તેલ નાખીને નરમ કણક બાંધી લો. ત્યાર બાદ તેને અડધો કલાક માટે ઢાંકીને મૂકી રાખો. હવે તેમાંથી પાંચ જેટલી રોટી તૈયાર કરી લો. સ્ટફિંગ માટે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં લીલાં મરચાં અને ફ્લાવર નાખીને સાંતળો. ફ્લાવર ચઢી જાય ત્યાં સુધી તેને સાંતળતા રહો. હવે તેમાં પનીર, કોથમીર અને મીઠું નાખીને બરાબર ચઢવી લો. આ સ્ટિફિંગમાંથી પણ પાંચ સરખા ભાગ કરીને સાઈડ પર મૂકો. હવે એક ચોખ્ખી સપાટી પર રોટીને મૂકો. તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો. તેને બરાબર રોલ કરીને ટિસ્યુ પેપરમાં રેપ કરીને સર્વ કરો.

Images Source – Google

Leave a Comment