ટમેટા ખરીદવા જાવ અને ઘરે લાવ્યા પછી ખબર પડે કે, જે ટમેટા બહારથી લાલ દેખાતા હતા એ અંદરથી કાચા જેવા છે તો એ ટમેટાનું શું કરવાનું? એ માટેનો જબરદસ્ત ઉપાય લઈને અમે આવી ગયા છીએ. તમને માત્ર પંદર થી વીસ મીનીટમાં કાચા જેવા દેખાતા ટમેટાનો ઉપયોગ સચોટ રીતે કરતા શીખવાડી દઈએ તો??
જી હા, કાચા હોય તેવા ટમેટાને ફેંકી દેવાની જરૂર નથી. તેમાંથી બનાવીએ કાચા ટમેટાનું ટેસ્ટી શાક. અમે કહીએ છીએ, જો એકવાર આ શાક બનાવીને ઘરમાં બધાને ખવડાવશો તો બીજીવાર તમે સ્પેશીયલ કાચા ટમેટા ગોતવા નીકળશો. કાચા ટમેટાના શાકની એક બીજી પણ ખાસીયત છે કે, તમે પેટભરીને જમશો તો પણ એ ચરબીને શરીરમાં જમા નહીં કરે. તો એ જોઈએ તો પણ કાચા ટમેટાનું શાક ફાયદેમંદ કહેવાય છે.
તો જાણીએ મજેદાર અને ટેસ્ટી સ્વાદવાળું ટમેટાનું શાક કઈ રીતે બનાવવું? અહીં પાંચ લોકો માટેની સામગ્રી જણાવી છે. તમારે જોઈતા મુજબનું શાક બનાવવા એ મુજબની સામગ્રીનું વજન પસંદ કરવું.
સામગ્રી :
- ૫ કાપેલા કાચા ટમેટા
- ૨ ડુંગળી
- ૧ ચમચી આદુ અને લસણની બનાવેલી પેસ્ટ
- અડધી ચમચી હળદર પાઉડર
- અડધી ચમચી ગરમ મસાલા
- થોડી લીલી કોથમીર
- ૨ મોટી ચમચી જેટલું ઘી
- સ્વાદ મુજબનું નમક
- આખું જીરૂ
- ૧ લીલું મરચું
- ઘણાજીરૂ પાઉડર
સામગ્રી એકથી કર્યા પછી જાણીએ કાચા ટમેટાનું શાક બનાવવાની સરળ રીત…
- સૌથી પહેલા લીલા ટમેટાને પાણીથી ધોઈને નાના ટુકડામાં કાપી લો.
- ત્યાર બાદ ડુંગળીને પણ જીણી કાપીને તેને લીલા મરચા સાથે મિક્ચરમાં પીસી લો.
- હવે કડાઈમાં ઘી ને ગરમ કરો. તેમાં આખું જીરૂ નાખીને જીરૂને ફૂટવા દો. ત્યારબાદ તેમાં ડુંગળી અને લીલા મરચાની પેસ્ટને ઉમેરો.
- મીડીયમ ગેસ રાખવો. ડુંગળી લાલ થાય ત્યાં સુધી પાકવા દો. હવે, આદુ અને લસણની પેસ્ટને કડાઈમાં નાખીને તેને ૧-૨ મિનીટ સુધી પકાવો.
- એ પછી કડાઈમાં હળદર પાઉડર, ધાણા પાઉડર, લાલ મરચાનો પાઉડર અને બે ચમચી પાણી નાખીને ૧-૨ મિનીટ સુધી કડાઈમાં પકાવો.
- હવે કાપેલા કાચા ટમેટાને અને તેમાં સ્વાદ મુજબનું નમક ઉમેરીને ૩ થી ૪ મિનીટ સુધી પકાવો.
- છેલ્લે, શાક બની ગયા પછી તેની ઉપર લીલી કોથમીરને છાંટો, જેનાથી શાકનો સરસ સ્વાદ આવશે.
બસ, તૈયાર છે કાચા ટમેટાનું શાક. આ રીતે કાચા ટમેટાનું શાક બનાવશો તો બીજી વાર તમે ફરીથી શાકભાજીની માર્કેટમાં કાચા ટમેટા લેવા માટે નીકળશો. કાચા ટમેટાનું શાક મોટેભાગે બધાને પસંદ આવે એવું ટેસ્ટી હોય છે. એકવાર તમે પણ ઘરે જ બનાવીને ટેસ્ટ કરીને જોવો. આવું શાક ઘરે બનાવશો તો કોઇપણ ગુહિણીના હાથની રસોઈના વખાણ કરતા થાકશે નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel