સ્વાદિષ્ટ ભરેલા ભીંડાનું શાક બનાવવાની આસાન રેસીપી

આમ તો રીંગણને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે, તેમજ બટાકા દરેક શાકભાજીમાં નાખવામાં આવે છે, પરંતુ અમુક લોકોને બટાકા પસંદ નથી હોતા અને અમુક લોકોને રીંગણ પસંદ નથી હોતા. પરંતુ એવા અમુક જ લોકો હોય છે જેમને ભીંડા ભાવતા નથી, ભીંડા દરેક વ્યક્તિને ભાવતા હોય છે. અને એમાં પણ જો ભરેલા ભીંડા મળી જાય તો લોકોને ખુબ જ મજા પડી જાય છે. અને જેને ભીંડા નથી ભાવતા તે પણ આ રેસિપી એક વખત જો ટ્રાય કરશે તો તેમને પણ ભીંડા જરૂરથી ભાવવા લાગશે, આ ભરેલા ભીંડા ને તમે રોટલી, ભાત, પરોઠા વગેરે સાથે ખૂબ જ આરામથી ખાઈ શકો છો, તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું ભરેલા ભીંડા બનાવવાની રેસીપી.

સામગ્રી

  • ભીંડા 250 ગ્રામ
  • ચણાનો લોટ 3 કે 4 ચમચા
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ધાણાજીરું પાવડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • આમચૂર પાવડર ½ ચમચી અથવા લીંબુનો રસ 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • જીરુ 1 ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ 4 થી 5 ચમચી

ભરેલા ભીંડા બનાવવાની રીત

ભરેલા ભીંડા બનાવવા માટે સૌપ્રથમ ભીંડા ને ધૂવો, ત્યાર બાદ તેને કપડાથી બરાબર લુછો, જેનાથી ભીંડામાં ચિકાશ ન રહે.

ભીંડાનો ઉપરનો અને નીચેનો ભાગ કાપી લો, ત્યારબાદ ભીંડામાં ચપ્પુથી વચ્ચેથી કાપા કરો.

હવે મસાલો બનાવવા માટે એક વાટકીમાં બેસન લો અને તેમાં લાલ મરચાનો પાવડર, ધાણાજીરું પાવડર હળદર આમચૂર પાવડર અને ગરમ મસાલો તથા સ્વાદ અનુસાર મીઠું નાખીને બધોજ મસાલો મિક્સ કરો.

હવે આ દરેક મસાલામાં એક ચમચી તેલ નાખીને ફરીથી મિક્સ કરો, ભીંડા સ્ટફિંગ કરવાનો મસાલો તૈયાર છે.

હવે જે કાપા કરેલા ભીંડા છે તેમાં તૈયાર કરેલો મસાલો બરાબર રીતે ભરો.

હવે ગેસ ઉપર એક કડાઈમાં ૨ થી ૩ ચમચી તેલ ગરમ કરો, અને જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું અને હિંગ નાખો, ત્યારબાદ ગેસ ધીમો કરીને એક ભીંડા તેમાં મૂકતા જાઓ દરેક ભીંડા મુકાઈ જાય એટલે તેને ઢાંકીને ધીમા તાપે ચડવા મૂકો.

હવે ચાર-પાંચ મિનિટ થાય એટલે ભીંડા ને બરાબર હલાવો. અને ફરીથી ત્રણ ત્રણ મિનિટ હલાવતા રહો. ભીંડા ચઢી જાય ત્યારે તેમાં વધેલો મસાલો ઉપરથી ભભરાવો અને થોડીવારે ચેક કરતા રહો જ્યારે ભીંડા બરાબર ચડી જાય ત્યારે ગેસ બંધ કરી દો.

ભરેલા ભીંડાની રેસીપી બનાવવા માટે જરૂરી માહિતી

ભીંડા હંમેશા નાની સાઈઝના જ લેવા.

ચણાના લોટને ત્રણથી ચાર મિનિટ શેકીને નાખશો તો સ્વાદ ખૂબ જ સારો આવશે.

તૈયાર કરેલા મસાલામાં જો તમે લસણ ખાતા હોવ તો તેમાં લસણની પેસ્ટ અને કસુરી મેથી નાખવાથી સ્વાદ ખૂબ જ સારો આવશે.

જો તમારી પાસે આમચૂર પાવડર નથી તો તમે લીંબુનો રસ નાખવો, નહીં તો જ્યારે ભીંડા ચઢી જશે ત્યારે તે અંદરથી ચીકણા લાગશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “સ્વાદિષ્ટ ભરેલા ભીંડાનું શાક બનાવવાની આસાન રેસીપી”

Leave a Comment