આણંદનાં શીલાબેનને ધન્ય છે હો..!! ગજબ છે તેમનો પશુ🐄પ્રત્યેનો પ્રેમ❤️

આજના ટેકનોલોજી અને ફેશનનો જમાનો –  પણ આ શીલાબેનની મહેનત તો જૂઓ. આ ઉનાળાની અસહ્ય ગરમીમાં રહેવાતું નથી એમાં શીલાબેન અબોલ પશુને પોતાના જીવની જેમ સાચવે છે.  ૧૦ ભેંસ અને ૧૫ ગાયને ખુબ જ સારી રીતે સાચવી રહ્યા છે. પોતાના ખુદની ખેતીવાડીની જમીન સાવ ઓછી પરંતુ આ મહિલાએ હિમ્મત ન હારી. પીછે ડગ ભરીને સફળતાને ભુલાવી દીધી નહીં. ઉપરથી વધુ મહેનત કરવાની ચાલું કરી અને આજ સફળ પશુપાલન ઉદ્યોગ ચલાવી રહી છે.

સફળતાની સીડી તેને કેવી રીતે હાંસિલ થઇ તે જાણવી રસપ્રદ વાત છે. વૈજ્ઞાનિક પદ્ધતિનાં સહારે તેને પશુ પાલનની જાળવણી અને પશુનાં ખાન-પાન વિશેની જાણકારી મળી ત્યારથી દિવસે દિવસે આ મહિલા નામ કમાતી ગઈ.

ગુજરાતમાં આવેલ આણંદનાં સોજીત્રા તાલુકાના ગાડા ગામના શીલાબેન કિરણભાઈ પટેલ. પોતે જાતે પટેલ એટલે ખેતીકામ તેના સફળતાની યાદીમાં લખેલ હતું. ખુદની જમીન સાવ ઓછી પણ બીજાની ભાડે જમીન રાખીને તેને પશુપાલન ઉદ્યોગ ચાલું કર્યો. હાલનાં સમયમાં શીલાનબેન પાસે ૧૦ ભેંસ અને ૧૫ ગાય છે. જે બધા પશુ મળીને કુલ ૧૦૦ લિટર જેટલું દૂધ આપે છે. આસપાસનાં વિસ્તારમાં દૂધનાં વેચાણથી આ ગુજરાતી મહિલા ૫,૦૦૦ રૂપિયાની કમાણી કરે છે.

કહેવાય છે ને કે, “મન હોય તો માળવે જવાય”. એમ, શીલાબેનનાં બચપણનાં શોખે સમાજમાં ઊંચું સમ્માન અપાવ્યું. નાનપણથી ઘરે ગાય-ભેંસનો ઉછેર થતો પણ લગ્ન પછીનાં જીવને થોડો વળાંક લીધો. ટૂંકી જમીનમાં ખેતીકામ અઘરું બનતું પણ હિમ્મત એ ભગવાનની હાજરી છે ને!!!

ખેતીની કમાણી ખાસ ઉપજતી નહીં એટલે માત્ર એક ગાયથી પશુપાલન ઉદ્યોગની સફર શરૂ કરેલ. એક નહીં અનેક વિધ્નો આવ્યા અને મુસીબતો દરવાજે આવીને ઉભી રહેતી. બીમારી અને અકારણસર થયેલાં ગાય-ભેંસનાં મૃત્યુએ શીલાબેનને સહેજ હલાવી મુક્યા અને હિમ્મત થોડી નબળી કરી નાખી.

છતાંય, ગુજરાતનું પાણી એટલે કહેવું ન પડે. એમ કાંઈ હોય..!! હિમ્મતને ઝીરો કર્યા વિના પશુપાલન ચાલું જ રાખ્યું. એમ, સમય વિતતા ‘આત્મા પ્રોજેક્ટ’ હેઠળ પશુપાલન પોગ્રામમાં ભાગ લીધો અને પશુને સાચવવાની તાલીમ મળી. પછી શીલાબેનનાં રોજગારની ગાડી પાટા પર ચાલવા લાગી. સફળતા પગ પર આવીને ઝૂકવા લાગી.

આજ શીલાબેન તેમનાં નામની જેમ ‘શીલા’ જેવી અડીખમ સ્થિરતા ધરાવે છે. પાછળનાં તેના કમાણીનાં આંકડામાં નજર કરીએ તો ગયા વર્ષે સહકારી દૂધ મંડળીમાંથી રૂ. ૨.૧૫ લાખનું બોનસ આવ્યું હતું. એ આવકનાં હિસ્સામાંથી પશુને યોગ્ય રીતે જાળવવા માટે તે ૬૫ થી ૭૦ ટકા જેટલો ખર્ચ કરી નાખે છે.

સાહેબ…આ તો ગુજરાત છે. અહીંની વાત જ ન થાય. દેશ-દુનિયામાં બધે નામ છે. વેપારીઓને વેપાર કરવામાં હિમ્મત અર્પતો આ કિસ્સો જબરદસ્ત છે. એક મહિલા જો આટલું કરી શકે તો અન્ય કેમ નહીં!! શીલાબેનની હિમ્મતને સલામ આપવી પડે હો… પશુની યોગ્ય જાળવણી કેમ કરવી અને તેમનાં ખોરાકથી લઈને માંદગી સુધીની જાણકારી આજ શીલાબેનને ઊંઘમાંથી પૂછો તો’ય જણાવી દે.

રોજ તબેલામાં વહેલી સવારે પહોંચીને દૂધનાં દોહન પહેલા પશુને ખોળ મિનરલ વોટરમાં પલાળીને મિક્ષ કરીને આપે છે. શીલાબેન ખુદ જણાવે છે કે, ખેતીની ઓછી આવકમાં ઘર ચલાવવામાં પડતી મુશ્કેલીનો સામનો કરતાં-કરતાં અહીં સુધી પહોંચી શકાયું. વૈજ્ઞાનિક ઢબથી પશુનો ઉછેર અપનાવતા ઘણી ખરી પ્રગતી થઇ.

આણંદની ધરતીનો આ અમુલ્ય કિસ્સો હિમ્મત ભાંગી પડેલ માટે તો ઔષધ બને એમ છે. ખુબ સરસ યોગ્ય મેનેજમેન્ટ અને મુશ્કેલીનો સામનો કરવાની, હર વક્ત લડતા રહેવાની, ખુદની માનસિકતાને બદલવાની સાહસ નીતિ આપે છે. જેમ, કોઈ વસ્તુને સાચવવી પડે એમ આ મહિલાએ સફળતાને સાચવી લીધી. હવે, આવનારો સમય તેનો ખુબ સારો જ છે કેમ કે, મહેનત કરનારને ફળ જરૂરથી મળે જ છે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે

Leave a Comment