દિલ્હીના આર્કિટેક “ગૌતમ હેમ્મદી” ને મળવા જાઓ તો ઘરમાં અનેક પ્રકારના મેચ-બોક્સ જોવા મળે. ગેસ લાઇટરથી સિગારેટ સળગાવનારા કદાચ મેચ-બોક્સ અર્થાત બાકસ અને તેની દિવાસળીઓને ભૂલી ગયા હશે.!! પરંતુ આજે પણ તે એટલા જ ચલણમાં છે અને એમાય ગૌતમ હેમ્મદીના સંગ્રહને જોઇને તો આશ્ચ્રર્યમાં ડૂબી જવાય.
ગૌતમે હેમ્મદીએ આશરે પંદર હજાર મેચબોક્સ લેબલનો સંગ્રહ કર્યો છે. તેઓ કહે છે કે, આમ તો નાનપણથી જ તેમને આવા સંગ્રહનો શોખ હતો, પરંતુ ચેસ અને ક્રિકેટની રમતમાં એવા ડૂબી ગયા કે સંગ્રહ કરવાનું વલણ ઓછું થઇ ગયું. પણ તેઓ સતત પોતાની જાતને કહેતા રહેતા કે, “મારે આનો સંગ્રહ કરવો જ જોઇએ“ અને એ સમય આવ્યો ૨૦૧૨માં કે જયારે તેઓ ખરેખર આ બાબત પ્રત્યે ગંભીર બન્યા.
૨૦૧૨ની એક સાંજે ચાલવા નીકળ્યા અને પાનની જે દુકાન પાસેથી પસાર થયા. ત્યાં તેને ઘણા મેચ-બોક્સ જોયા. ગૌતમ હેમ્મદીએ એમાંથી એક ડઝન મેચ-બોક્સ ખરીદ્યા અને સંગ્રહ કરવાનું શરૂ કર્યું અને પછી તો એક ક્રમ એવો બની ગયો કે પાનની દુકાન આગળથી પસાર થાય, ત્યારે મેચ-બોક્સના લેબલ જોયા વિના આગળ વધે નહિ.
ગૌતમે હેમ્મદીના સંગ્રહમાં સૌથી જૂનું લેબલ જાપાનનું છે. તેના ઉપર ફરિશ્તા જેવા બે બાળકોનું ચિત્ર છે. ૧૮૯૦ની આસપાસ એ ભારતમાં આવ્યું હશે એમ માનવામાં આવે છે, કારણ કે ભારતમાં મેચ –બોક્સની પ્રથમ ફેક્ટરી શિવકાશીમાં ૧૯૨૧માં શરૂ થઈ હતી. તેઓ કહે છે કે, છુટાછવાયા મેચ –બોક્સના લેબલથી થોડી જાણકારી મળે. પરંતુ એક સાથે લેબલને મુકવામા આવે તો તેવો જાણે આપણે વાર્તા કહેતા હોય એવું લાગે.
સ્વતંત્રતાની લડત વખતે દેશપ્રેમના પ્રતીકો લેબલ પર જોવા મળતા. જેમકે ઘ્વજ, અશોકચક્ર, ચરખો વગેર અને વગેરે. તે ઉપરાંત ‘જય હિંદ’ ના લખાણ સાથે સુભાષચંદ્ર બોઝનો ફોટો તેમજ નેહરૂ, ગાંધીજી અને સરોજીની નાયડુની તસ્વીર ઘરાવતા લેબલ પણ છે. ભારતના દેવી-દેવતાઓ જોવા મળે તો ભારતની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’ ના લેબલોના લેબલવાળા મેચ-બોક્સ પણ છે.
મેચ-બોક્સ પર કોનું લેબલ નથી એ વિચારવું મુશ્કેલ છે!! કારણ કે જાણીતા ચિત્રકાર રાજા રવિ વર્માના પેઈન્ટીંગસ ,પ્રાણીઓના મોટિફ, રજનીકાંતની ફિલ્મ, જુહી ચાવલા, કરીના અને માઈક્રોસોફટના વિન્ડોનું ચિત્ર સહીત જોવા મળે છે. એ જૂના સમયમાં શીપ, એઇમ્સ અને હોમલાઇટને લોકો બ્રાંડ તરીકે જોતા હતા.
ગૌતમ પાસે જેટલા મેચ-બોક્સ છે, તેમાંથી પાંચ હજાર લેબલ ભારતના છે. તેઓ ઘણો સમય મેચ-બોક્સ મેળવવામાં ગાળે છે. એની આસપાસના પાનવાળા પણ એમને આ કાર્યમાં સહકાર આપે છે. આ સંગ્રહની કોઈ હદ નથી. આ બધું અવ્યવસ્થિત છે તેને વ્યવસ્થિત કરીને તેનું કેટલોગ કરવું જોઈએ – એવું હેમ્મ્દીને લાગે છે. ભારતમાં સૌથી વધુ મેચ-બોક્સનો સંગ્રહ એમની પાસે છે. એમ બે વર્ષ પહેલા દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં તેનું પ્રથમ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું.
લેબલ બનાવવામાં પણ નકલ કરવામાં આવે છે. ઘણા સ્પેલિંગમાં તો ઘણા ચિત્રમાં થોડા ફેરફાર કરીને લેબલ બનાવે અને તેવી ભળતી બ્રાન્ડનાં ચાલીસ-પચાસ ઉત્પાદકો મળી આવે. શરૂઆતમાં આર્ટીસ્ટ ગૌહર જાનનું ચિત્ર મેચ-બોક્સ પર એટલું લોકપ્રિય બનેલું કે તે ઓસ્ટ્રેલીયાથી ૧૯૦૦માં આવેલું અને પછી સ્વીડન અને જાપાને પણ પોતપોતાના ‘જાત’ ના લેબલ બનાવેલા.
નાના સંગ્રાહકો પોતાના આવા મેચ-બોક્સના સંગ્રહને વેચતા હોય છે. ૧૯૨૦થી ૩૦ના સમયગાળાના બસો લેબલ છ હજાર રૂપિયામાં તો નેવું દાયકાના દોઢ હજાર મેચ-બોક્સ દસ હજાર રૂપિયામાં મળ્યા. હસતા હસતા ગૌતમ ઉમેરે છે કે એ કિમતમાં ચેન્નાઈ આવવા-જવાનું ભાડું, બીરીયાનીનું ડિનર અને ઇડલીના બ્રેકફાસ્ટનો ખર્ચ ઉમેરવો પડે.
ગૌતમ હેમ્મદી પાસે પુસ્તકો, ટપાલટીકીટો, ઘડિયાળ, કાંડા ઘડિયાળ, ગ્લાસ બોટલ, લાકડાની વસ્તુઓ એવા ઘણા સંગ્રહો કર્યા છે. પરંતુ અત્યારે તો તેઓ મેચ-બોકસ લેબલના સંગ્રહમાં ગળાડૂબ છે. એક વખત ઓનલાઈન હરાજીમાં મહાત્મા ગાંધીના નવ લેબલ જાપાનથી લેવાના હતા અને ત્યારે જ ફોનની ઘંટડી વાગી. ફોનમાં વાત કર્યા પછી ઓનલાઈન થવાનું ભૂલી ગયા અને હરાજી પૂરી થઇ ગઇ. ત્યારથી તેને ફોન વાપરવાનું બંધ કરી દીધું છે. જો કે, એ હસતા હસતા કહે છે કે, ‘હું જાણું છું કે મારે જેટલો રસ લેવો જોઇએ એના કરતા ઘણો વધારે રસ પડવા લાગ્યો છે. આ સંગ્રહ કરવા માટે મને ચસ્કો લાગ્યો છે.
Rewrite : Ravi Gohel
All Copyright Received