ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું 54 વર્ષની વયે અકસ્માતમાં થયું મોત, PMએ વ્યક્ત કર્યો શોક…

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી હવે આપણી વચ્ચે નથી રહ્યા. થોડા સમય પહેલા તેમના મૃત્યુના સમાચાર આવ્યા હતા. સાયરસ મિસ્ત્રીનું એક દર્દનાક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. તેમના મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. સાયરસ મિસ્ત્રી માત્ર 54 વર્ષના હતા અને આ તેમનો વિદાય લેવાનો સમય નહોતો.

સાયરસની અકાળે વિદાયથી હાલ લોકો આઘાતમાં છે. તેમના મૃત્યુના દુખદ સમાચાર રવિવારે સાંજે આવ્યા. તમને જણાવી દઈએ કે જ્યારે તેઓ મુંબઈ નજીક પાલઘરથી કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કારનો અકસ્માત થયો હતો. સાયરસના મૃત્યુના સમાચાર તેમની કંપનીના ડિરેક્ટરે શેર કર્યા હતા.

સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રી સાથે જહાંગીર દિનશા પંડોલ, અનાહિતા પંડોલ, ડેરિયસ પંડોલ પણ કારમાં અંદર હતા. તમામ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા પરંતુ મુંબઈ નજીક પાલઘરમાં મર્સિડીઝ કાર નંબર MH 47 AB 6705ને અકસ્માત નડ્યો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ખતરનાક અકસ્માત બપોરે 3.15 કલાકે સૂર્યા નદી પરના એક પુલ પર બન્યો હતો.

આ રોડ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી સાથે જહાંગીર પંડોલનું પણ મોત થયું છે. અનાહિતા પંડોલ, ડેરિયસ પંડોલ ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બંને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સાયરસ મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાયરસના નિધનના સમાચાર સાંભળીને પીએમ મોદી ચોંકી ગયા હતા. તેમણે ટ્વીટ કર્યું, “શ્રી સાયરસ મિસ્ત્રીનું અકાળે અવસાન આઘાતજનક છે. તેઓ એક આશાસ્પદ બિઝનેસ લીડર હતા જેઓ ભારતની આર્થિક શક્તિમાં વિશ્વાસ રાખતા હતા. તેમના અવસાનથી વાણિજ્ય અને ઉદ્યોગ માટે મોટી ખોટ છે.

સાયરસ મિસ્ત્રી ભારતના જાણીતા ઉદ્યોગપતિ હતા. તમને જણાવી દઈએ કે તેમના પિતા પલોનજી શાપૂરજી મિસ્ત્રી ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી બિઝનેસમેન હતા. સાયરસ વર્ષ 2012માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતા, જોકે વર્ષ 2016માં તેમને અચાનક આ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારે આ વાતની ખૂબ જ ચર્ચા થઈ હતી.

Leave a Comment