આ સરળ રીતથી ઘરે શેરડીનું વાવેતર કરી શકીએ છીએ.
ઉનાળામાં દિવસભરના થાક પછી, જો એક ગ્લાસ શેરડીનો તાજો રસ મળી જાય તો બધો થાક ચપટીમાં દૂર થઈ જાય છે. આ જ કારણે ઉનાળાની ઋતુમાં શેરડીના રસ વાળાની ફેરીઓ ગલી મહોલ્લામાં જોવા મળે છે. શેરડીનો રસ જેટલો સ્વાદિષ્ટ હોય છે તેટલો જ પોષણથી ભરપૂર પણ હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી પોષક તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.
આમ તો લાંબી લાંબી શેરડીને જોઈને એવું લાગે છે કે તેને ઉગાડવા માટે ઘણી વધારે જમીનની જરૂર પડે છે, પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ રીતે તમે કૂંડામાં પણ શેરડીનું વાવેતર કરી શકો છો.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ના વતની માધવી ગુત્તિકોંડા કુંડામાં જ શેરડી વાવે છે.
માધવીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, ” એવું નથી કે તમે ગાર્ડનમાં ઘણી વધારે માત્રામાં શેરડી વાવી શકો છો. તેના માટે તમારે ઘણા બધા કુંડા અથવા ગ્રો બેગ જોઈશે. પરંતુ તમારા ઘર-પરિવારની જરૂરિયાત મુજબ તમે શેરડીનું વાવેતર કરવાની યોજના બનાવી શકો છો. કેમકે શેરડીનું વાવેતર કરવું એ કોઈ મુશ્કેલ કામ પણ નથી.
માધવી આગળ કહે છે કે શેરડીને તમે તમારા બગીચામાં બીજા ફળ-શાકભાજીની જેમ જ વાવી શકો છો. તેને તૈયાર થવામાં થોડો વધારે સમય લાગે છે. શેરડી 9-12 મહિનાના સમયગાળામાં પાક માટે તૈયાર થાય છે. તેથી તમે ખૂબ ધીરજથી શેરડી રોપો અને તેની સંભાળ કરતા રહો. શેરડીનું વર્ષમાં બે વખત ફેબ્રુઆરી-માર્ચ અને ઓક્ટોબર-નવેમ્બરમાં વાવેતર કરી શકાય છે.
શું શું જોઈએ છે?
- શેરડીના બીજ
- માટી
- મોટા કુંડા અથવા ગ્રૌ બેગ અથવા અન્ય કોઈ કન્ટેનર જેમકે ડ્રમ અથવા મોટી ડોલ વગેરે.
- ખાતર
તમે તમારા ઘરે લાવેલ શેરડીમાથી પણ નવી શેરડીના છોડ રોપી શકો છો. માધવી કહે છે કે તેની બે રીત છે. પેહલી કે તમે શેરડીને બે થી ત્રણ દિવસ પાણીમાં રાખો. ત્યારબાદ, તમે ચકાસો કે શેરડીમાં જ્યાં-જ્યાં બડ (શેરડીની આંખો, બીજ) છે, તેમાંથી નાના-નાના છોડ નીકળી રહ્યા છે. હવે તમે આ શેરડીના તેવી રીતે ટુકડા કરો કે બડ અને છોડ વાળા ભાગને કોઈ નુકશાન થાય નહિ. આ છોડને તમે કુંડામાં રોપી શકો છો.
બીજી રીત છે કે તમે શેરડીનો બડ વાળો ભાગ કાપી લો અને તેને કુંડામાં વાવો.
માટી તૈયાર કરવા માટે તમે સાધારણ બગીચાની માટીમાં સરખી માત્રામાં રેતી અને છાણીયું ખાતર અથવા અળસિયું ખાતર ભેળવી દો. શેરડી ઉગાડવા માટે તમે કુંડુ, ગ્રો બેગ અથવા અન્ય કોઈ કન્ટેનર જે કંઈપણ લઈ રહ્યા છો, તેની લંબાઈ અને ઊંડાઈ વધારે હોવી જોઈએ જેથી શેરડીને વિકાસ માટે પૂરતી જગ્યા મળે.
હવે કન્ટેનરમાં માટી ભર્યા પછી, તમે શેરડીના છોડને એક-બીજાથી સરખા અંતરે લગાવી દો. આ કન્ટેનરમાં વધારે છોડ લગાવવા નહીં. આ ઉપરાંત જો તમે શેરડીની ગાંઠ વાવી રહ્યા છો તો ધ્યાન રાખો કે માટીમાં વાવતી વખતે બડ વાળો ભાગ ઉપરની તરફ હોય. તેને તમે માટીમાં દબાવી દો અને પછી કુંડામાં પાણી નાખો.
માધવી કહે છે કે શેરડીને વધારે પાણીની જરૂર હોય છે, તેથી પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહો.
લગભગ એક મહિના પછી જ્યારે તમારો છોડ વધવા લાગે ત્યારે તમે તેમાં ખાતર કે કોઈ પ્રવાહી પોષક તત્વ નાખી શકો છો.તેના માટે છાણીયું ખાતર , જીવામૃત અથવા અળસિયાનું ખાતર પણ ઉપયોગમાં લઈ શકો છો.
શેરડીના છોડને નિયમિત પોષણ મળવું જોઇએ. તેથી અઠવાડિયામાં એકવાર જરૂર જૈવિક ખાતર અથવા જૈવિક પ્રવાહી ખાતર આપતા રહો.
છોડને જંતુઓ અને રોગથી બચાવવા માટે પણ શરૂઆતથી જ સાવધાની રાખવી. સમયાંતરે તમે લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.
શેરડીને યોગ્ય રીતે વિકસિત થવામાં કેટલો સમય લાગે છે, તે એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમે કેવા પ્રકારની શેરડી વાવી રહ્યા છો. તેથી તમે ધીરજ રાખી અને તમારા છોડની સંભાળ રાખતા રહો.
લગભગ નવ-દસ મહિના પછી તમારી શેરડીનો પાક તૈયાર થઈ જાય છે અને ત્યારે તમે તેની લણણી કરી શકો છો.
માધવી કહે છે, ” તમે તમારા ઘરના આંગણામાં , ટેરેસ અને બાલ્કની ક્યાંય પણ આ રીતે શેરડી વાવી શકો છો.ફક્ત ધ્યાન રાખવું કે તે જગ્યાએ તાજી હવા અને તડકો સારો આવતો હોય અને સાથે જ પાણીની વ્યવસ્થા પણ સારી હોય.”
તો પછી રાહ કોની છે, આજે જ બજારમાંથી શેરડી લઈ આવો અને આ રીત અજમાવી જુઓ. શું ખબર તમારી મહેનત ફળે અને પછીની સીઝનમાં તમે તમારા ઘરે વાવેલી શેરડીનો આનંદ માણી શકો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team