પ્રાચીન સમયથી જ માનવી પોતાની બુદ્ધિ અને કલા – કૌશલ્યનાં ઉપયોગથી પ્રકૃતિનાં અમૂલ્ય સંશોધનો દ્વારા આ સુંદર દુનિયાને અતિસુંદર બનાવવાનાં પ્રયાસોમાં લાગેલો છે. ગુફાથી લઈને ભવ્ય ઈમારતો સુધી માનવીએ પોતાની બુદ્ધિશક્તિ અને સર્જનશક્તિનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એમ આ વિસ્મયભર્યા વિશ્વને કૌતુક પમાડે તેવાં સર્જનો નિરંતર માનવી કરતો જ આવે છે.
તો આજે કેટલીક માનવ નિર્મિત ઈમારતોની વાત કરીએ કે જેની કલ્પના પણ કપરી છે. પરંતુ તે આજે વાસ્તવિકતા બની ઉભી છે.
૧. કાચનું સૌથી લાંબુ પ્લેટફોર્મ
ચીનનાં બેન્જિંગમાં પહાડોમાં લટકતું એક કાચનાં પ્લેટફોર્મનું નિર્માણ જીન્ડાગનાં જંગલોની સુંદરતાનું અવલોકન કરવા માટે થયું છે. આ પ્લેટફોર્મની વિશેષતા એ છે કે તે જમીનથી ૧૩૦૦ ફૂટ ઉંચાઈ પર સ્થિત છે.
તે દુનિયાનું સૌથી લાંબુ કાચનું પ્લેટફોર્મ છે. જે કિનારીથી ૧૦૭ ફૂટ હવામાં લટકે છે. આ પ્લેટફોર્મ ટીટેનીયમ ધાતુથી બનેલ છે. જે સૌથી હલકી ધાતુ છે. બેન્જિંગનાં પ્રવાસીઓ માટે તે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.
૨. સ્કાયડેસ્ક શિકાગો
યુ.એસ.ની બીજા નંબરની સૌથી ઉંચી ગગનચુંબી ઈમારત વીલીસ ટાવરનાં ૧૦૩માં માળે એક વ્યુંમ પ્લેટફોર્મ બનેલું છે. જેને સ્કાયડેસ્ક કહે છે. કાચનું બનેલું આ બાળક સ્વરૂપનું પ્લેટફોર્મ ૫ ટન વજન ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. ૧૩૫૩ ફૂટ ઉંચાઈએ આવેલા આ પ્લેટફોર્મ પરથી આખા શિકાગો શહેરનો સુંદર નજરો જોઈ શકાય છે.
૩. ત્યાનમેન માંઉનટેન પાર્કનો મોતની રસ્તો
ચીનના જીંજયમીનમાં આવેલ ત્યાનમેન માંઉનટેન પાર્કમાં ૪૭૦૦ ફૂટની ઉંચાઈ પર કાચનું સ્કાયવોક આવેલું છે. જેની કલ્પનાદ્રષ્ટી માત્રથી મન ભયભીત બની જાય. આ રસ્તો પોતાના સાહસને પરખવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
સીધી પહાડી પર બનેલો આ કાચનો રસ્તો લગભગ ૨૦૦ ફૂટ લાંબો છે. દુનિયાભરના અનેક પ્રવાસીઓ અહીંનાં સુંદર નજારાને જોવા આવે છે.
૪. હવામાં જુલતો સ્વીમીંગ પૂલ
ઇન્ટરકોન્ટીનેન્ટલ દુબઈ ફેસ્ટીવલ સીટી હોટેલમાં એક અનોખો સ્વીમીંગ પૂલ બનાવવામાં આવ્યો છે. ૩૬ સ્ટેટ્સની હોટેલની છત ઉપર બનેલો આ સ્વીમીંગ પૂલ જે આકાશમાં જુલતો દેખાય છે. પૂલની દીવાલ અને તળિયું એકદમ મજબુત કાચથી બનેલા છે. જેની અંદરથી દુબઈ શહેરનો સુંદર નજારો જોઈ શકાય છે. પૂલની લંબાઈ ૮૨ ફૂટ છે. અહીંથી બુર્જ ખલીફા પણ સાફ દેખાય છે.
૫.ચટ્ટાનથી લટકતી હોટલો
પેરૂની ઘાટીમાં ચટ્ટાનોથી લટકતા ૩ કેપ્સુલ આકારના હોટેલો છે. જે ખતરોના ખિલાડીઓ માટે ખાસ બનાવાયા છે. મજબૂત એલ્યુમિનિયમ અને પોલીકાર્બોનેટથી બનેલા આ કેપ્સ્યુલ ૨૫ ફૂટ લાંબા અને ૮ ફૂટ પહોળા છે. આ હોટેલ સુધી પહોચવા ૪૦૦ ફૂટ ચઢાણ કરવું પડે.
૬. સૌથી મોટો કાચનો પૂલ
દુનિયાનો સૌથી લાંબો કાચનો પૂલ કોઈ અજાયબીથી કમ નથી! તાજેતરમાં જ ચીને દુનિયામાં સૌથી લાંબા કાચના પૂલનું ઉદ્દઘાટન કર્યું. આ પૂલ ૪૩૦ મીટર લાંબો છે. જે બે પહાડોની વચ્ચે બન્યો છે. જે જમીનથી ૩૦૦ ફૂટ ઉંચાઈએ છે. આ પૂલનાં પરીક્ષણ અર્થે હથોડાના પ્રહાર કરાયા. ૨ ટન વજનનાં ટ્રક ચલાવાયા પણ આ કાંચ ન તુટ્યો.
૭. કાયાન ટાવર
આ ઈમારતને પહેલી વાર જોતા એવું લાગે કે તમે કોઈ સપનું જોઈ રહ્યા છો. આ ટાવરની રચના અત્યંત અદ્દભૂત છે. તેને બનાવવામાં ૨૭૨ મિલિયન ડોલરનો ખર્ચ થયો છે. આ ટાવર એન્જીનીયરીંગની દુનિયાનો સૌથી મોટો અજુબો છે. ૩૦૦ મીટર ઉંચો અને ૭૫ માળનો કાયાન ટાવર ઉપરથી નીચે સુધી ટ્વિસ્ટ કરેલ છે.
૮. ફોલક્રિક વ્હીલ
પહેલી નજરે જોતા આ ઈમારત પાણી પર બનેલ અધૂરા પૂલ જેવી લાગે છે. પરંતુ આ દુનિયાની એક માત્ર એવી બોટ લીફ્ટ છે. જે ચારે બાજુ ફરી શકે છે. બોટ લીફ્ટ બોટને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે છે. સામાન્ય બોટ લીફ્ટ બોટનાં પરિવહનમાં કલાકો લાગે છે. પરંતુ ફોલક્રિક વ્હીલ થોડી જ મિનીટમાં આ કામ કરી દે છે.
જીવનમાં એકવાર તો આ વિશ્વમાં બનેલા ઠેકાણાનો અનુભવ કરવો પડે એવું મન થાય. સાચી વાત છે ઈશ્વરે કેટલું અદ્દભૂત પૃથ્વી સર્જન કર્યું છે. જેને માણતા અને જાણતા આખી જિંદગી પણ ટૂંકી પડે એમ છે!!!
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.