પાછળનું વર્ષ તો એકદમ મહામારીની સ્થિતિમાંથી પસાર થયું પણ નવું વર્ષ હવે એકદમ સારી રીતે પસાર કરવું છે. તો વર્ષ 2021ની શરૂઆત થઇ ચુકી છે અને આ વર્ષને ઇત્સાહથી પસાર કરવા માટે આપ ક્યાંય ફરવા જવા માટેનું વિચારી રહ્યા છો તો આજનો આ આર્ટિકલ બહુ જ ઉપયોગી થશે. આ આર્ટિકલમાં ઉત્તરાખંડની ખુબસુરત જગ્યાઓની માહિતી સાથે સફર કરવાના છીએ.
ઉત્તરાખંડ, ત્યાંના રહેવાસીઓને જ પસંદ છે એવું નથી! અહીં પર્યટકો માટે પણ બેસ્ટ લોકેશન છે જે દુનિયાના ખૂણે ખૂણેથી ઉત્તરાખંડ ફરવા માટે આવે છે. અહીં યાત્રીઓ શહેર અને પહાડોની ખુબસુરતી જોઇને મનથી બહુ જ ખુશ થાય છે. અહીં જંગલ, બરફથી ઢંકાયેલ પહાડ, રોલિંગ પહાડી વિસ્તાર અને નદી-ઝરણા જેવી પ્રકૃતિ વચ્ચે રહીને અદ્દભુત શાંતિનો અનુભવ કરે છે. પ્રકૃતિ પ્રેમી ઇન્સાન માટે ‘ઉત્તરાખંડ’ સ્વર્ગથી પણ સુંદર છે.
જાન્યુઆરી મહિનાથી નવા વર્ષની શરૂઆત થઇ અને આ વર્ષ આખું આનંદથી વિતાવવાનું છે. એ દરમિયાન તમે પણ ઉત્તરાખંડની સફર કરવાનું વિચારી રહ્યા હોય તો આ રહ્યા અહીંના ઓલ ટાઈમ ફેવરીટ ડેસ્ટીનેશન :
- લેન્સડાઉન
- ઘનોલ્ટી
- પીથોરાગઢ
- ચકરાતા
- ભીમતાલ
- નૈનીતાલ
- સત્તાલ
આજનો આર્ટિકલ બહુ જ રસપ્રદ બનાવવા માટે માત્ર નામ જાણીને કામ પૂરું થઇ ગયું એવું નથી પણ આ સુપરહીટ ડેસ્ટીનેશનની આગવી ઓળખ પણ વિસ્તૃતથી જણાવી દઈએ :
1. લેન્સડાઉન :
આ એવું સ્થળ છે જે બહુ જાણીતું નથી બન્યું એટલે અહીં ફરવાની મજા અનેરી છે. અહીં છે પ્રકૃતિનો ખજાનો. લેન્સડાઉનમાં યાત્રા કરવા માટે જાન્યુઆરી મહિનો બેસ્ટ રહે છે. ઉત્તરાખંડની આ બેસ્ટ જગ્યા છે જ્યાં તમે ફેમેલી કે ફ્રેન્ડઝ સાથે ફરવા માટે જઈ શકો છો. અહીં પ્રકૃતિના રૂબરૂ દર્શન થાય છે ઉપરાંત અહીં આકર્ષણ પમાડે એવા પહાડોની શ્રેણી છે. વિશેષમાં અહીં પહાડો વચ્ચે આશરે 600 પક્ષીઓની જાતીની નિવાસસ્થાન છે, જે પક્ષીઓ તમે ક્યાંય જોયા નહીં હોય! લેન્સડાઉન ટ્રેકર્સ માટે પણ એક સ્વર્ગથી વિશેષ જગ્યા છે. અહીં આવવાની સાથે જ શાંતિનો અનુભવ થાય છે.
3. ઘનોલ્ટી :
જાન્યુઆરી મહિનો એટલે કે વર્ષની શરૂઆતનો પહેલો મહિનો અહીં ફરવા માટેનો બેસ્ટ ટાઈમ ગણવામાં આવે છે. જો તમે માત્ર 60 કિમીની દૂરી પર મસુરીની લોકપ્રિય જગ્યા એવી હિલ સ્ટેશન પાસે ફરવા માટેની ખુબસુરત જગ્યાની તલાશ કરી રહ્યા હોય તો ઘનોલ્ટી બેસ્ટ ડેસ્ટીનેશન છે. અહીં શાંતિનો અહેસાસ કરવા માટે લોકો આવે છે અને એથી વિશેષ અહીં આવવા માટે લોકો ઉત્સુક હોય છે કારણ કે અહીંનું વાતાવરણ લોકોને આજીવન યાદ રહે એવું હોય છે. અહીં ઓક્સ, દેવદાર અને રોડોડ્રેડોનના ઘાટા વૃક્ષો જોવા મળે છે. વુડલેન્ડ્સની વચ્ચે રહીને અમે હિમાલયની શાનદાર મજા માણી શકો છો. અહીં ટ્રેક પણ કરી શકાય છે, જે માટે પણ લોકો અહીં આવે છે. આ ટ્રેકિંગ માટે તો ઘનોલ્ટી બહુ જ ફેમસ છે. અહીં કુંજપૂરી, સુરકંડા દેવી અને ચંદ્રબદની સુધી પહોંચવા માટે અલ્પઇન જંગલોમાં ટ્રેક કરતા કરતા પહોંચવું પડે છે, જે ઘનોલ્ટી ફરવા માટેની બેસ્ટ યાદી બને છે.
3. પીથોરાગઢ :
અહીંની ખૂબસૂરત અને કરામતી નાની ઘાટી લોકોને આકર્ષે છે. પીથોરાગઢની નાની ઘાટીને ‘ધ લીટલ કાશ્મીર’ કહેવામાં આવે છે. અહીં વાતાવરણ દર કલાકે બદલતું રહે છે. વિચિત્ર વાતાવરણ અહીં જોવા મળે છે પણ ખરેખર આ વાતાવરણ પણ અહીં ફરવા માટેની સ્ફૂર્તિ આપે છે. જાન્યુઆરી મહિનો આ પીથોરાગઢ ફરવા માટેનો બેસ્ટ ટાઈમ હોય છે. ગરમીના દિવસોમાં અહીં ફરવાનો મજા ઓછી રહે છે કારણ કે અહીં બદલતા મૌસમની ઝાંખી કરવાની અદ્દભુત મજા છે. પીથોરાગઢ આમ તો એક નાનું ગામ છે પણ તેને ઘાટી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીંની રચના એ રીતે છે. આ જગ્યાના સ્થાનીય રીત-રીવાજ અને તહેવારથી પરિચિત થવા માટે આપ અહીં થોડા દિવસો રહીને સફરની મજાને બમણી કરી શકો છો. તમે અહીંના અમુક મંદિરો પણ ફરી શકો છો. જેમ કે, કપિલેશ્વર મહાદેવ અને નકુલેશ્વર મહાદેવ મંદિર.
4. ચકરાતા :
ઉત્તરાખંડમાં સફર કરતા કરતા ચકરાતા સુધી પહોંચી ત્યારે એવો અનુભવ થાય કે આ જગ્યા રહસ્યમય છે. અહીં પ્રાચીન પહાડોથી ઘેરાયેલ એવું ખુબસુરત હિલ સ્ટેશન છે. આ ખૂબસુરત હિલ સ્ટેશન ટ્રેકર્સ માટે ફેવરીટ જગ્યા માનવામાં આવે છે. શહેરના ઘોંઘાટથી દૂર આવેલ આ જગ્યા વિશ્વશાંતિનો અનુભવ કરાવે છે. દેહરાદુનથી 90 કિમીની દૂરી પર આવેલ ચકરાતા ડેસ્ટીનેશનમાં ઝરણા, ગુફાઓ અને પ્રાચીન મંદિરો એક કરતા વધારે આવેલ છે. ચકરાતાની એકદમ નજીક મુન્ડાલી, સ્કીરોનના ઠંડીની મૌસમ દરમિયાન ઢાળ પરથી સ્લાઈડિંગ કરવાનો લાભ લઇ શકાય છે.
5. ભીમતાલ :
આ એક ઓછી ભીડ રહે એવી જગ્યા છે. જો તમે ઉત્તરાખંડની પ્રવાસ પર હોય અને છેલ્લે લોકોથી સહેજ દૂર રહીને દિવસ પસાર કરવા ઇચ્છતા હોય તો આ જગ્યા બેસ્ટ ડેસ્ટીનેશન છે. આ સ્થળ આમ તો બહુ રમણીય છે પંરતુ શાંત સ્વભાવના લોકો જ અહીં ફરવા માટે આવે છે. અહીં પણ હિલ સ્ટેશન, દેવદાર અને ઓકના વૃક્ષો, ઘાટદાર ઝાડીઓ અને ચારેબાજુ લાકડાથી ધેરાયેલ હોય એવી જગ્યાના દર્શન થાય છે. અહીં સવારની શરૂઆત શાનદાર રીતે કરી શકાય છે. સવારમાં અહીં રંગબેરંગી ચકલીઓ, સૂર્યના કિરણોનું આગવું તેજ વગેરે મનને મોહિત કરે છે.
6. નૈનીતાલ :
આ સ્થળ પર ફરવાની મજા જાન્યુઆરી મહિનામાં જ આવે છે. ઉત્તરાખંડની બેસ્ટ જગ્યામાંથી એક જગ્યા છે, જેનું નામ નૈનીતાલ છે. અહીં એક ઝીલ છે, જે શહેરના રૂપમાં જાણીતી છે. અને અહીં પ્રકૃતિને બહુ નજીકથી નિહાળી શકાય છે. સૂર્યનાં આછા તાપ નીચે આરામ કરવાની મજા માણવી હોય તો આ જગ્યાની સફર કરવી પડે. અહીં કેવ ગાર્ડન અને નૈનીતાલનું ચકલીઘર બહુ જ પ્રસિદ્ધ છે. એડવેન્ચરના શોખીન લોકો ‘ચીના પીક’ જગ્યા પર જઈ શકે છે, જે 8568 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે, જે હિમાલયના આબેહુબ દ્રશ્યોને દેખાડે છે. મનને મોહિત કરી દે એ મુજબનું વાતાવરણ ફરવાના આનંદને વધારે છે.
7. સત્તાલ :
સત્તાલ, નામ ઉપરથી જ જાની શકાય છે, અહીં સાત ઝીલનો સમૂહ છે. સત્તાલ ડીસેમ્બર મહિનામાં ફરવા માટેની બહુ જ સારી જગ્યા છે. અહીં પ્રવાસી પક્ષીઓ આવે છે, જેના કારણે ન જોયેલા પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. પક્ષીની વિવિધ જાતિઓ જોઇને મન એકદમ હળવું થઇ જાય છે. પ્રકૃતિ જેને ગમતી હોય એવા લોકો ખાસ કરીને અહીં ફરવા માટે આવે છે. અહીં આમ તો આખા વર્ષ દરમિયાન વાતાવરણ એકદમ અનુકુળ રહે છે, પણ અહીં ફરવાની સાચી મજા ડીસેમ્બર મહિનામાં જ આવે છે. આજ છે ઉત્તરાખંડના સત્તાલની સાચી મજા…
જો તમે પણ નવા વર્ષમાં ફરવા જવા માટેનું વિચારી રહ્યા છો તો ઉત્તરાખંડની આ જગ્યાઓ આપને ફરવાની અનેરી મોજ આપશે. આશા છે કે આજના આર્ટિકલની માહિતી આપ સૌ ને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel