ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સાલ ૨૦૧૮માં સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્દઘાટન કરીને દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેસ્ટીનેશન આપ્યું. આજે સરદાર પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં આકર્ષણનું કેન્દ્ર છે. અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે, જેમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જીલ્લાના કેવડીયા ગામની મુલાકાત લે છે.
સરદાર પટેલની વિશાળ પ્રતિમા ૭ કિમી દૂરથી નજર આવે છે. અને બાજુમાં નર્મદા જેવો વિશાળ જળસંગ્રહનું સ્થાન. આ બધું સાથે મળીને કેવડીયા ફરવા જવા માટેનું મન બનાવે છે. અથવા તમે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ફરવા જવા માટેનું વિચારી રહ્યાં હોય તો પહેલા એ જાણી લો કે અહીંના આજુબાજુમાં ક્યાં ફરવાના અન્ય સ્થળો આવેલા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શું છે?
આ ગુજરાતનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટ પછી ગુજરાત ઘણુંખરું હાઈલાઈટમાં આવ્યું છે. અહીં સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઉંચી એવી પ્રતિમા છે, જૂના સમયને જાણવા માટે અહીં મ્યુઝીયમ છે, પ્રાણી સંગ્રહાલય છે અને સાથે ફરવા માટેનું બેસ્ટ પ્લેસ તો કેવડીયા કોલોની ખરી જ…!
સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આવેલા પ્રખ્યાત ફરવાના સ્થળો :
બટરફ્લાય ગાર્ડન :
આ ગાર્ડનમાં ૬૦ થી ૭૦ પ્રકારની ૫૦૦૦ થી વધુ પતંગિયા છે. આ ગાર્ડનમાં ટાઈગર બટરફ્લાય બધા માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં પતંગિયાની આખી લાઈફ સાઇકલને સમજી-જાણી શકાય છે. અહીં ૧૦ થી ૧૫ અલગ અલગ સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે.
જંગલ સફારી :
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટ્રીપ પ્લાન કરી એટલે જંગલ સફારીની મુલાકાત અવશ્ય લેવી કારણ કે અહીં બહુ નિહાળવા જેવું છે. નર્મદા જીલ્લાનું કેવડીયા જંગલ સફારી માટે પહેલેથી જ ફેમસ રહ્યું છે. આશરે ૧૩૦૦ એકર જેટલી જગ્યામાં આ વન્ડરફૂલ ડેસ્ટીનેશન સ્થિત છે. અહીં સિંહ, વાધ, ચિતા, હરણ, જિરાફ, જિબ્રા અને અન્ય વિદેશી જાનવર છે. અહીં બેટરી રીક્ષામાં બેસીને ભ્રમણ કરવાનું હોય છે, જે ફરવાની મજામાં વધારો કરે છે.
કેક્ટસ ગાર્ડન :
આ ગાર્ડન સ્પેશ્યલ થોરના ગાર્ડન માટે જાણીતું છે. અહીં અલગ અલગ જાતીના એક થી વધારે થોર જોવા મળે છે. મલેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા સહીત દેશોમાંથી થોરને મંગાવીને અહીં રાખવામાં આવ્યા છે. અહીં સંખ્યાની દ્રષ્ટિએ ૩૨૦ થી વધારે થોરના વિભિન્ન રૂપ જોવા મળે છે. એડવેન્ચર અને નેચરના શોખીનો માટે આ જગ્યા જન્નત છે. અહીં બાળકોને ફરવાની મજા બહુ જ આવે છે અને એથી વિશેષ મનોરંજન પુરતું મળી રહે એ રીતે તમામ સુવિધા વિકસાવવામાં આવી છે.
એકતા નર્સરી :
અહીં વાંસમાંથી બનાવેલ વસ્તુના ઉપયોગ દ્વારા નર્સરી બનાવવામાં આવી છે. 50 એકર જગ્યામાં આવેલી એકતા નર્સરીમાં દરરોજ ઉપયોગમાં આવે એવી અનેક વસ્તુ રાખવામાં આવી છે. અહીં વાંસમાંથી બનાવેલ આબેહુબ વસ્તુઓ મળે છે. દૂરથી આવતા પર્યટકો આ નર્સરીમાંથી ઇકો-ફ્રેન્ડલી વસ્તુ ખરીદીને પોતાના ઘરે લઇ જાય છે.
રીવર રાફટીંગ :
ગુજરાતના નર્મદા જીલ્લામાં સૌથી પહેલી વાર રીવર રાફટીંગ પ્લેસ બનાવવામાં આવ્યું છે. નર્મદા ડેમની નજીક આ સ્થળ આવેલું છે. સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવે છે એ પ્રવાહ રીવર રાફટીંગનું કારણ બને છે. આ પ્લેસને જોવા માટે ગુજરાત સિવાય ભારત અને ભારત સિવાય વિદેશી પ્રવાસીઓ પણ આવે છે.
આટલી માહિતી સાથે ગુજરાત બહારના પ્રવાસીઓને એ પણ જણાવી દઈએ કે ગુજરાત એ ભારતનું સૌથી પ્રમુખ રાજ્ય છે અને સમૃદ્ધ પણ એટલું જ! ગુજરાતના મુખ્ય શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ છે. આ ચાર શહેરોમાં ગુજરાતની જાન છે. અહીંના માણસો અને રીત-ભાત બહુ જ રસપ્રદ છે. ગુજરાતી લોકો દિલના એટલા જ મોટા છે જેટલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઈઝ!
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટ્રીપ પ્લાન કરો ત્યારે અહીં જણાવેલ ડેસ્ટીનેશન પર જવાનું ભૂલતા નહીં. કારણ કે અહીં પરિવાર સાથે ફરવાની મજા બહુ જ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનો વિસ્તાર આજની તારીખમાં એટલી હદે વિકાસ પામ્યો છે કે અહીં આપ રહેવા-જમવાની કે ફરવાની મજા હંમેશા યાદ રાખશો…
તો નેક્સ્ટ ટૂર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના નામે…કરો ડન…
અન્ય આવી જ રસપ્રદ માહિતી આપના મોબાઈલ કે કોમ્પ્યુટર સુધી મેળવવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel