આજના જમાનામાં કઈ પણ નવું કરવાવાળા ઘણીવાર એ જ જુગાડમાં લાગી રહે છે કે તેના વિચારો કોઈ કોપી ના કરી લે, પરંતુ ત્યાં જ એક ઈનોવેટર છે જે ઈચ્છે છે કે તેનો આ આઈડિયા કોપી થાય અને પુરા દેશમાં લોકો સુધી પહુચે.
ઈનોવેશન અને ચોપડીના ભણતરને ખાસ કંઈ લાગતું વળગતું ન હોય તેવા અનેક કિસ્સા આપણે જોયા છે. તેમાં વધુ એક કિસ્સો આપણા ગુજરાતનો જ છે જેમાં ક્યારેય સ્કૂલમાં ન ગયેલા ખેડૂતે પોતાની બુદ્ધીથી એવી એવી શોધ કરી બતાવી છે કે દેશની ટોચની શિક્ષણ સંસ્થાઓ IIT અને IIMના વિદ્યાર્થીઓ પણ તેમની પાસે પોતાના પ્રોજેક્ટ માટે મદદ માગવા આવે છે.
જુનાગઢ પાસે આવેલ કાલાવડના ખેડૂત ભાંજીભાઈ માથુકિયાને તેમની સિદ્ધિઓ માટે રાષ્ટ્રપતિ સમ્માન પણ મળી ચૂક્યું છે તો વિદેશમાંથી પણ તેમને આમંત્રણ મળી ચૂક્યા છે. સ્કૂલે ભલે ન ગયા હોય પણ ભાંજીભાઈ નાનપણથી જ ખૂબ જ રચનાત્મક અને ટેક્નોસેવી હતા. નાનપણથી જ તેઓ ખેતીમાં આવતી અનેક નાની નાની સમસ્યાનો અનોખો ઉકેલ શોધી લાવતા હતા.
1990માં જ્યારે ગામમાં પહેલું ટ્રેક્ટર આવ્યું ત્યારે ગામવાળની જેમ ભાંજીભાઈ પણ તેને જોવા માટે ગયા હતા. ટ્રેક્ટરને જોતા જ તેમને વિચાર આવ્યો કે જેમની પાસે મોટી ખેતી છે તેમનું તો ઠીક પરંતુ મોટાભાગે નાના-નાના ખેતર ધરાવતા ખેડૂતોને આ લાખો રુપિયાનું ટ્રેક્ટર કઈ રીતે પોસાય? બસ પછી શું તેમના મગજે કામ કરવાનું શરું કરી દીધું અને ભંગારવાળા પાસેથી કેટલાક જૂના સ્પેર પાર્ટ્સ ખરીદી લાવ્યા અને જૂની કમાંડર જીપનું એન્જિન અને ટાયરની મદદથી થ્રી વ્હીલર ટ્રેક્ટર બનાવી નાખ્યું. તેમણે નાના ખેડૂતો માટે બનાવેલું 10 હોર્સ પાવરનું આ ટ્રેક્ટર ફક્ત રુ. 30 હજારમાં બનીને તૈયાર થઈ ગયું.
જોકે આ ટ્રેક્ટર તેમણે પોતાના જ ખેતરમાં ચલાવ્યું પરંતુ થોડા સમયમાં જ બંધ થઈ ગયું તેનું કારણ હતું જૂના સ્પેરપાર્ટ્સ બસ પછી શું તેમણે થોડી વધુ મહેનત અને રુપિયા ખર્ચી લગન સાથે થોડાક જ સમયમાં એકદમ નવુંનકોર 10 હોર્સપાવરનું ટ્રેક્ટર બનાવ્યું જેને નામ આપ્યું ‘વનરાજ’, આ ટ્રેક્ટર તેમને કોઈ નવા ટ્રેક્ટર કરતા અડધાથી પણ ઓછી કિંમત ફક્ત રુ.1 લાખ 60 હજારમાં તૈયાર થઈ ગયું.
જોકે 1993માં રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરે તેમના ટ્રેક્ટરને રોકીને તેમની ધરપકડ કરી હતી. જોકે ભાંજીભાઈએને એવી કોઈ જાણકારી નહોતી કે તેમણે બનાવેલા ટ્રેક્ટરને RTO પાસેથી મંજૂર પણ કરાવવું પડે છે. મોટો દંડ ભરીને તેમને જેલમાંથી તો છોડાવવામાં આવ્યા પરંતુ આ ઘટનાએ તેમના મન પર અસર પાડી અને તેમણે કોઈ નવા ઇનોવેશન કરવાનું બંધ કરી દીધું.
વર્ષ 2002માં પ્રોફેશર અનિલ ગુપ્તા સાથે તેમની મુલાકાત થઈ અને તેમના પ્રયાસોથી તેમને પોતાની શોધની પેટન્ટ મળી. જોકે હજુ સુધી કોઈ કંપનીએ તેમની પેટન્ટ ખરીદી નથી. આ ઉપરાંત કેટલાક તેમની ડિઝાઇન ચોરીને ટ્રેક્ટર બનાવી રહ્યા છે. જોકે ભાંજીભાઈએ આનો કોઈ વિરોધ નથી. તેમણે કહ્યું “જો બીજાના કોપી કરવાથી આ ડિઝાઇન દેશભરના ખેડૂતો સુધી પહોંચી શકે છે તો તેનાથી વધુ સારું શું હોઈ શકે. મારો તો ઉદ્દેશ્ય જ ખેડૂતોનું ભલું કરવાનો છે.’
પ્રોફેસર ગુપ્તાના સંપર્કમાં આવ્યા બાદ ભાંજીભાઈમાં રહેલો વૈજ્ઞાનિક જીવ ફરી સળવળવા લાગ્યો હતો અને ગામમાં ઘટતા જતા ભૂગર્ભ જળના ભંડારને લઈને તેમણે ચેક ડેમ બનાવવાનો વિચાર આવ્યો. ભાંજીભાઈ એવી ડિઝાઇન પર કામ કર્યું જે જલ્દી બનીને તૈયાર થઈ જાય અને ટકાઉ હોવા સાથે ઓછી ખર્ચાળ હોય.
પોતાના ગામમાંથી પસાર થતી નદી ધરફાડ પર 4 જ દિવસમાં ફક્ત 4 મજૂરો સાથે રાખીને તેમણે રુ.10000માં ચેક ડેમ બનાવી દીધું. એટલું જ નહીં તેમનો આ ડેમ ખૂબ સફળ પણ રહ્યો. તેમના ગજબના આ આડિયાના કારણે ગામની આ નદીમાં વરસાદનું પાણી વહી જવાની જગ્યાએ સ્ટોર થવા લાગ્યું અને ધીરે ધીરે આસપાસના વિસ્તારમાં કુવામાં નવા નીર દેખાવા લાગ્યા. તેમજ હરિયાળી પણ વધી અને ખેડૂતોને સિંચાઈ માટે પણ પૂરતું પાણી મળવા લાગ્યું.
વર્ષ 2002માં પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દૂલ કલામે ભાંજીભાઈને નેશનલ ફાઉન્ડેશન ઇનોવેશન મારફત એવોર્ડ દ્વારા સમ્માનિત પણ કર્યા હતા. તેમજ તેમણે દ. આફ્રિકામાં યોજાયેલ કોમનવેલ્થ સાયન્સ કાઉન્સિલમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. ગુજરાતના આ ખેડૂત અંગે જાણીને એક વિશ્વાસ તો વધુ મજબૂત થશે કે જો તમારામાં કંઈક હુનર છે તો પછી ઉંમર કે ભણતર કંઈ જ આડા નથી આવતા.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team