માતા-પિતાની કાયમ માટે બાળકને આપવાની એક શિખામણ હોય છે કે, ભણજો નહી તો મજૂરી કરવાનો વારો આવશે! જો કે,મજૂરી કરવી એ પણ કોઇ હીનતાભર્યું કામ નથી.એ છતાં અહીં વાત કરવી છે કે-માત્ર ભણવાથી કશું ઉકાળી શકાતું નથી! જો તમારી પાસે આવડત છે તો તમે તમારી રીતે દુનિયા પર રાજ કરી શકો છો. કોઇની ભાઇસા’બી કર્યા વગર! જરૂરી નથી કે “પઢોગે-લીખોગે બનોગે નવાબ, ખેલોગે-કૂદોગે બનોગે ખરાબ” કહેવત હંમેશા સાચી જ હોય.
અહીં વાત કરવી છે એક એવા જનાબ વિશે જેણે આ કહેવતને ખરેખર ખોટી સાબિત કરી દીધેલી!
માયાનગરી મુંબઇમાં રહેતા એ બાળકનું ભણવામાં બિલકુલ મન નહોતું લાગતું. આખો પરીવાર રાત-દિવસ ટોક્યા કરતો કે, એલા ભણ બાકી ઢોર ચારવાનો વખત આવશે પણ આ જનાબને અને ચોપડીને બાર ગાઉનું છેટું!
છોકરો કાયમ એના પપ્પાના કોમ્પયુટરમાં વિડીયો ગેમ રમ્યાં કરતો. એના પિતા કંટાળીને કાયમ કોમ્પયુટરનો પાસવર્ડ બદલી નાખતા. પણ આ ઉસ્તાદ કાયમ ગમે તેમ કરીને પાસવર્ડ ક્રેક કરી નાખતો, તોડી નાખતો! નાનપણમાં આવી ગજબ સિધ્ધી એણે હાંસલ કરેલી.
પછી એક દિવસ તો હદ જ થઇ ગઇ. નિશાળેથી પ્રિન્સીપાલે છોટે ઉસ્તાદના માતા-પિતાને બોલાવીને કહ્યું કે, તમારો છોરો આઠમા ધોરણમાં ઉડી ગયો છે! મા-બાપની ચિંતા વધી ગઇ. એણે આખરે છોકરાને પૂછી જ લીધું, એલા તારે ભણવું નથી તો શું કરવું છે?
છોકરાએ જવાબ આપી દીધો, મારે કોમ્પયુટરમાં મારું કરીયર બનાવવું છે. અચ્છા એવું છે!પિતાએ નવું કોમ્પયુટર લાવી આપ્યું. છોકરો કોમ્પયુટરની નાનામાં નાની વિગતોથી પરીચિત થવા લાગ્યો. થોડા જ વખતમાં તે સાઇબર ફિલ્ડનો ખેરખાં જ બની ગયો!
મહજ ૧૯ વર્ષની ઉંમરમાં એ કમ્પયુટર ફિક્સીંગ અને સોફ્ટવેર ક્લીનિંગ કરતા શીખી ગયો. એ પછી તો એને છોટા-મોટા પ્રોજેક્ટ પર કામ પણ મળી ગયું. એનો પહેલી કમાણી રૂપે સાઠ હજારનો ચેક આવ્યો. છોકરાએ રૂપિયા ઉડાડવાને બદલે પોતાના ઘરની કંપની બનાવી. આજે એ કંપની TCA સિક્યુરીટી સોલ્યુશન નામે જાણીતી છે. બહુ જાણીતી સાઇબર સોલ્યુશન કંપની રૂપે એણે માર્કેટમાં ધાક જમાવી છે.
આ ઉસ્તાદનું નામ છે – ત્રિશનિત અરોડા. આઠમાં ધોરણમાંથી જ ભણવાનું છોડી દઇને શાળાકીય એજ્યુકેશનમાંથી ખસી ગયેલ આ જનાબ આજે તો રીલાયન્સ, CBI, પંજાબ પોલીસ, એ-વન સાઇકલ જેવી કંપણીઓને કલાયન્ટ બનાવીને બેઠા છે. આવી કંપનીઓને તે સાઇબર સર્વિસ પ્રોવાઇડ કરે છે. દુનિયા આખીમાં ૫૦ ફોર્ચ્યુન અને ૫૦૦ કંપનીઓ એની કલાયન્ટ છે. ત્રિશનિત એકવીસ વર્ષનો હતો ને એણે કંપની સ્ટાર્ટ કરેલી. જો કે,બાદમાં ત્રિશનિતે એક્સનલમાં બાર ધોરણ અને પછી બી.એસ.સી પૂર્ણ કર્યું છે પણ તેના ભણતર સાથે તેના ધંધાને કંઇ લાગે વળગે તેમ નથી!
ત્રિશનિત અરોડા હેકિંગ માટે પુસ્તકો પણ લખી ચુક્યા છે. ‘હેકિંગ ટોક વિથ ત્રિશનિત અરોડા’, ‘ધ હેકિંગ એરા’ અને ‘હેકિંગ વિથ સ્માર્ટ ફોન્સ’ જેવા પુસ્તકોની એણે રચના કરી છે.
કહેવાય છે કે, ત્રિશનિતની કંપનીની ભારતમાં ચાર અને દુબઇમાં એક ઓફિસ છે. ૪૦% જેટલા કલાયન્ટ એમની ઓફિસે જ ડિલ કરે છે. ત્રિશનિત ચાહે છે કે, તેમની સિક્યુરીટી કંપની બિલિયન ડોલર હોય! આજે માર્કેટમાં એક કરોડથી અધિકનું રાજસ્વ તેની કંપનીએ પ્રાપ્ત કર્યું છે.
આર્ટીકલ પ્રેરણાદાયી લાગે તો આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. એટલું આ વાત પરથી ખાસ યાદ રાખજો કે, દુનિયા ભલે તમારા વિશે મનફાવે તેવી વાતો કરે (એને તો ટેવ છે આવું કરવાની) પણ તમે તમારા ધારી લીધેલા ફિલ્ડમાં જ આગળ વધશો, જેમાં તમને નિપૂણતા હાંસલ કરવાનો વિશ્વાસ હોય. પછી જુઓ મજા!
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ સ્ટોરી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…