રાજકોટના ભક્તિનગર મેઈન રોડ પર, સત્ય વિજય આઈસ્ક્રીમની બાજુમાં એક પરિવાર વડાપાઉંનો ધંધો કરે છે. વર્ષોથી જોઉં એમને. ઘરાકી ઘણી હોય. સારા વર્ગના લોકો ઉભા હોય. ચારેક વર્ષથી જોઉં છું, એક જ ભાવ: પાંચ રૂપિયા!
ત્રણેક વર્ષ પહેલાં મન થયું: આજે તો ચાખવા જ છે. એક વખત ત્યાં ઉભો રહી ગયો. અહીં વડા પાઉંનો જોટો જ મળે. દસ રૂપિયાના બે નંગ!
બજારમાં મળતાં અન્ય વડા પાઉં કરતાં સ્હેજ અમસ્તા નાનાં. સાથે સોસ, તળેલાં મરચાં અને કાંદા.
ચારેક દિવસ પહેલાં ફરી ત્યાં ઉભો રહ્યો. ચોખ્ખાઈ સરસ. માલ પડતર નહીં. મેં પૂછ્યું, તેલ કયું વાપરો છો? જવાબ મળ્યો: કપાસિયા જ. બીજું એક પણ નહીં. કુતૂહલવશ મેં પૂછ્યું: … તો પાંચ રૂપિયામાં વેંચવા પોસાય? એમણે જવાબ આપ્યો; કેમ નહીં! હું ક્યાં આમાં સોનું નાખું છું! બધું થઈ ને રૂપિયા 4:25માં એક નંગ પડે, 5માં વેંચુ. તો ય નંગે બાર આના (75 પૈસા) મળે.
રોજના સરેરાશ 1600 વડા પાઉં વેંચુ. ધંધો માત્ર ચાર કલાકનો: ત્રણેક વાગ્યે આવું, સાત વાગ્યે ઘરભેગા. બીજું જોઈએ શું!
તેમનો આખો પરિવાર મદદ કરે. ભાઈ પોતે પારસલ વગેરે કરે, તેમના પત્ની બટેટા વડા બનાવે અને 16-17 વર્ષનો પુત્ર પાઉંમાં ચટણી વગેરે લગાવી વડા પાઉં તૈયાર કરે.
આખી વાતમાં મને રસ એટલા માટે પડ્યો કે, બેફામ નફાખોરીના યુગમાં પણ જો કોઈ નિષ્ઠાવાન વ્યાપારી ઈચ્છે તો સારો ધંધો મેળવી શકે છે. પરંતુ મોટા ભાગના લોકોને ઝટ કમાઈ લેવું છે.
રાજકોટમાં વિરાણી રોડ પર રાજમંદિર નામે બર્ગરની એક રેંકડી ઉભી રહેતી. શરૂમાં તેમણે ઈમાનદારીથી ધંધો કર્યો. રેન્કડીમાંથી દુકાન થઈ કે તેવર બદલાઈ ગયા. આજે એ 100-100 રૂપિયાની સેન્ડવિચ વેંચે છે! મનફાવે તેવા ભાવ લે, દુકાન સાવ ખોલી જેવી પણ નામ થયું કે વટાવી લો એ નીતિ. ઇન ફેક્ટ નીતિ વગરની રીતિ.
હા! કરોડોનું રોકાણ કરી રેસ્ટોરાં બનાવી હોય અને ફોજ જેવો સ્ટાફ રાખ્યો હોય તેની અહીં વાત જ નથી. એમના માટે બધું ક્ષમ્ય છે. કારણ કે, આ લાઈન વિશે મને ઓલમોસ્ટ તમામ માહિતી છે. લોકોને પચાસ રૂપિયાની રોટી હોય તો કઠે છે પરંતુ રેસ્ટોરાં પાછળ કેટકેટલાં મીટર ચડતાં હોય છે એ વાતની સામાન્ય લોકોને કલ્પના પણ હોતી નથી.
પરંતુ સ્ટ્રીટ ફૂડ એક હદથી મોંઘુ હોય એ ન ચાલે. હું વ્યાપારીઓના એક વ્હોટ્સએપ્પ ગ્રુપમાં છું. થોડા દિવસ પહેલાં એક વ્યાપારી અગ્રણીએ તેમાં એક પોસ્ટ મૂકી અને લખ્યું કે, બધા વેપારીઓએ પોતાના નફાનો માર્જિન ખૂબ વધારી દેવો, ઓછા નફાથી કોઈએ ધંધો ન કરવો, મોંઘવારી ખૂબ છે!
શું વેપારીઓ અત્યારે ઓછા નફાથી ધંધો કરે છે? 70 રૂપિયામાં તૈયાર થતાં ફરસાણના 240 સુધી ભાવ લેવાય છે, દૂધવાળા નકલી દૂધ વેંચે છે, અસલી ઘી દુર્લભ છે અને નકલી ઘીના ચારસો રૂપિયા સુધી પડાવાય છે. યાર્ડમાં બટેટાના ભાવ બે રૂપિયા હોય તો પણ કરીયાણાની દુકાને વિસ રૂપિયા જ હોય છે. શાકભાજી યાર્ડમાંથી શેરીમાં પહોંચે ત્યાં તેનો ભાવ ત્રણ ગણો થઈ જાય છે.
થોડાં સમય પહેલાં હું એક ફ્રૂટવાળાને ત્યાં ઉભો હતો, એક ગ્રાહક પોતાની i20 કાર લઈને આવ્યો, પૂછ્યું કે, જામફળનો શું ભાવ? ફેરિયાએ 80 રૂપિયા કહ્યાં. ગ્રાહકે કહ્યું કે માર્કેટમાં તો 30ના કિલો છે. ફેરિયાએ જવાબ આપ્યો: શું અમારે i20 ન લેવી હોય? આખી જિંદગી લારી જ ચલાવવી! લ્યો બોલો….
હવે આ માનસિકતાનું શું કરવું? એને એરોપ્લેન લેવું હોય તો શું કિલો જામફળના 80 હજાર લેવાનાં? પેલાં વ્યાપારી અગ્રણીની વાત અને સલાહ સાવ જુઠાડી છે. વાસ્તવિકતા એ છે કે, દરેક વસ્તુમાં નફાખોરી બેફામ છે એટલે મોંઘવારી છે. આવા હળાહળ કળીકાળમાં કોઈ વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરતો હોય એ દ્રશ્ય જ દુર્લભ છે, રેર છે.
પેલા વડા પાઉંવાળા પાસેથી ક્યારેક નીકળવાનું થાય તો એક-બે જોટા લઈ ને ટ્રાય કરજો. મજા આવશે. એમની વસ્તુનો ટેસ્ટ અદ્દભૂત નથી, પરંતુ એમની પ્રામાણિકતા સો ટચની છે. 1600માંથી એમનું વેંચાણ 3200 સુધી પહોંચે એ જરૂરી છે. તો જ ઈમાનદારીથી ધંધો કરનારાં તેમનાં જેવાં બીજાં લોકો ઉભા થશે.
કિન્નર આચાર્ય,